સ્કૂલેથી પરત ફરતી ધો.9 ની બે વિદ્યાર્થીની સાથે ત્રણ લુખ્ખાઓની છેડતી: નિર્લજ્જ હુમલો પણ કર્યો - At This Time

સ્કૂલેથી પરત ફરતી ધો.9 ની બે વિદ્યાર્થીની સાથે ત્રણ લુખ્ખાઓની છેડતી: નિર્લજ્જ હુમલો પણ કર્યો


શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને કાયદાના ભય વગર રસ્તા પર જતી સગીરાઓ, યુવતીઓ અને મહિલાઓની છેડતી કરી નિર્લજ્જ હુમલા કરતાં હોય છે. ત્યારે નારી સુરક્ષા સામે પ્રશ્ન ઉભો થયો છે. થોડાં સમય પહેલાં સામાકાંઠા વિસ્તારમાં સ્કૂલે જતી વિદ્યાર્થીનિને બાઇકમાં ઘસી આવેલા શખ્સે બીભત્સ ગાળો આપી છેડતી કરી હતી અને પોલીસે તેની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
ત્યારે ફરી એકવાર લુખ્ખાઓએ માથુ ઊંચક્યું હોય તેમ ગઈકાલે શહેરના સામાકાંઠા વિસ્તારમાં સાંજના સમયે સ્કૂલેથી ત્રણ વિદ્યાર્થીનીઓ સાથે સાયકલ લઈ ઘરે પરતી હતી ત્યારે પાછળથી એક્ટિવામાં ઘસી આવેલા ત્રણ લુખ્ખાઓએ એક વિદ્યાર્થીનિને આંખથી ખરાબ ઈશારા કરી ગાળો આપી હાથ પકડી છેડતી કરી હતી.
બહેનપણીને છોડાવવા વચ્ચે પડેલ સગીરાને પણ માથાના વાળ પકડી છાતી પર સ્પર્સ કરી ધક્કો મારી પાડી દેતાં તેની પાછળ આવતાં સગીરાના કાકાને સાથે પણ ઝપાઝપી કરી હતી. બનાવ વખતે એક આરોપી સોહિલ સોલંકીને પકડી પોલીસના હવાલે કર્યો હતો જ્યારે અન્ય બે શખ્સોને પણ બી. ડિવિઝન પોલીસે પકડી ગુનો દાખલ કર્યો હતો.
બનાવ અંગે રાજકોટમાં સમાકાંઠા વિસ્તારમાં રહેતાં મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સાહિલ પ્રકાશ સોલંકી (રહે.વેલનાથપરા શેરી નં.2), મહેન્દ્ર મનોજ સોલંકી અને મયુર મનોજ સોલંકી (રહે.બંને ગણેશનગર, મોરબી રોડ) નું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો, છેડતી, નિર્લજ્જ હુમલો સાહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમની ભાણેજ તેમના ઘરે રહી ધો.9 માં અભ્યાસ કરતી હતી. દરરોજ તે બપોરના 12 વાગ્યે સાયકલ લઈ સ્કૂલે જતી અને સાંજના છ વાગ્યે તેણી તેના ભાઈ અને અન્ય વિદ્યાર્થીની સાથે પરત ફરતી હતી. ગઈકાલે પણ તે બપોરના સ્કૂલે ગયાં બાદ તેના ભાઈ અને બહેનપણી સાથે સાંજે છ વાગ્યે સ્કૂલથી સાયકલ લઈ પરત આવતી હતી.
ત્યારે સ્કૂલથી થોડે આગળ પહોંચતા પાછળથી એક્ટિવમાં ઘસી આવેલા ટ્રીપલ સવાર શખ્સોમાંથી આરોપી મહેન્દ્રએ સગીરાને આંખથી ખરાબ ઇશારા કરી ગાળો આપી હતી. તેમજ સાહિલે હાથ પકડી છેડતી કરી હતી.
ત્યારે સાથે રહેલ સગીરાની બહેનપણીએ તેને છોડાવવા વચ્ચે પડતાં તેને પણ માથાના વાળ પકડી છાતીમાં સ્પર્શ કરી ધક્કો મારી પાડી દેતા બાળકીઓ ભયભીત થઈ ગઈ હતી. દરમિયાન તેની પાછળ આવતાં સગીરાના કાકાએ દોડી જઈ છોડાવવા જતાં આરોપીએ તેમની સાથે ઝપાઝપી કરી હતી. બાદમાં આરોપીઓ નાસી છૂટવાનો પ્રયાસ કરતાં સાહિલ નામના શખ્સને પકડી પોલીસ હવાલે કર્યો હતો.
બનાવ અંગેની ફરિયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઇ કે.ડી.મારૂ અને ટીમે આરોપીને સકાંજામાં લીધાં હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.