રાજકોટના ભેજાબાજ પરિવારે એક જ દિવસમાં ૫ કારોના અકસ્‍માત બતાવીને ઇન્‍સ્‍યોરન્‍સના રૂા. ૮૦ લાખ પકવ્‍યા - At This Time

રાજકોટના ભેજાબાજ પરિવારે એક જ દિવસમાં ૫ કારોના અકસ્‍માત બતાવીને ઇન્‍સ્‍યોરન્‍સના રૂા. ૮૦ લાખ પકવ્‍યા


: એક જ દિવસમાં એક જ પરિવારના પાંચ સભ્‍યોને અલગ-અલગ જગ્‍યાઓ પર અકસ્‍માત નડે તો તમે શું કહેશો? ભલભલાને આ પરિવારની ચિંતા થાય તે સ્‍વાભાવિક છે. પરંતુ જયારે ગુજરાતના એક જ પરિવારના પાંચ સભ્‍યોની કારને અકસ્‍માત નડ્‍યો તે જાણીને વીમા કંપનીને આશ્ચર્ય થયું અને જયારે તપાસ કરાઈ ત્‍યારે હકીકત સામે આવી ગઈ. રાજકોટના ૪૦ વર્ષના શખ્‍સ અને તેમના પરિવારના અન્‍ય ચાર સભ્‍યોને એક જ દિવસમાં અલગ-અલગ જગ્‍યાઓ પર અકસ્‍માત નડ્‍યો હતો. તેઓ અલગ-અલગ વાહનમાં હતા, પરંતુ બધાની સાથે એક જ દિવસે ઘટના બની હતી.
આ પરિવારે ચાલુ વર્ષના માર્ચ મહિનામાં અલગ-અલગ કંપનીઓમાં વીમાના ક્‍લેમ માટે અરજી કરવા આવી હતી. બે ઈન્‍સ્‍યોરન્‍સ કંપનીઓને આ દાળમાં કંઈક કાળું હોય તેવી શંકા ગઈ હતી, આ પછી રાજકોટ, અમરેલી અને અમદાવાદ પોલીસને છેતરપિંડીનો પ્રયાસ થઈ રહ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયાનો અહેવાલ જણાવે છે.
ગુજરાત પોલીસ અને વીમા કંપનીના સૂત્રોએ જણાવ્‍યું કે, ‘તરૂણ કંટારિયા, તેમના સાળા/સાઢુ જીડી રાઠોડ, તરુણનો ભાઈ કૌશલ, તેમનો પિતરાઈ ગગન કંટારિયા અને તેમના પત્‍ની ભૂમિએ નવેમ્‍બર ૨૦૨૧માં અલગ-અલગ વાહન ખરીદ્યા હતા. વાહનની સાથે મોંઘી કાર, પ્રીમિયમ સેડાન અને SUVs માટેની ઈન્‍સ્‍યોરન્‍સ પોલિસી પણ લીધી હતી. ભેગા મળીને ૬૮,૦૦૦ રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ પણ ભર્યું હતું. અકસ્‍માત કુલ મળીને ૮૦ લાખ રૂપિયાનો ક્‍લેમ કરવામાં આવ્‍યો હતો.
આ વર્ષે તેમણે જાન્‍યુઆરીમાં ફીર પાંચ વાહન ખરીદ્યા અને તેના પર વીમો લીધો હતો, ૪૦ લાખ રૂપિયાનો ક્‍લેમ કર્યો હતો. આ વખતે વાહન ખરીદ્યાના અસલ દસ્‍તાવેજ રજૂ ના કર્યા હોવાથી તેમનો ક્‍લેમ પાસ કરવાનો કંપની દ્વારા ઈનકાર કરી દેવામાં આવ્‍યો હતો. પરંતુ પરિવારે પોલીસ ફરિયાદ કરીને પોતાનો ક્‍લેમ મંજૂર કરાવી લીધો હતો.
એક ઈન્‍સ્‍યોરન્‍સ કંપનીના એસેસરે જણાવ્‍યું કે, આ બાબત સામે આવ્‍યા પછી અમે તપાસ માટે પોલીસ ફરિયાદ કરી હતી, જેમાં અમે જોયું કે તમામ તથાકથિત અકસ્‍માત અર્થમુવર (માટી ખસેડવાનું ભારે વાહન) દ્વારા કરવામાં આવ્‍યા હતા. રાજકોટ અને અમરેલી પોલીસના સૂત્રોએ જણાવ્‍યું કે ખોટી રીતે વીમો પકવવા માટે જૂની કારોનો ઉપયોગ કરવામાં આવતો હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્‍યું કે, ‘અમે હાલમાં આવા કેટલાક કેસ જોયા છે કે જેમાં વ્‍યક્‍તિ જૂની કાર ખરીદે અને તેના પર શક્‍ય હોય તેટલો ઊંચો વીમો લે છે, પછી ખોટી રીતે વીમો પકાવવા માટે નકલી અકસ્‍માત કરવામાં આવતા હોય છે.' પોલીસે વધુમાં જણાવ્‍યું કે, ‘આવા અકસ્‍માત માટે કેટલાક લોકો પ્રોફેશનલ ડ્રાઈવર, ઈન્‍સ્‍યોરન્‍સ ફર્મના કર્મચારી અને અર્થમુવર ચલાવતા લોકોની મદદ લે છે, કે જેથી અકસ્‍માતની ઘટના સાચી હોય તેવું લાગે.'
કંટારિયાએ પણ તમામ કાર માટે એક જ દિવસે આવી ટીમની મદદ લીધી હતી. ઘટના સાચી લાગે તે માટે પરફેક્‍ટ અકસ્‍માતનું નાટક કરાયું હતું.
અમદાવાદના એક અન્‍ય કેસમાં કંપનીના એસેસરે જયારે ક્‍લેમ આપવાનો ઈનકાર કરી દીધો ત્‍યારે ધમકી મળી હતી, જેની સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.
અમદાવાદ પોલીસમાં રહેલા સૂત્રોએ જણાવ્‍યું કે, ‘આ પ્રકારના કેસ સુરત અને સૌરાષ્ટ્રમાં ઘણી વખત નોંધાય છે. હવે પોલીસ આ પ્રકારના ઉભા કરાયેલા નકલી કેસની તપાસ માટે ઈન્‍સ્‍યોરન્‍સ કંપનીઓની મદદ લઈ શકે છે.'


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.