અરજદારોની વ્યકિતગત ફરિયાદોનો હકારાત્મક અભિગમ થકી ઉકેલ લાવવા ગીર સોમનાથ જિલ્લામાં અધિકારીઓને માર્ગદર્શિત કર્યા - At This Time

અરજદારોની વ્યકિતગત ફરિયાદોનો હકારાત્મક અભિગમ થકી ઉકેલ લાવવા ગીર સોમનાથ જિલ્લામાં અધિકારીઓને માર્ગદર્શિત કર્યા


ગીર સોમનાથ : જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
આ સ્વાગત કાર્યક્રમમાં જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી અરજદારોની વ્યકિતગત ફરિયાદોને હકારાત્મક અભિગમ થકી જિલ્લા કક્ષાએથી નિકાલ કરવા સંલગ્ન વિભાગને સૂચના આપવામાં આવી હતી.
સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે, કાયદેસરના રસ્તામાં થયેલ અનધિકૃત દબાણ દૂર કરવા બાબત, છાછર ગામે સરકારી સર્વેવાળી જમીનમાં જાહેર રસ્તામાં દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવા બાબત, સનખડા ગામે આઉટ પોલીસ સ્ટેશનની રજૂઆત, લેન્ડ ગ્રેબિંગની તપાસ વખતે સંયુક્ત માપણીની કબૂલાત છતાં સંમતિમાં સહી ન કરતા યોગ્ય કાર્યવાહી કરવા બાબતે અરજદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
ઉપરાંત ગોવિંદપરા ગામે નવા ગામતળ માટે નીમ થયેલી જમીનમાંથી ફાળવાયેલ પ્લોટમાં સબ પ્લોટિંગની મંજૂરી મળવા બાબત, રી-સર્વેની નોંધ, વેરાવળ ટી.પી.ના જાહેર રસ્તા પર કાચા-પાકા બાંધકામો દૂર કરવા, સનખડા ગામે ગૌચરનું દબાણ દૂર કરવા, કોડિનાર શહેરમાં બીનખેતી સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં પાકા મકાનો બનાવી ગેરકાયદેસર દબાણ દૂર કરવા સહિતની બાબતોના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અરજદારોના વિવિધ પ્રશ્નો સંદર્ભે સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કર્યો હતો. તેમણે સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપી અને મુશ્કેલીઓનું ત્વરિત નિરાકરણ માટે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોશી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.