રાજકોટમાં રમાઈ રહેલી ઈરાની ટ્રોફીમાં મયંક અગ્રવાલને માથામાં ઈજા: હોસ્પિટલે ખસેડાયો
રાજકોટ, તા.3
રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વચ્ચે ટીમ સૌરાષ્ટ્ર-રેસ્ટ ઑફ ઈન્ડિયા વચ્ચે રમાઈ રહેલી ઈરાની ટ્રોફીની મેચમાં રેસ્ટ ઑફ ઈન્ડિયા વતી રમી રહેલા બેટર મયંક અગ્રવાલને માથામાં બોલ વાગી જતાં થોડા સમય માટે અફડાતફડી મચી જવા પામી હતી. મયંકને સૌરાષ્ટ્રની બીજી ઈનિંગ શરૂ થાય તે પહેલાં માથામાં ઈજા થઈ હતી. રેસ્ટ ઑફ ઈન્ડિયાની ટીમ ફિલ્ડિંગ માટે મેદાનમાં આવી રહી હતી ત્યારે કોઈ ફિલ્ડરે બોલનો થ્રો કર્યો હતો જે સીધો મયંકને માથામાં વાગ્યો હતો. મયંકને માથામાં બોલ વાગતાં તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
જો કે મયંકને માથામાં થયેલી ઈજા બહુ ગંભીર નહીં હોવાનું નિદાન થયું છે છતાં તકેદારીના ભાગરૂપે તેને સ્કેનિંગ કરાવાતાં તેનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. રેસ્ટ ઑફ ઈન્ડિયા વતી મયંક અગ્રવાલે પ્રથમ ઈનિંગમાં 11 રન કર્યા હતા. સૌરાષ્ટ્ર સામે રેસ્ટ ઑફ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 374 રન બનાવ્યા હતા.
સૌરાષ્ટ્ર વતી ચેતન સાકરિયાએ પાંચ વિકેટ ખેડવી હતી તો રેસ્ટ ઑફ ઈન્ડિયા વતી સરફરાઝ ખાને 138 તો કેપ્ટન હનુમા વિહારીએ 82 રન બનાવ્યા હતા. આ પહેલાં સૌરાષ્ટ્ર પ્રથમ ઈનિંગમાં માત્ર 98 રન બનાવીને આઉટ થયું હતું. બોલિંગમાં મુકેશ કુમારે ચાર તો કુલદીપ સેન અને ઉમરાન મલિકે ત્રણ-ત્રણ વિકેટ મેળવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.