ગોંડલ રોડ ઓવર બ્રીજ પર આઇસરે એક્ટીવાને ઉલાળી દેતા ૧૬ વર્ષના કોૈશિકનો જીવ ગયો
શહેર પોલીસની હદમાં ભારે વાહનની ઠોકર વધુ એક પરિવારના કુળદિપક માટે કાળ બની ગઇ હતી. અગાઉ એક ડમ્પરની ઠોકરે સ્કૂટી ચડતાં આશાસ્પદ તબિબી છાત્રાનો જીવ ગયો હતો, ત્યારબાદ લાકડા ભરેલી છકડો રિક્ષા થોરાળાના નવપરિણીત યુવાનના મોતનું કારણ બની હતી. ત્યાં વધુ એક ઘટનામાં ગોંડલ રોડ ઓવર બ્રીજ પર આઇસરે એક્ટીવાને ઠોકરે લેતાં ઝરીયા પરિવારના સોળ વર્ષના દિકરાનું મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ લોધેશ્વર સોસાયટી-૮માં મહાકાળી કૃપા સામે રહેતો કોૈશિક રમેશભાઇ ઝરીયા (ઉ.વ.૧૬) રાતે એક્ટીવા જીજે૦૩એમએફ-૮૦૧૫ હંકારીને ગોંડલ રોડ સ્વામીનારાયણ મંદિર સામે ફલાય ઓવર ઉપરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે જીજે૧૫વાયવાય-૮૫૩૦ નંબરના આઇસરની ઠોકરે ચડી જતાં રોડ પર પટકાતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પિતા રમેશભાઇ હકુભાઇ ઝરીયા ઘટના સ્થળે પહોંચ્યા હતાં. એ-ડિવીઝનના હેડકોન્સ. ભાવેશભાઇ વસવેલીયાએ તેમની ફરિયાદ પરથી આઇસર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. મૃત્યુ પામનાર કોૈશિક ત્રણ ભાઇ અને બે બહેનમાં ચોથા નંબરે હતો. તે ૬૯ નંબરની સ્કૂલમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરવાની સાથે સાથે ગેરેજનું કામ પણ શીખતો હતો. સાંજે ગોંડલ રોડ પરના ગેરેજેથી ઘરે આવતો હતો ત્યારે આઇસર તેના માટે કાળ બની ગયું હતું. આશાસ્પદ દિકરાના મોતથી ઝરીયા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. અકસ્માત સર્જી ચાલક ટ્રક મુકી ભાગી ગયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.