સમાજના તમામ વર્ગો ચૂંટણી પ્રક્રિયાના અવસરમાં સામેલ થાય તે માટે રાજ્યના ચૂંટણી તંત્રનો માનવીય અભિગમ - At This Time

સમાજના તમામ વર્ગો ચૂંટણી પ્રક્રિયાના અવસરમાં સામેલ થાય તે માટે રાજ્યના ચૂંટણી તંત્રનો માનવીય અભિગમ


ટ્રાન્સજેન્ડરો માટે ઓળખ પ્રસ્થાપિત કરવા સ્થળ પર પ્રમાણપત્ર ઇસ્યુ કરવા ૮ મી સપ્ટેમ્બરે છ શહેરોમાં ખાસ કેમ્પનું આયોજન કરાયું

દેશના ચૂંટણી પંચના નિર્દેશાનુસાર હાલ ગુજરાતમાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા(SSR) કાર્યક્રમ ચાલી રહ્યો છે. આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને અનુલક્ષીને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા હાલ મતદાર જાગૃતિને લગતા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. સમાજના તમામ વર્ગો ચૂંટણી પ્રક્રિયામાં મહત્તમ ભાગીદારી થાય તથા મતદાન માટે લાયકાત ધરાવતો કોઇપણ નાગરિક મતાધિકારથી વંચિત ન રહે તે માટે રાજ્યનું ચૂંટણી તંત્ર સતત પ્રયત્નશીલ છે. આ હેતુસર મતદાર જાગૃતિ અને પ્રશિક્ષણ પ્રવૃત્તિઓના ભાગરૂપે CEO કચેરી દ્વારા વિવિધ સરકારી વિભાગો/સેવાભાવી સંસ્થાઓનો સહયોગ મેળવવામાં આવી રહ્યો છે.

આ કાર્યક્રમના ભાગરૂપે ગાંધીનગર ખાતે અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી આર.કે.પટેલના અધ્યક્ષસ્થાને આયોજીત બેઠકમાં વિવિધ સરકારી વિભાગો અને સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તે પૈકી ખાસ કરીને દિવ્યાંગો, વિચરતી અને વિમુક્ત જાતિ, ટ્રાન્સજેન્ડર સમુદાયને જરૂરી આધાર પુરાવાના અભાવે મતદાર તરીકે નામ નોંધણી કરાવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઇને આગામી સમયમાં આ વર્ગના નાગરિકો માટે ખાસ કેમ્પનું આયોજન કરીને મતદાર તરીકે નામ નોંધણી કરાવવા અભિયાન હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંસ્થા સાથે સંકળાયેલા અને લાયકાત ધરાવતા નાગરિકોની નોંધણી પ્રક્રિયા મહત્તમ પૂર્ણ કરવામાં આવી છે. ટ્રાન્સજેન્ડર સમુદાયના ઉત્કર્ષ માટે કાર્યરત સંસ્થાઓના પ્રતિનિધીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે, રાજ્યભરમાં વસવાટ કરતા ટ્રાન્સજેન્ડર વર્ગ માટે ઓળખ માટેનું સક્ષમ સત્તાધીશનું પ્રમાણપત્ર મેળવવામાં પડતી મુશ્કેલીને નિવારવા વિવિધ શહેરમાં ખાસ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવે તે જરૂરી છે. આ સૂચનને સ્વીકારીને આગામી ૮મી સપ્ટેમ્બર,૨૦૨૨ના રોજ અમદાવાદ, વડોદરા,સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર ખાતે ટ્રાન્સજેન્ડરો માટે પ્રમાણપત્ર કાઢી આપવાની સાથે મતદારયાદીમાં તેઓના સમાવેશ માટે ઘટતી કાર્યવાહી હાથ ધરવા માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવનાર હોવાનું મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.