યાત્રાધામ અંબાજી સંપુર્ણ બંધ વરૂણદેવને રીઝવવા માટે વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા, બપોર બાદ મેઘરાજાની પધરામણી - At This Time

યાત્રાધામ અંબાજી સંપુર્ણ બંધ વરૂણદેવને રીઝવવા માટે વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા, બપોર બાદ મેઘરાજાની પધરામણી


શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશના 51 શક્તિપીઠમા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોઈ આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા પધરામણી કરી રહ્યા છે.ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ વરસી રહ્યો છે. અંબાજી શક્તિપીઠ ખાતે છેલ્લા કેટલાય દિવસોથી મેઘરાજા પધરામણી ન કરતા અંબાજી ગામના સ્થાનિક વેપારીઓ દ્વારા સ્વયંભૂ ગામ બંધ રાખી અને વેપારીઓ દ્વારા વેપાર ધંધા બંધ રાખી ઉજાણી કરાઈ હતી.અંબાજી મંદિર સંપૂર્ણપણે ખુલ્લુ રાખવામાં આવ્યું છે. અંબાજી ખાતે તમામ હોટલો ગેસ્ટહાઉસો પણ બંધ જોવા મળી રહી છે,ત્યારે માઈ ભક્તોને તકલીફ ન પડે તે માટે અંબાજી મંદિરની ભોજનશાળા ખુલ્લી જોવા મળી.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનેક શહેરો અને ગામોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા પધરામણી ન કરતા અંબાજીના સ્થાનિક વેપારીઓ ઉજાણી કરીને પોતાના ધંધા રોજગાર બંધ રાખીને વરૂણદેવને રીઝવવા માટે જંગલમાં વન ભોજન કરવાનું આયોજન બુધવારે રાખવામાં આવ્યું હતું. બુધવારે વહેલી સવારથી અંબાજીના તમામ વિસ્તારના બજારો દુકાનો બંધ જોવા મળી હતી અને વેપારીઓ પ્રભુને સ્મરણ કરીને મેઘરાજાને રીઝવવા માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા .બપોર બાદ અંબાજી ખાતે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા સમગ્ર અંબાજી પાણી પાણી થઈ ગયું હતું અને પોલીસ સ્ટેશન પાસે હાઈવે માર્ગ પર ઘૂંટણ સમાપાણી ભરાયા હતા.મંદિરના ચાચર ચોકમાં પણ પાણી પાણી થઈ ગયું હતું આમ અંબાજીની ઉજાણી સફળ રહી હતી.

નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.