કલ્યાણ જ્વેલર્સમાંથી રૂ. 2.17 લાખની કિંમતના સોનાના ચેઇનની ઉઠાંતરી - At This Time

કલ્યાણ જ્વેલર્સમાંથી રૂ. 2.17 લાખની કિંમતના સોનાના ચેઇનની ઉઠાંતરી


શહેરના કલ્યાણ જ્વેલર્સમાંથી 32 ગ્રામ 100 મિલિગ્રામના આશરે રૂ. 2.17 લાખની કિંમતના સોનાના ચેઇનની ઉઠાંતરી થયાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા કલ્યાણ જવેલર્સના મેનેજર રાજેશ ધીનોજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 05 ફેબ્રુઆરીની રાત્રે સ્ટોકમાં રહેલી તમામ જવેલરીનું કાઉન્ટિંગ કરીને લોકરમાં મુકવામાં આવ્યા હતા. ત્યારબાદ 06 ફેબ્રુઆરીના રોજ સવારે આશરે પોણા અગ્યાર વાગ્યા આસપાસ તમામ સ્ટાફની હાજરીમાં જ ફરીવાર સ્ટોક બહાર કાઢવામાં આવ્યો હતો. જે સમયે સ્ટોક પૂર્ણ હોવાનું નોંધાયું હતું. તે જ દિવસે રાત્રે ક્લોઝિંગ સમયે ફરીવાર સ્ટોકનું કાઉન્ટિંગ કરતા 32 ગ્રામ 100 મિલિગ્રામ વજનનો રૂ. 2,17,300ની કિંમતનો સોનાનો ચેઇન મળી આવ્યો ન હતો.
જે મામલે શો રૂમ મેનેજર દ્વારા પ્રથમ હેડ ઓફિસને જાણ કરાતા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવા જણાવવામાં આવ્યું હતું પરંતુ સીસીટીવી ફૂટેજમાં પણ કંઈ ખાસ હાથ લાગ્યું ન હતું. ખરેખર સોનાના ચેઇનની ઉઠાંતરી ગ્રાહકના સ્વાંગમાં આવીને કરવામાં આવી કે પછી કોઈ કર્મચારીનું જ કારસ્તાન છે તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
કલ્યાણ જવેલર્સના મેનેજર રાજેશ ધીનોજાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મામલામાં અમે સીસીટીવી ફૂટેજ પણ ચકાસ્યા હતા પરંતુ તેમાં કંઈ સામે આવ્યું નથી. ગુમ થયેલો ચેઇન બે કે ત્રણ ગ્રાહકોને બતાવવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દરરોજ રાત્રે ક્લોઝિંગ સમયે શો રૂમ બહાર નીકળતા તમામ કર્મચારીઓને પણ ચકાસવામાં આવે છે જેથી કર્મચારીએ આવું કારસ્તાન આચર્યું હોય તેવી શક્યતા ખુબ ઓછી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.