સુરતના ગણેશોત્સવ – જન્માષ્ટમીમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની થીમ પણ જામશે
સુરત, તા. 14 ઓગસ્ટ 2022 રવિવારસુરત સહિત સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75માં સ્વાતંત્ર્ય દિવસ સાથે સાથે હર ઘર તિરંગા અભિયાન જોરમાં ચાલી રહ્યું છે. તિરંગાનો આ જુવાળ હવે આગળ વધી રહ્યો છે. સુરતમાં 15 ઓગસ્ટ ની ઉજવણી સાથે સાથે હવે ધાર્મિક કાર્યક્રમમાં પણ રાષ્ટ્રભકિત જુવાળ જોવા મળી રહ્યો છે. શહેરના અનેક કૃષ્ણ મંડળ સાથે સાથે ગણેશ ઉત્સવમાં પણ તિરંગા થીમ જોવા મળશે. સુરતમાં બની રહેલા જન્માષ્ટમી અને ગણેશ મંડપની તૈયારીમાં પણ તિરંગા નું આયોજન થઈ રહ્યું છે. તહેવારોનો મહિનો શ્રાવણ માં એક પછી એક અનેક તહેવારો આવતા હોય શહેરમાં ધાર્મિક કાર્યક્રમોને વણઝાર લાગે છે. અનેક ધાર્મિક તહેવાર સાથે સાથે 15 ઓગષ્ટનો પણ તહેવાર હોવાથી લોકો દિલથી તેને પણ ઉજવે છે. તેમાં પણ આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ઉજવણી કરવા સાથે સાથે હર ઘર તિરંગા અભિયાન પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. લોકો પોતાના ઘર અને કાર્યસ્થળ પર તિરંગો લહેરાવી રહ્યાં છે તેની સાથે સાથે હવે હિન્દુ તહેવારોમાં પણ રાષ્ટ્ર ભક્તિ જોવા મળશે.15 ઓગસ્ટ બાદ થોડા જ દિવસો પછી જન્માષ્ટમીનો તહેવાર આવે છે તેના પણ મંડપ અત્યારથી જ તૈયાર થઈ રહ્યાં છે. કેટલાક કૃષ્ણ ભક્તોએ જન્માષ્ટમીનો તહેવારને પણ તિરંગા મય બનાવી દેવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે. સલાબતપુરા વલ્લભ જીવનની ચાલમાં કૃષ્ણ જન્મોત્સવની મંડપમા તિરંગા થીમ મુકી દેવામાં આવી છે. આ વર્ષે કૃષ્મ જન્મોત્સવ ભારત માતાના તિરંગાની સાથે થશે.આવી જ રીતે આ વર્ષે ગણેશોત્સવમાં પણ આઝાદી કા અમૃત મહોત્સવની થીમ જોવા મળશે,.સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એક શિક્ષક વિનોદ જાદવ દરવર્ષે જુદી જુદી થીમ પર ગણેશજીની પ્રતિમા બનાવે છે. તેઓએ આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સની થીમ પર શ્રીજીની ઈકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવી છે. શ્રીજીની પ્રતિમા સાથે તેઓએ આઝાદી કા અમૃત મહોત્સવનો લોગો બનાવ્યો છે અને શ્રીજીના હાથમાં તિરંગો મુક્યો છે. જે રીતે આ વર્ષે સુરતમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ શહેરમા અનેક જગ્યાએ તિરંગા લહેરાતા જોવા મળે છે તે રીતે આગામી દિવસોમાં આવતા હિન્દુ તહેવારોમાં પણ તિરંગાની બોલબાલા જોવા મળશે તે નક્કી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.