સાહસિકતા...........રાષ્ટ્રભાવના................સમર્પણ* *રાતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, જીવન અંજલિ થાજો* - At This Time

સાહસિકતા………..રાષ્ટ્રભાવના…………….સમર્પણ* *રાતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, જીવન અંજલિ થાજો* ———-


*સાહસિકતા...........રાષ્ટ્રભાવના................સમર્પણ*
*રાતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, જીવન અંજલિ થાજો*
----------
*ગીર સોમનાથ વહીવટી તંત્ર દ્વારા ઇણાજ જિલ્લા સેવાસદન ખાતે સ્વાતંત્ર્ય સેનાની સન્માન સમારંભ યોજાયો*
----------
*દેશની આઝાદીમાં આપેલા યોગદાનને બીરદાવી પરિવારજનોને ગૌરવશાળી ગણાવતા કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયા*
----------
*ગીર સોમનાથ, તા.૦૪:* “રાતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, જીવન અંજલિ થાજો” કવિ શ્રી કરસનદાસ માણેકની આ પંક્તિઓ દેશના એ શૂરવીર સ્વાતંત્ર્ય સેનાનીઓ પર બરાબર યોગ્ય સાબિત થાય છે. જેમણે અલગ-અલગ સંગ્રામમાં ભાગ લઈ કાંટાળી કેડી પર ત્યાગ, સમર્પણ તેમજ રાષ્ટ્રભાવના દ્વારા આઝાદીનું પુષ્પ ખીલવ્યું. ગીર સોમનાથ જિલ્લાના આવા જ સ્વાતંત્ર્ય વીરોનું સન્માન કરવા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા સેવાસદન, ઇણાજ ખાતે સ્વાતંત્ર્ય સેનાની સન્માન સમારંભ યોજાયો હતો.
જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાની અધ્યક્ષતામાં દિવ મુક્તિ સંગ્રામ આંદોલનમાં ભાગ લેનાર અનસંગ હીરો પ્રતાપરાય છોટાલાલ પાઠક, મનુરાય જયશંકર જોશી, નવિનચંદ્ર રામશંકર જોશી, ગીરધરલાલ.એન.વાઘેલા એમ ઉનાના ૪ તેમજ નવનિર્માણ આંદોલનમાં ભાગ લેનાર કોડીનારના ફરીદભાઈ ખોખર એમ કુલ ૫ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોને શાલ ઓઢાડી તેમજ સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.

આ તકે, જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, નિષ્ઠા, સમર્પણ અને રાષ્ટ્રપ્રેમ દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશને આઝાદી અપાવવામાં આપેલું યોગદાન અમુલ્ય છે. તેમણે કરેલા સંઘર્ષ તેમજ બહાદુરીને આજે યાદ કરી આપણે સૌ બીરદાવીએ છીએ. એમના બલિદાનની ભાવનાથી નવી પેઢીમાં પણ રાષ્ટ્રવાદના બીજ રોપાશે તેમજ એવો સંદેશો મેળવશે કે પૂર્વજોના સંઘર્ષથી જ આપણે લોકશાહીના મીઠા ફળ ચાખી રહ્યાં છીએ. તમામ સ્વાતંત્ર્યવીરો આપણા જિલ્લાનું ગૌરવ છે.
આ તકે, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામીબહેન વાજા, અધિક જિલ્લા કલેક્ટર શ્રી બી.વી.લિંબાસિયા તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી એચ.ડી.મકવાણા સહિત પદાધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ અને સ્વાતંત્ર્યવીરોના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.