ગીર સોમનાથમાં નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત ‘મહિલા નેતૃત્વ દિવસ’ની ઉજવણી કરવામાં આવી - At This Time

ગીર સોમનાથમાં નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત ‘મહિલા નેતૃત્વ દિવસ’ની ઉજવણી કરવામાં આવી


ગીર સોમનાથમાં નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત ‘મહિલા નેતૃત્વ દિવસ’ની ઉજવણી કરવામાં આવી

-----------------

પશુપાલન, પ્રાકૃતિક કૃષિ, જંગલખાતાં, આરોગ્ય જેવા વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલાઓની વિશિષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માન કરાયું

---------------

આજની નારી નાની-નાની કામગીરી કરીને પણ અગ્રિમતા મેળવી શકે છે જે તેની હિંમત અને સાહસનો પરચો આપે છેઃ શ્રીમતી રામીબહેન વાજા

----------------

ગીર સોમનાથ, તા.૪: આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરુપે ગીર સોમનાથમાં નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાના અધ્યક્ષ સ્થાને મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા પશુપાલન, પ્રાકૃતિક કૃષિ, જંગલખાતાં, આરોગ્ય જેવા વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલાઓની વિશિષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપૈણ સંસ્થિતા શ્લોકનો ઉલ્લેખ કરતાં નારીશક્તિને અગ્રિમતા આપતાં જણાવ્યું હતું કે, મહિલાઓ પ્રગતિશીલ બને અને આગળ વધતી રહે તે ગતિશીલ ભારતની જરૂરિયાત છે. આજે મહિલાઓ રસોડાની ચાર દિવાલમાંથી બહાર આવીને વિવિધ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. અવકાશથી રમગતગમત ક્ષેત્રે અને ઉદ્યોગજગતથી રાજકારણ ક્ષેત્રે પોતાની અલગ છાપ છોડી રહી છે. સરકાર પણ વિવિધ મહિલાલક્ષી યોજનાઓ પર વધારે ધ્યાન આપી રહી છે ત્યારે વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લે તેવી અપીલ કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.કે.મકવાણાએ પ્રેરક ઉદ્બોધન કરી વિવિધ ક્ષેત્રે કાર્યરત બહેનોના સશક્તિકરણનું ઉદાહરણ આપતાં ઉપસ્થિત મહિલાઓમાં પ્રેરણાનો સંચાર કર્યો હતો. ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી એસ.જે.ખાચરે સમાજમાં વિવિધ ક્ષેત્રે મહિલાઓના અમૂલ્ય યોગદાનને યાદ કરી અને નાના ગામડાઓમાંથી પણ બહેનો આગળ આવીને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો ફાળો આપી રહી છે તે અંગે ખુશી વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવો અને ઉપસ્થિત તમામ મહિલાઓએ હર ઘર તિરંગા અભિયાન હેઠળ પોતાના વિસ્તારમાં તેમજ બહોળા પ્રમાણમાં લોકો આ અભિયાનનો ભાગ બને તે અંગે પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી લાલવાણી, જિલ્લા પશુપાલન અધિકારી શ્રી એ.કે.પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કાર્યક્રમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર રસીલાબહેન વાઢેર સહિત વિવિધ ગામના મહિલા સરપંચો, આંગણવાડીના આશાવર્કર અને તેડાગર બહેનોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.