દારૂડીયા પુત્રએ પહેલા માતાને મારી બાદમાં પત્નીને માથામાં લાદીનો કટકો ઝીંકી દીધો - At This Time

દારૂડીયા પુત્રએ પહેલા માતાને મારી બાદમાં પત્નીને માથામાં લાદીનો કટકો ઝીંકી દીધો


ભગવતીપરા વિસ્તારમાં દારૂડીયા પુત્રએ પહેલા માતાને ગળુ પકડી માર મારી બાદમાં વચ્ચે પડેલ પત્નીને પણ માથાના ભાગે લાદીનો કટકો ઝીંકી દેતા તેણીને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બનાવ અંગે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.
બનાવ અંગે ભગવતીપરા નજીક રાજારામ સ્કુલ પાસે રહેતી હિનાબેન જયેશભાઇ ચાવડા (ઉ.વ.ર3) નામની પરિણીતાએ તેમના પતિ જયેશ મનસુખભાઇ ચાવડા વિરૂધ્ધ મારામારી અને માનસિક, શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેણીએ ચાર વર્ષ પહેલા જયેશ ચાવડા સાથે લગ્ન કર્યા હતા.
સંતાનમાં તેમને એક પુત્ર છે. લગ્ન બાદ તેઓ સાસુ-સસરા સાથે સંયુકત પરિવારમાં રહેતી હતી. લગ્ન બાદ તેણીનો પતિ કોઇ કામધંધો કરતો નહીં અને દારૂ પીવાના રવાડે ચડી ગયો હતો. અવારનવાર દારૂ પી ઘરે આવી ઝઘડાઓ કરતો હોય જેથી તેણીના સાસુ-સસરાએ દંપતિને અલગ રહેવા માટે કહ્યું હતું
જે બાદ તેઓ પતિ-પત્ની અલગ રહેતા હતા. જયાં પણ તેણીનો પતિ કોઇ કામધંધો કરતો નહી અને દારૂ પી ઝઘડાઓ કર્યા રાખતો હોવાથી તેણીના સાસુએ ફરીવાર તેમની સાથે રહેવા માટે થોડા સમય પહેલા બોલાવ્યા હતા.
જેથી તેણી તેના પતિ અને પુત્ર સાથે સાસુ-સસરા સાથે રહેવા માટે ગયા હતા. દરમિયાન ગઇકાલે સાંજના સમયે ફરીવાર તેનો પતિ દારૂના નશામાં આવી ઝઘડો કરી સસરાને બેફામ ગાળો ભાંડી હતી. જેથી તેમની સાસુએ તેને સમજાવવાનો પ્રયાસ કરતા તેનું પણ ગળુ પકડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદી વચ્ચે પડી છોડાવવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલો તેનો પતિ બહારથી લાદીનો કટકો લાવી માથાના ભાગે ઝીંકી દેતા તેણી લોહીલુહાણ થઇ ગઇ હતી.
બાદમાં ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલીક સારવારમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપીની અટક કરવા ચક્રોગતિમાન કર્યા હતા.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.