શરીરના ટુકડા કરી ઉકાળ્યા, માથાનો સૂપ બનાવ્યો:હત્યાના એક વર્ષ બાદ પણ ધડ ન મળ્યું, સુપર મોડલ એબી ચોઈના મોતની ખોફનાક સ્ટોરી
21 ફેબ્રુઆરી, 2023 હોંગકોંગથી 17 માઈલ દૂર તાઈ પોના એક ગામડાના મકાનમાંથી પ્રખ્યાત સુપરમોડલ એબી ચોઈના શરીરના કેટલાક ટુકડા મળી આવ્યા હતા. જ્યારે પોલીસ ઘરમાં પ્રવેશી ત્યારે ઘરનું ભોંયતળિયું ચીંથરેહાલ શરીર અને લોહીથી લોહીથી લથપથ હતું, ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ હતું. ઘરમાં બધે સડાની દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. પછી પોલીસે જે ભયાનક દૃશ્ય જોયું તે જોઈને બધા ધ્રૂજી ઊઠ્યા. શરીરના ટુકડા સ્ટેનલેસ સ્ટીલનાં મોટાં વાસણોમાં રાંધવામાં આવ્યાં હતાં. જ્યારે સૂપથી ભરેલા પોટની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં એબી ચોઈનું માથું હતું. બાદમાં જ્યારે ઘરનું રેફ્રિજરેટર ખોલવામાં આવ્યું ત્યારે તેમાંથી પગ અને પાંસળીઓ મળી આવી હતી. લોહી થીજી ગયું હતું, પણ માંસ તાજું હતું. જ્યારે ધડ અને હાથનું કોઈ નામનિશાન મળ્યું ન હતું. શરીરના સંપૂર્ણ અંગો ન મળી શકવાને કારણે એબીના અંતિમ સંસ્કાર માટે 4 મહિના સુધી રાહ જોવી પડી હતી. તેનું ધડ અને હાથ આજે પણ મળી શક્યાં નથી. આ ભયાનક હાઈપ્રોફાઈલ મર્ડર કેસે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું, પરંતુ દરેકના મનમાં સવાલ એ હતો કે, 28 વર્ષની સુપર મોડલને કોઈની સાથે એવી કઈ દુશ્મની હોઈ શકે કે તેની સાથે આ બર્બરતા આચરમાં આવી. આજે ‘વણકહી વાર્તા’નાં 3 ચેપ્ટરમાં જાણો એબી ચોઈની હત્યાના કાવતરા અને ગાંડપણની તમામ હદ વટાવી દેનારા હત્યારાઓની વાર્તા - વર્ષ 1994માં એબી ચોઈનો જન્મ હોંગકોંગમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેનું અસલી નામ ચોઈ ટિન ફંગ હતું, જે મોડલિંગની દુનિયામાં આવ્યા પછી બદલાઈ ગયું હતું. નાનપણથી જ એબીનો ઝુકાવ ગ્લેમરસ વર્લ્ડ તરફ હતો. કિશોરાવસ્થામાં, તેણે સોશિયલ મીડિયા દ્વારા વિશ્વને તેની પ્રતિભા બતાવવાનું શરૂ કર્યું. સમય સાથે તેના ફોલોઅર્સની સંખ્યા વધવા લાગી. ઢીંગલી જેવી દેખાતી ચોઈએ સમય જતાં લાખો ફોલોઅર્સ મેળવ્યા. ચોઈએ તેની સુંદરતા અને સર્જનાત્મકતા દ્વારા હોંગકોંગમાં ઇન્ફ્લુએન્સર તરીકે ઓળખ મેળવવાનું શરૂ કર્યું. જેમ-જેમ તેની લોકપ્રિયતા વધવા લાગી, તેમ-તેમ તેને મોડલિંગની ઓફર પણ મળવા લાગી. પોતાની સુંદરતાથી એબીએ માત્ર થોડાં જ વર્ષોમાં મોડલિંગની દુનિયામાં ઉચ્ચ સ્થાન હાંસલ કર્યું હતું. પેરિસ ફેશન વીકથી લઈને પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય સામયિકો એલે, હાર્પર્સ બઝાર અને વોગના કવર પેજ પર પણ તેને સ્થાન મળ્યું હતું. વધતી સફળતા સાથે એબીની ખ્યાતિ પણ વધવા લાગી. તેના નામે હોંગકોંગના ઘણા પોશ વિસ્તારોમાં મોટી મિલકતો હતી. 18 વર્ષની ઉંમરે એબી 100 હોંગકોંગ મિલિયન ડોલર (રૂ. 107 કરોડ)ની માલિક હતી. 18 વર્ષની એબીએ 2012માં એલેક્સ ક્વોંગ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના એક વર્ષમાં એબીએ એક પુત્રીને જન્મ આપ્યો, જેનાં બે વર્ષ બાદ તેમના ઘરે બીજી પુત્રીનો જન્મ થયો. લગ્ન બાદ એબીએ તેનાં સાસરિયાંઓના નામે ઘણી મિલકતો લીધી હતી. તેનાં સાસરિયાંઓ આર્થિક રીતે મજબૂત ન હતાં, તેથી તેનો ખર્ચ ચોઈ ઉઠાવતી હતી. તેણે તેના પતિ એલેક્સના ભાઈ એન્ટોનીને ડ્રાઈવર તરીકે રાખ્યો હતો. એબીએ તેના સસરા ક્વોંગ કાઓના નામે હોંગકોંગના સૌથી પ્રસિદ્ધ વિસ્તાર કદૂર હિલ, કોવલૂન ટોંગમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. શહેરના સૌથી ધનિક લોકો આ વિસ્તારમાં રહેતા હતા. પ્રખ્યાત ઉદ્યોગપતિના પુત્ર સાથે બીજાં લગ્ન
લગ્નનાં ત્રણ વર્ષ પછી, ચોઈ હોંગકોંગના પ્રખ્યાત ઉદ્યોગપતિ ક્રિસ ટેમ ફોંગ ચુનને મળી, જેના પિતા પ્રખ્યાત રેસ્ટોરન્ટ ચેન તમઝાઈ યુનાન મિક્સિયનના માલિક હતા. થોડા મહિનાના સંબંધો પછી, એબી ચોઈએ તેના પતિ એલેક્સ ક્વોંગ સાથે છૂટાછેડા લીધા અને ક્રિસ ટેમ ફોંગ ચુન સાથે લગ્ન કર્યાં. છૂટાછેડા પછી, એબીએ બંને બાળકોનો કબજો મેળવ્યો, જેઓ મોટે ભાગે તેમની માતા સાથે જ રહેતાં હતાં. છૂટાછેડા પછી પણ તેના પહેલા પતિ એલેક્સ ક્વોંગ સાથે તેના સંબંધો સારા હતા. તેણી અવારનવાર તેના પ્રથમ પતિ અને તેના પરિવારને મળતી હતી, જ્યારે તેનો સાળો એન્ટોની તેની સાથે ડ્રાઈવર તરીકે સતત કામ કરતો હતો. મોટા ભાગના પ્રસંગોએ એબી તેના ડ્રાઈવર એન્ટોની સાથે રહેતી હતી. 21 ફેબ્રુઆરી, 2023 એબી ચોઈ તેની દીકરીને સ્કૂલે લેવા ગઈ હતી. સમય વીતતો ગયો, પણ એબી ન તો શાળાએ પહોંચી કે ન તો તેના કોઈ સમાચાર મળ્યા. પરિવારને શંકા ગઈ કે તેનું અપહરણ થયું હશે. જ્યારે હોંગકોંગ પોલીસે તપાસ શરૂ કરી, ત્યારે તેમને એક સીસીટીવી ફૂટેજ મળ્યું જેમાં સફેદ પોશાક પહેરેલી એબી ડ્રાઈવરની રાહ જોતી જોવા મળી હતી. સીસીટીવી સ્કેન કર્યા પછી, પોલીસને ડ્રાઈવર એન્ટોનીના ફૂટેજ મળ્યા, જેમાં તે સફેદ પ્લાસ્ટિકની થેલીમાં કેટલીક ભારે વસ્તુઓ લઈને જતો જોવા મળ્યો હતો. શંકાસ્પદ ગતિવિધિને કારણે પોલીસે એન્ટોનીની ધરપકડ કરી હતી. એન્ટોની તેનાં માતા-પિતા અને એબીના ભૂતપૂર્વ સાસરિયાંઓ સાથે સતત સંપર્કમાં હતો, તેથી તેમને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતાં. પોલીસને બાતમીદારો પાસેથી માહિતી મળી કે એબીના ભૂતપૂર્વ પતિ એલેક્સ ક્વોંગે દરિયાઈ માર્ગે હોંગકોંગ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે જ ત્રણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સમજદારીપૂર્વક એલેક્સની ધરપકડ કરી. એલેક્સની ધરપકડ બાદ જે ખુલાસો થયો તે સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ એબી ચોઈના સસરા ક્વોંગ કાઓ હતા, જેમણે મહિનાઓ અગાઉ હત્યાની યોજના ઘડી હતી. ફેબ્રુઆરી 2023માં જ તેણે કોવલૂન ટોંગથી 17 માઈલ દૂર એક ઘર ભાડે લીધું હતું. તેના કહેવાથી જ, ડ્રાઈવર એન્ટોનીએ એબીને ઉપાડી અને તેને કોવલૂન ટોંગ લઈ ગયો, જ્યાં તેણે કારમાં જ તેની હત્યા કરી. હત્યા બાદ એન્ટોનીએ તેની લાશને સફેદ પ્લાસ્ટિકની થેલીમાં રાખી અને ઘરે લઈ ગયો. આ ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થઈ હતી. હત્યા કર્યા પછી, તે એબીની ડેડ બોડીને ટ્રિપલ સ્ટોરી હાઉસમાં લઈ ગયો, જ્યાં તેની લાશને કાપી નાખવામાં આવી. ઘરમાં જ અન્ય ત્રણ આરોપીઓ હાજર હતા. તે ઘરમાં મીટ કટર અને ઈલેક્ટ્રિક કટરની મદદથી ચારેય આરોપીઓએ મળીને એબી ચોઈના શરીરના અનેક ટુકડા કરી નાખ્યા હતા. શરીરના દરેક ભાગને નાના-નાના ટુકડામાં કાપ્યા પછી, તેઓએ ઘણા ટુકડાને રાંધવાનું શરૂ કર્યું, જ્યારે બાકીનાં અંગોને સડતાં બચાવવા માટે રેફ્રિજરેટરમાં મૂકવામાં આવ્યાં. તેના આખા પગ રેફ્રિજરેટરમાં રાખવામાં આવ્યા હતા. ‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ અનુસાર, પ્રારંભિક તપાસમાં એબી ચોઈની ખોપરી મળી ન હતી, જો કે વિગતવાર તપાસમાં જાણવા મળ્યું કે તેની ખોપરી સૂપ સાથે રાંધવામાં આવી હતી. તે લોકો દ્વારા મૃતદેહોને વિકૃત કરવા માટે ઘણાં વિવિધ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેઓ ગામનાં વિવિધ સ્થળોએ છુપાયેલાં હતાં. 27 ફેબ્રુઆરીએ, હત્યાના માત્ર એક અઠવાડિયાની અંદર, હોંગકોંગ પોલીસે તમામ આરોપીઓ પર હત્યાના આરોપો લગાવ્યા. હાલ આ મામલો કોર્ટમાં છે. એબી ચોઈની હત્યા શા માટે કરવામાં આવી?
એબી ચોઈએ 2019માં કોવલૂન ટોંગમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. આ એપાર્ટમેન્ટની કિંમત 70 મિલિયન હોંગકોંગ ડોલર હતી, જેમાંથી સ્ટેમ્પ ડ્યુટીમાંથી રાહત મેળવવા માટે એબીએ તેને સસરા ક્વોંગ કાઓના નામે લીધું હતું. તેના મૃત્યુના થોડા મહિના પહેલાં, એબી આ એપાર્ટમેન્ટને વેચવા માગતી હતી, જેના માટે તે પોતાના નામે નોંધણી કરાવી રહી હતી. ક્વોંગ કાઓનો પરિવાર આ ઘરમાં રહેતો હતો, તેથી તે ઘર વેચવાના નિર્ણયથી નાખુશ હતો. જ્યારે એબીએ ઘરના સોદા કરવાનું શરૂ કર્યું, ત્યારે ક્વોંગ કાઓએ પરિવાર સાથે મળીને તેને રોકવા માટે તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું. એબી ચોઈની હત્યા અને તેના મૃતદેહ સાથે કરવામાં આવેલી બર્બરતાને કારણે આ મામલાએ આખી દુનિયામાં ચર્ચા જગાવી હતી. તેના મૃત્યુ પછી, તેનાં ચાર બાળકોનો ઉછેર તેના બીજા પતિ ક્રિસ ટેમ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.