મુખ્યમંત્રી સાથેની ટિફિન બેઠકમાં પણ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછળ્યો
(ગોંડલના પ્રસિદ્ધ તીર્થધામ ઉગમધામ બાંદરા ખાતે ઉગારામ બાપા અને સોનલમાના નિર્વાણ દિન નિમિત્તે આયોજિત નિર્વાણ તિથિ ઉત્સવમાં સહભાગી બન્યા તેની તસવીર)- સરકારમાં ઉથલપાથલ વચ્ચે રાજકોટ-અમરેલીમાં મુખ્યમંત્રીની ટિફિન બેઠક- રસ્તાઓનાં કામ ગુણવત્તા વગરનાં, રખડતાં ઢોર, ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ ન થતું હોવાની ફરિયાદરાજકોટ, સોમવારરાજ્યનાં બે સિનિયર મંત્રીઓનાં ખાતાં એકાએક છીનવી લેવાયા બાદ આજે ભાજપનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સરકાર અને સંગઠનમાં ભારે ઉથલપાથલનાં સંકેત વચ્ચે રવિવારે મુખ્યમંત્રી સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા. અમરેલી અને રાજકોટ જિલ્લામાં ટિફિન બેઠક અને બે આશ્રમોની મુલાકાત લીધી હતી. અમરેલીમાં મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યકરો સાથે યોજાયેલી ટિફીન બેઠકમાં પૂર્વ મંત્રી સહિતનાં આગેવાનોએ સરકારનાં માર્ગ અને મકાન સહિતનાં વિભાગોમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારનો મુદો ઉછાળવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે અમરેલી પહોંચ્યા બાદ શહેરની બહાર આવેલા એક પાર્ટી પ્લોટ ખાતે અપેક્ષિત ભાજપનાં કાર્યકરો સાથે ટિફિન બેઠક યોજી હતી તેમાં પ્રભારી મંત્રી, પ્રદેશ ભાજપનાં હોદેદારો, ધારાસભ્યો, સાંસદ અને પૂર્વ મંત્રીઓ હાજર રહ્યા હતા. જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા આગેવાનોએ આ બેઠકમાં સરકારમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર, રખડતા ઢોરનો મુદ્દો, જીઆઈડીસી અને ખેડૂતોનાં પ્રશ્નો ઉઠાવ્યા હતા. પૂર્વ મંત્રી વી.વી.વઘાસીયાએ રોડ રસ્તાનાં કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો મુદો ઉઠાવતા કહ્યું હતું કે, રસ્તાનાં કામોમાં ગુણવતા જળવાતી નથી, થોડા સમયમાં જ રસ્તાઓ તૂટી જાય છે, આવા કામોની તપાસ થવી જોઈએ. લીલીયાનાં એક આગેવાને જિલ્લા પંચાયતમાં લીલીયાનાં ભાજપનાં બે સભ્યો છે પરતુ કોઈ કામ થતા નથી એવો બળાપો કાઢ્યો હતો. તાઉતે વાવાઝોડાનાં કામો પણ હજુ પુરા થયા નથી. સીએમની હાજરીમાં ખૂદ ભાજપનાં આગેવાનોએ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછાળતા આ મામલે પક્ષમાં ચર્ચા છેડાઈ છે. ગોંડલમાં તેમણે પોરબંદરનાં સાંસદનાં નિવાસે સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી હતી. પ્રદેશ ભાજપનાં ઉપપ્રમુખ સહિતનાં હોદેદારો તેમની સાથે રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની ટકોરઃ કેટલાંક કાર્યકરો માત્ર ફોટા પડાવવા આવે છે મુખ્યમંત્રીએ અમરેલી ખાતે ટિફિન બેઠકમાં પોતાની આગવી શૈલીમાં ટકોર કરતાં એવુ કહ્યું હતું કે, કેટલાક કાર્યકરો બેઠકોમાં માત્ર ફોટા પડાવવા જ અને પ્રસિધ્ધિ માટે જ જતા હોય છે. કામ કરવુ તેમનાં ભાગ્યમાં નથી હોતુ. તેમણે ચૂંટણી ટાણે અંદરોઅંદરનાં વિવાદો ભૂલી પક્ષનાં કામે લાગી જવા હાકલ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.