દાણાપીઠ, પરાબજાર અને કંદોઇ બજારમાંથી 212 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત - At This Time

દાણાપીઠ, પરાબજાર અને કંદોઇ બજારમાંથી 212 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત


રાજકોટને પ્લાસ્ટીકમુક્ત શહેર બનાવવા અને લોકોમાં જાગૃત્તિ લાવવા માટે આજે કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખા દ્વારા શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં મુખ્ય બજારોમાં સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ અને જાહેરમાં ન્યૂસન્સ ફેલાવતાં લોકોને ઝેર કરવા માટે આજે ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત દાણાપીઠ, પરાબજાર, કોર્ટ ચોક અને કંદોઇ બજારમાં 18 આસામીઓને ત્યાંથી 212 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો હતો. જ્યારે જાહેરમાં ગંદકી કરવા સબબ રૂ.27,250નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.
મ્યુનિ.કમિશનર અમિત અરોરાના આદેશ બાદ આજે સોલીડ વેસ્ટ શાખાના પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર તથા નાયબ પર્યાવરણ ઇજનેર વલ્લભ ઝીંઝાડાની આગેવાનીમાં શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલી મુખ્ય બજારો જેવી કે દાણાપીઠ, પરાબજાર, કંદોઇ બજાર સહિતના વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકના ચેકીંગ માટે ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત અલગ-અલગ 18 સ્થળોએથી 212 કિલો જેટલું પ્લાસ્ટીક જપ્ત કરી લેવામાં આવ્યું હતું. જ્યારે જાહેરમાં ન્યૂસન્સ કરતા આસામીઓ પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન મુજબ 125 માઇક્રોનથી ઓછી જાડાઇના પ્લાસ્ટીકના ઉપયોગ અને વેંચાણ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે છતાં શહેરમાં ખૂલ્લેઆમ પ્લાસ્ટીકના ઝબલાઓનું વેંચાણ થઇ રહ્યું છે. રાજકોટને સંપૂર્ણપણે પ્લાસ્ટીકમુક્ત શહેર બનાવવા માટે આજથી ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. આજે સેન્ટ્રલ ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટીક પકડવા માટે કોર્પોરેશનની ટીમો ત્રાટકી હતી.
દરમિયાન આગામી દિવસોમાં અલગ-અલગ વિસ્તારોમાં પ્લાસ્ટીક ચેકીંગ ડ્રાઇવ અને ન્યૂસન્સ કરતા આસામીઓને દંડવાની ઝુંબેશ ચાલુ જ રાખવામાં આવશે. અગાઉ પણ પ્લાસ્ટીક પકડવા માટે ચેકીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. પરંતુ થોડા સમય બાદ આ ઝુંબેશને ઓચિંતી પડતી મૂકી દેવામાં આવી હતી. શહેરમાં પ્લાસ્ટીક પરનો પ્રતિબંધ માત્ર કાગળ પર જ ધમધમી રહ્યો છે. વાસ્તવમાં સામાન્ય શાકભાજીના ધંધાર્થીથી માંડી મોટા મોલમાં પણ પ્રતિબંધીત પ્લાસ્ટીકનો કોઇપણ પ્રકારના ડર કે રોકટોક વિના બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.