રાજકોટની પડધરી સરકારી કોલેજમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટની પડધરી સરકારી કોલેજમાં નવા વર્ષથી અંગ્રેજી કે ઇતિહાસ વિષય બંધ કરવામાં આવી રહ્યા છે. અહીં આર્ટ્સમાં મેજેર સબ્જેક્ટ તરીકે ભણાવવામાં આવતા અંગ્રેજી અને ઇતિહાસના વિષયને વર્ષ 2025-26થી બંધ કરી દેવાનું જાહેર થયું છે.
જેમાં ઇતિહાસ વિષયમાં કોઈ અધ્યાપક ન હોવાથી અને અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થતી હોવાનું કારણ પ્રિન્સિપાલ દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે આ બાબતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની માગણી છે કે, વર્ષ 2012થી એટલે કે સ્થાપનાકાળથી BAમાં મેજર વિષય તરીકે ભણાવવામાં આવતા અંગ્રેજી અને ઇતિહાસ સબ્જેક્ટ ચાલુ રહે.
વિદ્યાર્થી BA વિથ અંગ્રેજી કે ઇતિહાસ નહીં ભણી શકે
રાજકોટના પડધરી ખાતે આવેલી કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં નવા વર્ષથી કોઈ વિદ્યાર્થી BA વિથ અંગ્રેજી કે ઇતિહાસ નહીં ભણી શકે.
આ કોલેજમાં ઓક્ટોબર માસ સુધી જે આચાર્ય હતા તે ઇતિહાસ વિષયના હતા, પરંતુ તેમની બદલી થતા વિષય બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે અંગ્રેજી વિષયમાં BAના ત્રણ વર્ષમાં 6 વિદ્યાર્થી જ અભ્યાસ કરતા હોવાથી આ વિષય હવે નવા વર્ષથી બંધ કરી દેવાશે. અહીં 370 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ તેમાંથી માંડ 50 જેટલા વિદ્યાર્થીઓ જ રેગ્યુલર આવે છે.
દૈનિક લેક્ચરમાં પણ વિદ્યાર્થીઓની હાજરી ખૂબ જ ઓછી
આ ઉપરાંત આર્ટ્સમાં 5 વિષયના 10ના બદલે 5 જ શિક્ષક છે એટલે કે 50 ટકા સ્ટાફની ઘટ છે. દૈનિક લેક્ચરમાં પણ વચ્ચે બ્રેક રહી જતો હોવાથી વિદ્યાર્થીઓની હાજરી ખૂબ જ ઓછી હોય છે. આ ઉપરાંત અહીં જે નવા પ્રિન્સિપાલ આવ્યા છે તેમનો વિષય સાયન્સ ફેકલ્ટીનો ફિઝિક્સ છે. સરકારે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સાયન્સ ફેકલ્ટીના અધ્યાપકને મુકતા તેઓ પોતે એકપણ લેક્ચર લઈ શકતા નથી. જેથી સરકારના નિર્ણય સામે પણ સવાલો ઊભા થયા છે.
બંને વિષયો શા માટે બંધ કરવામાં આવ્યા?
રાજકોટની પડધરી સરકારી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી નિખિલ ભોજાણીએ જણાવ્યું હતુ કે, પડધરી ખાતે આવેલી કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આ કોલેજમાં પ્રિન્સિપાલ દ્વારા આર્ટસમાં બે વિષયો બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં પહેલો વિષય અંગ્રેજી અને બીજો ઇતિહાસ છે. ત્યારે મારો આચાર્યને સવાલ છે કે, આ બંને વિષયો શા માટે બંધ કરવામાં આવ્યા? અંગ્રેજી અને ઇતિહાસ વિશે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉપયોગી બને છે ત્યારે આ બંને વિષયો છે બંધ કરી નાખવા જરા પણ યોગ્ય નથી.
વિઝિટિંગ ફેકલ્ટી સાથે આ વિષયો ચલાવી શકાય
અંગ્રેજી અને ઇતિહાસ વિષયના અધ્યાપક હોવા છતાં પણ તે બંને વિષયો બંધ કરી દેવામાં આવેલા છે. એટલે કે મુખ્ય વિષય અંગ્રેજી અને ઇતિહાસ સાથે બી.એ. હવે નહીં થઈ શકે. જો અધ્યાપકો ન હોય તો વિઝિટિંગ ફેકલ્ટી સાથે પણ આ વિષયો ચલાવી શકાય છે અથવા તો અધ્યાપકની ભરતી કરવા માટેની માંગણી કરી શકાય છે. આચાર્ય પોતે ફરજ પર ઘણી વખત ગેરહાજર રહેતા હોય તેવું મને જાણવા મળ્યું છે. આચાર્ય કોલેજમાં અઠવાડિયામાં એક વખત આવતા હોય અને અનિચ્છનીય બનાવ બને તો તેના માટે જવાબદાર કોણ? તેવો સવાલ પણ તેમને ઉઠાવ્યો હતો.
બંને વિષયો ચાલુ રહેવા જોઈએ તેવી મારી માગણી પડધરી તાલુકાના આસપાસના ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ
આ કોલેજમાં અભ્યાસ કરવા માટે આવતા હોય છે, ત્યારે અંગ્રેજી અને ઇતિહાસ મુખ્ય વિષય તરીકે બંધ કરી દેવા તે શરમજનક બાબત ગણાય. જેથી આ બંને વિષયો બંધ ન થવા જોઈએ અને ચાલુ જ રહેવા જોઈએ તેવી મારી માગણી છે.
વિદ્યાર્થીઓને આ બંને વિષયો ભણાવવામાં આવશે આ બાબતે પડધરી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના આચાર્ય ડૉ. કે.જી. છાયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2012થી કાર્યરત આ કોલેજમાં ઓકટોબર-2024ના અંતથી મેં આચાર્ય તરીકે ચાર્જ સંભાળ્યો હતો. તે વખતથી અહીં બીએમાં ભણાવવામાં આવતા અંગ્રેજી અને ઇતિહાસ મેજર સબજેક્ટ તરીકે વર્ષ 2025-26થી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે, માઈનોર સબ્જેક્ટ તરીકે વિદ્યાર્થીઓને આ બંને વિષયો ભણાવવામાં આવશે.
ઇતિહાસ સાથે બીએ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 30 છે
આ કોલેજમાં ઇતિહાસ વિષયના અધ્યાપક અશ્વિન પુંજાણી છે. જોકે તેમની છેલ્લા 2 વર્ષથી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજમાં બદલી થયેલી છે. તેઓ રાજકોટની કોલેજમાં ભણાવે છે પરંતુ તેમનો પગાર પડધરી કોલેજમાંથી થાય છે. મારા પહેલાંના પ્રિન્સિપાલ નીલાબેન ઠાકર હતા તેઓ ઇતિહાસ વિષયના અધ્યાપક હતા. જેથી અહીં વિધાર્થીઓને ઇતિહાસ વિષય તેઓ ભણાવતા હતા. જોકે તેમની બદલી બાદ હવે અહીં વિદ્યાર્થીઓને ઇતિહાસ વિશે ભણાવી શકે એવા કોઈ અધ્યાપક જ નથી. હાલ મુખ્ય વિષય ઇતિહાસ સાથે બીએ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 30 છે. તેઓને પણ છેલ્લા 5 માસથી કોઈ ભણાવી શક્યું નથી.
નવા વર્ષથી એડમિશન નહીં આપવામા આવે
જ્યારે અંગ્રેજી વિષયમાં 1 અધ્યાપક છે. જેની સામે ટીવાયમાં 3, એસવાયમાં 2 અને એફવાયમાં મુખ્ય વિષય અંગ્રેજી સાથે 1 જ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યો છે. એટલે કે પડધરી કોલેજમાં અંગ્રેજી મુખ્ય વિષય સાથે બીએ કરવામાં વિદ્યાર્થીઓને ઓછો રસ પડે છે. જ્યારે આર્ટસમાં કુલ નાપાસ વિદ્યાર્થીઓમાંથી 70 ટકા વિદ્યાર્થીઓ બીએ વિથ અંગ્રેજીના જ હોય છે. વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાને ધ્યાનમાં રાખીને અંગ્રેજી મેજર વિષય સાથે બીએમાં નવા વર્ષથી એડમિશન નહીં આપવામા આવે. જેથી GCASમાં પણ આ વિષયનો ઓપ્શન રાખવામાં આવ્યો નથી.
રીપોર્ટર - નિખીલ ભોજાણી
9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
