સહી પોષણ, દેશ રોશન - At This Time

સહી પોષણ, દેશ રોશન


કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને તમામ મિનરલ્સથી ભરપૂર છે પનીર

ગર્ભાવસ્થા દરમિયાન પનીર ખાવાથી માતા અને આવનારા બાળકના સ્વાસ્થ્યને ફાયદો

શરીરમાં ઉર્જાનો સંચાર અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે પનીર

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં જન જાગૃતિ માટે 'રાષ્ટ્રીય પોષણ માહ'ની ઉજવણી કરવામાં આવે છે. વિવિધ વિટામીનસભર વસ્તુઓનો જો રોજિંદા ખોરાકમાં સમાવેશ કરવામાં આવે તો આપણાં સ્વાસ્થ્યને અનેક ફાયદા થઈ શકે છે. તેમાં પણ ખાસ કરીને સગર્ભાસ્ત્રીઓએ ખોરાક પ્રત્યે વિશેષ કાળજી રાખવી જરૂરી છે. ત્યારે આજે આપણે વાત કરશું કે કેવી રીતે ખોરાકમાં પનીરનો સમાવેશ કરવાથી ગર્ભવતી મહિલાઓને લાભ થઈ શકે છે અને પનીર આરોગવાથી માતા અને બાળકને કેવા ફાયદા થાય છે?

સ્ત્રીઓએ ગર્ભાવસ્થામાં ખોરાકમાં એવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ, જે પોષક તત્વોથી ભરપૂર હોય. આટલું જ નહીં ખોરાકમાં વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન અને કેલરીની માત્રા પણ ભરપૂર હોવી જોઈએ. ગર્ભવતી મહિલાઓએ ફળો, શાકભાજી, કઠોળ અને મકાઈ, ઘઉં, જવ જેવું અનાજ લેવું જોઈએ તેમજ પુષ્કળ પાણી પીવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન પનીર ખાવાથી માતા અને આવનારા બાળકના સ્વાસ્થ્યને ફાયદો થાય છે.

પનીર કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને તમામ મિનરલ્સથી ભરપૂર હોય છે. પનીર ગર્ભાવસ્થામાં ખુબ જ લાભકારી છે. તેમાં ટ્રિપ્ટોફન એમિનો એસિડ હોય છે, જે તણાવ દૂર કરવા તથા ઊંઘ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.

પનીરનું સેવન કરવાથી શરીરમાં રોગ-પ્રતિકારક શક્તિ વધે છે. તેમજ શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. ગર્ભવતી સ્ત્રીઓને વધુ પ્રમાણમાં શક્તિની જરૂર હોય છે. ગર્ભાવસ્થાની શરૂઆતમાં મોટાભાગની મહિલાને થાક, બેચેની, નબળાઈ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા સમયે પનીરથી જરૂર પ્રમાણમાં શક્તિ મળે છે અને થાક ઓછો લાગે છે.પનીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ સારા પ્રમાણમાં હોય છે. જે મહિલાના ગર્ભમાં રહેલા બાળકના હાડકાંને મજબૂત કરવામાં મદદરૂપ બને છે. ગર્ભવતી મહિલાઓના હાડકાં પણ મિનરલ્સની ઉણપના લીધે નબળા પડતા નથી.

ગર્ભાવસ્થામાં પનીર ખાવાથી મહિલાના શરીરમાં ઓમેગા-3 ફેટી એસિડનું પ્રમાણ જળવાઈ રહે છે. પનીરમાં પૂરતા પ્રમાણમાં એન્ટી-ઈન્ફ્લેમેન્ટ્રી ગુણ રહેલા છે. તેના સેવનથી પીડા, સોજો અને ઈન્ફેક્શન જેવી સમસ્યાઓને દૂર રહે છે. તેમજ ચેપ ન લાગે તે માટે ચોખ્ખાઈ અને બીજી બાબતો ધ્યાનમાં રાખવી પણ ખુબ જરૂરી છે.

ગર્ભાવસ્થા દરમિયાન વારંવાર ભૂખ લાગે છે. આનાથી વજન વધવાનો ખતરો રહે છે. પનીરનું સેવન કરવાથી પેટ ભરેલું રહે છે. વારંવાર ભૂખ લાગતી નથી. આમ, ગર્ભાવસ્થા દરમિયાન પનીર ખાવાથી વજન નિયંત્રણ રહે છે. પનીર બનાવવામાં પણ ખુબ જ સરળ છે.

મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન પોષણક્ષમ આહાર લેવો જોઈએ. જો મહિલાઓને પનીર કે અન્ય વસ્તુઓ ખાવાથી આડઅસર થતી હોય તો તેવો આહાર ન આરોગવો જોઈએ. ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ મુજબ સમતોલ આહાર લેવાનો આગ્રહ રાખવો જોઈએ.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.