મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું કેન્દ્રસ્થળ વડતાલ ધામ ભારતીય સનાતન સંસ્કૃતિ અને પરંપરાને પોષણ આપતું તીર્થસ્થળ છે - At This Time

મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું કેન્દ્રસ્થળ વડતાલ ધામ ભારતીય સનાતન સંસ્કૃતિ અને પરંપરાને પોષણ આપતું તીર્થસ્થળ છે


જ્યાં બિરાજમાન અતિપ્રતાપિ શ્રી હરિકૃષ્ણ મહારાજ અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવમાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થા રહેલી છે. આ એક જ એવું સ્થળ છે જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં પોતાના હસ્તે આ દેવોને પ્રતિષ્ઠિત કર્યા છે અને પોતાનું દૈવત્વ આ મૂર્તિઓમાં પ્રસ્થાપિત કર્યું છે આ મંદિરના નિર્માણમાં સ્વયં ભગવાને પોતે ઇંટો ઉપાડેલી છે આ લક્ષ્મીજીની તપોસ્થલી મનાતા વડતાલધામમાં ભગવાન શ્રીહરિએ સકલશાસ્ત્રસારરૂપી શિક્ષાપત્રી ગ્રંથની રચના કરી અને સંપ્રદાયના ઉજ્જ્વળ ભવિષ્ય તથા વ્યાવહારિક વ્યવસ્થા જાળવવા આચાર્ય પદની સ્થાપના પણ અહીંયા જ કરેલી છે. એવી પુણ્યશાળી ધરા પર ફરી એકવાર ભવ્ય, દિવ્ય અને અલૌકિક અક્ષરભુવન – ધી સ્વામિનારાયણ મ્યુઝિયમ એન્ડ એક્સિબ્યુશનનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની મોટી સિદ્ધિ
વડતાલ ધામ દ્વારા અનેક ઐતિહાસિક કાર્યો થયા છે. ફરી એકવાર વડતાલ ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલમાં ગોમતી સરોવરના કિનારે 38800 ચોરસ યાર્ડના વિશાળ વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ "અક્ષરભુવન" સાકાર થવા જઈ રહ્યું છે.

ગુજરાતનું ગૌરવ
વર્ષોથી ગુજરાત ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું પ્રતીક રહ્યું છે. અક્ષરભુવન મ્યુઝિયમ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે એક મહત્વની ભૂમિકા ભજવશે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે.

આટલું વિશાળ મ્યુઝિયમ શા માટે?
વડતાલ ધામ સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થસ્થાન છે. જે સનાતન સંસ્કૃતિના સંવર્ધન અને સંરક્ષણમાં મહત્વનો ભાગ ભજવે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમના જીવનકાળમાં અનેક વખત અહીં આવ્યા હતા. તેથી, ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓને લાંબા સમય સુધી સાચવવા અને દૃશ્યમાન રાખવા માટે, મંદિર પ્રશાસને એક વિશાળ સંગ્રહાલય બનાવવાનો નિર્ણય લીધો, જે આધ્યાત્મિકજગતની સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવશે.

પ્રાચીન અને આધુનિકતાનો અદ્ભુત સમન્વય
આ મ્યુઝિયમ એ પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને આધુનિક ટેક્નોલોજીનું દિવ્યતા અને ભવ્યતાનું સંયોજન છે. આટલા મોટા મ્યુઝિયમની ખાસિયત એ છે કે આ બિલ્ડિંગમાં ક્યાંય સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહીં. સિમેન્ટની જગ્યાએ ગુગળ, ગોળ, હરડે, અડદનો લોટ, રેતી અને પાણીના મિશ્રણને 100 વાર ઘંટીમાં પીસીને તેમાંથી સંપૂર્ણ મ્યુઝિયમ તૈયાર થશે.

અક્ષરભુવન – એક અટલ ભવન
અક્ષરભુવનના બાંધકામમાં ચૂનો, કપચી, રેતી અને પથ્થરની ધૂળના મિશ્રણથી 4 ફૂટનું સ્તર નાખવામાં આવ્યું હતું. જેને ફાઉન્ડેશન બેડ કહેવામાં આવે છે. ફાઉન્ડેશન બેડ પર 14000 ટન વજન મૂકીને તેની ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે ધરતીકંપના આંચકાને સરળતાથી સહન કરી શકે છે. સમગ્ર મ્યુઝિયમમાં 8000 ટન ચૂનાના પત્થરના મિશ્રણ સાથે વાપરવામાં આવેલા ગ્રેનાઈટ બ્લોક અક્ષર ભુવનને 1000 વર્ષ સુધી અડીખમ ટકાવી રાખશે.

અક્ષરભુવનનું બાહ્ય અને આંતરિક સ્વરૂપ
આ મ્યુઝીયમમાં 1014 સ્તંભો, 1352 કમાનો, 34 નાના ગુંબજ, 1 મુખ્ય ગુંબજ અને 9 વિશાળ મ્યુઝિયમ હોલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રિસેપ્શન હોલ, સંત આશ્રમ અને પ્રિઝર્વેશન લેબોરેટરીથી પણ બનાવવામાં આવશે
આધુનિક ટેક્નોલોજી ભગવાન શ્રી સ્વામિનારાયણની જીવન ગાથા બતાવશે
પ્રાચીન અને આધુનિક ટેક્નોલોજીના સમન્વય સાથે નિર્માણ થવા જઈ રહેલા આ મ્યુઝિયમમાં તમે 3D પ્રોજેક્શન, હોલોગ્રાફિક પ્રેઝન્ટેશન, ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન તથા અનેક પ્રકારની આધુનિક ટેકનોલોજીથી ભગવાન શ્રી સ્વામિનારાયણની જીવનયાત્રાનો વાસ્તવિક અનુભવ કરી શકશો.

નવધા ભક્તિના પણ થશે દર્શન.
મ્યુઝિયમના મધ્ય ભાગમાં કમળના શિલ્પમાં નવધા ભક્તિની પ્રતિકૃતિ જોવા મળશે આ કમળની દરેક પાંખડી 16-16 ફૂટ શુદ્ધ પિત્તળની બનેલી હશે અને આ કમળના શિલ્પની મધ્યમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની 52 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે 5000 પ્રસાદીમય વસ્તુઓનો સંગ્રહ
હાલમાં, સ્વામિનારાયણ સંપ્રદાય એકમાત્ર એવો સંપ્રદાય છે કે જેની પાસે 200 વર્ષ અને તેનાથી પણ વધુ જૂના ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રસાદીમય વસ્તુઓનો વિશાળ સંગ્રહ છે વર્ષોથી ભક્તો અને સંતો પાસેથી મળેલી આ પ્રસાદીની વસ્તુઓ આ અક્ષરભુવનમાં જોવા અને પ્રદર્શિત કરવામાં આવશે. આ મ્યુઝિયમમાં તમને 5000 પ્રસાદીમય વસ્તુઓ જોવા મળશે
વ્યાપક ઉદ્દેશ્યો અને યોગદાન
આપણી પ્રાચીન હસ્તકલા અને સ્થાપત્યની ભવ્યતાનો પરિચય કરાવવા તથા સંપ્રદાયની પરંપરા અને વારસાને સાચવીને આપણી શાશ્વત પરંપરાને જાળવી રાખવાનો અને આવનારી પેઢીઓ સુધી આ વારસાને લઈ જવાનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે વર્તમાન શ્રીલક્ષ્મીનારાયણપીઠાધિપતિ 1008 આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ તથા વડતાલ મંદિરના ચેરમેન કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી તથા વડતાલ મંદિર મુખ્ય કોઠારી ડૉ.સંતવલ્લભદાસજી સ્વામીના નેતૃત્ત્વ હેઠળ અને વડતાલ મેનેજીંગ ટ્રસ્ટીબોર્ડના સહીયારા પ્રયાસથી આ ભવ્ય, દિવ્ય અને અલૌકિક અક્ષરભુવન – ધી સ્વામિનારાયણ મ્યુઝિયમ એન્ડ એક્સિબ્યુશનનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આવનારા સમયમાં આ મ્યુઝીયમ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિનું એક અપ્રતિમ સ્થળ બની રહેશે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.