સુરતમાં રસ્તાની ગુણવત્તા સામે ફરી વાર પ્રશ્નો ઉભા થયા, સતત ટ્રાફિકથી ધમધમતા અડાજણ ગેસ સર્કલ પર ભૂવો પડી ગયો
- અડાજણ ગુજરાત ગેસ સર્કલ નજીક પડેલો ભૂવો વાહન ચાલકો માટે આફતરૂપ, તાકીદે રીપેરીંગ ન થાય તો અકસ્માતની ભીતિ સુરત,તા.09 ઓગષ્ટ 2022,મંગળવારસુરતમાં હાલમાં વરસાદના બીજા રાઉન્ડમાં ફરી એક વાર સુરતના રસ્તાની મોકાણ શરુ થઈ ગઈ છે. શહેરના અનેક રસ્તા ધોવાઈ જવા સાથે સાથે કેટલીક જગ્યાએ ભુવા પડવાનું પણ શરુ થઈ ગયું છે. જેમાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં ભૂવા પડતાં અકસ્માતની ભીતિ વ્યક્ત થઈ રહી છે. આ ભૂવો પડ્યાના એક દિવસ બાદ પણ તંત્રએ રીપેરીંગની કામગીરી ન કરતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.સુરતમાં પડેલા વરસાદના કારણે ફરી એક વાર રસ્તા ધોવાણની ફરિયાદ બહાર આવી રહી છે. અનેક જગ્યાએ બ્રિજ નીચે તથા સર્કલની આસપાસ નાના ખાડા પડી ગયા છે. તો બીજી તરફ સતત ટ્રાફિકથી ધમધમતા અડાજણ સરદાર બ્રિજ નજીક ગુજરાત ગેસ સર્કલ પાસે ગઈકાલે સાંજે એક ભુવો પડી ગયો હતો. રસ્તાની બાજુમાં જ આ ભુવો છે અને અહીથી હજારો વાહન પસાર થાય છે તેથી જો અચાનક ભુવો મોટો થઈ જાય તો મોટો અકસ્માત થવાની ભીતિ છે. મુખ્ય રોડ પર ભુવો હોવા છતાં હજી સુધી તંત્રની નજર પડી નથી જો તાત્કાલિક રીપેરીંગ કામગીરી ન કરવામાં આવે તો મોટો અકસ્માત થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. સુરતમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર વધ્યું છે તેની સાથે સાથે ફરી એક વાર શહેરના અનેક રસ્તા ખાબડ ખૂબડ બન્યા છે. તેમાં પણ સેન્ટ્રલ ઝોનમાં રસ્તા પર પેચ વર્ક કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં રસ્તા ઉંચા નીચા હોવાથી વાહનચાલકોની મુશ્કેલી વધી રહી છે. સેન્ટ્રલ ઝોનમાં કેટલાક વિસ્તારમાં રસ્તા બમ્પર જેવા બની ગયા છે. સેન્ટ્રલ ઝોનમાં રસ્તા પર ખાડા પૂરવામાં આવ્યા છે પરંતુ સમતળ ન હોવાથી લોકોની હાલત કફોડી થઈ રહી છે. આવા રસ્તાને સમતળ કરવા માટે લોકો ડિમાન્ડ કરી રહ્યાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.