RAJKOT : 7800થી વધુ EVM-વીવીપેટ કણકોટ ઇજનેરી કોલેજના સ્ટ્રોંગ રૂમમાં થયા સીલ
રાજકોટ લોકસભા બેઠકની યોજાયેલ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિતના 9 ઉમેદવારોના ભાવિ વોટીંગ મશીનોમાં કેદ થયા બાદ 7800થી વધુ ઇવીએમ-વીવીપેટને રિસીવીંગ, ડીસ્પેચીંગ સેન્ટરો પરથી કણકોટની સરકારી ઇજનેરી કોલેજના સ્ટ્રોંગ રૂમમાં ખાસ વાહન માર્ગે પહોંચાડવાની કામગીરી રાતભર ચાલી હતી.
રાજકોટ લોકસભા બેઠક વિસ્તારના 2236 મતદાન બુથો ઉપર ગઈકાલે મતદાન થવા પામેલ હતું. આ મતદાન મથકો પરથી ઈવીએમ, વીવીપેટ (વોટીંગ મશીનો) મતદાન પુરૂ થયા બાદ ચૂંટણી સ્ટાફ તેને લઈને ડીસ્પેચીંગ રીસીવર સેન્ટરો પર ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પરત ફર્યો હતો.
આ ઈવીએમ, વીવીપેટને ડીસ્પેચીંગ-રીસીવર સેન્ટરો જેમાં પી.એન. ટી.વી. શેઠ હાઈસ્કૂલ (રાજકોટ પૂર્વ) એસ.વી. વિરાણી હાઈસ્કૂલ (રાજકોટ પશ્ર્ચિમ) રણછોડદાસજી કોમ્યુનિટી હોલ (રાજકોટ દક્ષિણ), એ.એસ. ચૌધરી હાઈસ્કૂલ (રાજકોટ ગ્રામ્ય) મોડેલ સ્કૂલ જસદણ (જસદણ), ગોંડલ સંગ્રામજી હાઈસ્કૂલ (ગોંડલ), જેતપુર સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલ અને ધોરાજી ભગવતસિંહજી હાઈસ્કૂલના સેન્ટર પર 238 ઝોનલ રૂટ પરથી લવાયા હતા.
જે બાદ ત્યાંથી ઈવીએમ અને વીવીપેટ (વોટીંગ મશીનો)ને રાજકોટની સરકારી ઈજનેરી કોલેજના સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષા દળોના બંદોબસ્ત હેઠળ લવાયા બાદ તેને ઉમેદવારોની હાજરીમાં સીલ કરી દેવામાં આવેલ છે. આ સરકારી ઈજનેરી કોલેજના સ્ટ્રોંગ રૂમ પર અર્ધલશ્કરી દળનો ચોકીપહેરો મુકી દેવામાં આવેલ છે. હવે આગામી તા.4 જુનના મત ગણતરી થનાર હોય કણકોટની આ સરકારી ઈજનેરી કોલેજના મત ગણતરીના કેન્દ્રો પર વોટીંગ મશીનનો પટારો ખુલતા જનાદેશ જાહેર થશે.
રાજકોટ લોકસભા બેઠકની આ ચૂંટણી જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થતા વહીવટી તંત્રે રાહતનો દમ લીધો છે. રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં 2236 મતદાન બુથો પર ચૂંટણી ફરજ પર 13000 જેટલા કર્મચારીઓને રોકવામાં આવેલ હતા.
આ વખતે ઝડપી વોટીંગ થાય તે માટે એકસ્ટ્રા કર્મચારીઓને પણ ફરજ સોંપવામાં આવી હતી. પરંતુ કાળઝાળ ગરમી સહિતના પરીબળોના પગલે મતદારોમાં નિરૂત્સાહ રહેતા મતદાન પર તેની અસર થવા પામી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.