( ૧૪૦ – ડભોઈ વિધાનસભા બેઠક ઉપર મુખ્ય રાજકીય પક્ષનાં ઉમેદવારો ઉપરાંત ) ” તાલુકાનાં વાયદપુરાના યુવા અગ્રણી પીયુષ પટેલ સહિતનાં મજબૂત અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતર્યા “
રિપોર્ટ- નિમેષ સોની, ડભોઈ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે અને બીજા તબ્બકાના મતદાન માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાના આખરી દિવસે કેટલાક મજબૂત અપક્ષ ઉમેદવારોએ મેદાને ઉતરી ઉમેદવારી ફોર્મ ભરતાં ડભોઈના રાજકારણમાં જબરદસ્ત ગરમાવો આવી ગયો છે અને ચર્ચાઓના નવાં દોર શરૂ થઈ ગયાં છે.
૧૪૦ - ડભોઈ વિધાનસભા બેઠક ઉપર આ વખતની ચૂંટણીમાં મુખ્યત્વે કોગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ભારે રસાકસી ભર્યો જંગ ખેલાવાનો છે. ત્યારે મુખ્ય રાજકીય પક્ષનાં ઉમેદવારોએ તો ઉમેદવારી પત્રો ભરી ચૂંટણી પ્રચાર પણ રંગેચંગે શરૂ કરી દીધો છે.
આમ આદમી પાર્ટીના ડભોઈ તાલુકાનાં યુવા અગ્રણી અને પૂર્વ હોદ્દેદાર પીયુષ ભાઈલાલભાઈ પટેલ ( વાયદપુરા )એ થોડાં સમય પૂર્વે જ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી દીધો હતો અને પાર્ટીના ટોપી અને ખેસ ઉતારી ઝાડુંને કોરાણે મૂકી દીધું હતું. તેવામાં સ્થાનિક અને મજબૂત ગણાતાં આ યુવા આગેવાને આજે અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી હતી અને આમ આદમી પાર્ટી સહિત સૌ કોઈને ચોંકાવી દીધાં હતાં.
આજે ડભોઈના ઐતિહાસિક ગઢભવાની માતાનાં મંદિરે દર્શન કરી, આશીર્વાદ મેળવી ફરી એકવાર પોતાની ઉમેદવારી નોધાવી હતી. જાણવા મળતી હકીકત મુજબ પીયૂષભાઈ પટેલ અગાઉ પણ ડભોઈ ૧૪૦ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી ચૂક્યા હતાં. જોકે તે ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો.
પીયૂષભાઈ પટેલ જેવાં યુવા અગ્રણીઓની અપક્ષ તરીકે એન્ટ્રી થતાં ડભોઈના રાજકીય મોરચે અને ખાસ કરીને આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.આમ, તો આ ચૂંટણીમાં ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકીય જંગ નિશ્ચિત છે પણ આ અપક્ષ ઉમેદવારો મુખ્ય રાજકીય પક્ષોનું ગણીત બગાડી નાખશે તે પણ નકકી છે.
પરંતુ હવે એ પણ જોવું રહયું કે, આ અપક્ષ ઉમેદવારો કેટલા સમય સુધી ચૂંટણી મેદાનમાં ટકી રહે છે. જોકે હાલ તો નગરમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, કેટલાક અપક્ષ ઉમેદવારો તો તક મળશે તો વહેતી ગંગામાં હાથ ધોઈ પવિત્ર બની જશે. તેમજ પોતે સેવાનાં ભેખધારી છે તેવું બતાવવા આ વહેતી ગંગાનાં નિર્મળ પાણીથી પોતાનાં ઝભ્ભા-લેઘાની સફેદી પણ વધારી દેશે અને મીઠાશ મેળવી દૂધમાં સાકરની જેમ ભળી પણ જશે.
પરંતુ કેટલાક મજબૂત અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ચટ્ટાન બની ટકી રહેશે અને મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોને હંફાવતા પણ રહેશે. જોકે આજે ડભોઈના રાજકીય મેદાનમાં છૂટેલુ આ અપક્ષ ઉમેદવારો રૂપી તીર કોને શહિદ કરે છે એ તો આવનાર સમય જ બતાવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.