રાજકોટ: સન્ની પાજી દા ઢાબામાં ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રીનું વેંચાણ: લાખોનો દંડ
સન્ની પાજી દા ધાબા ફૂડ પાર્સલમાં ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રીનું વેંચાણ કરવામાં આવતું હોવાનું ઘટસ્ફોટ થવા પામ્યો છે. ચેકીંગ દરમિયાન લેવામાં આવેલા બે નમૂના પરિક્ષણમાં નાપાસ જાહેર થતાં 6 લાખ રૂપિયાનો તોતીંગ દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત સુગંધ એન્ટરપ્રાઇસમાંથી લેવામાં આવેલો જીરાનો નમૂનો અને જય દ્વારકાધીશ નાસ્તા ગૃહમાંથી લેવાયેલા ગાયના શુદ્વ ઘીનો નમૂનો પરિક્ષણમાં નાપાસ જાહેર કરવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં શિવમ કોમ્પ્લેક્સમાં આવેલા સન્ની પાજી દા ધાબા ફૂડ પાર્સલમાંથી પંજાબી રેડ ગ્રેવીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં પરિક્ષણ દરમિયાન સિન્થેટીક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનાને સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. નમૂનો આપનાર પેઢીના ભાગીદાર અમનદીપસિંહ કુલવંતસિંહને રૂ.1 લાખ, પેઢીના નોમિની ચરણપ્રિતસિંહ ઉજાગરસિંહ ખેતાનને રૂ.1 લાખ અને ભાગીદારી પેઢી એવી સન્ની પાજી દા ધાબા ફૂડ પાર્સલને રૂ.1 લાખ એમ કુલ ત્રણ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીંથી જ મન્ચુરીયન ડ્રાયનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં પણ સિન્થેટીક કલરની હાજરી મળી આવતા ઉક્ત ત્રણેય એક-એક લાખ એમ કુલ ત્રણ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઠારીયા રોડ પર માલધારી ક્રોસીંગ પાસે વરૂણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા શેરી નં.3માં સુગંધ એન્ટરપ્રાઇઝમાંથી લૂઝ જીરાનો નમૂનો લેવામાં આવ્યો હતો. જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા નમૂનો આપનાર નિલેશભાઇ છગનભાઇ અમૃતિયા અને સુગંધ એન્ટરપ્રાઇઝને રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે નાના મવા મેઇન રોડ પર પીજીવીસીએલ ઓફિસની સામે શાક માર્કેટ જઇ જય દ્વારકાધીશ ગૃહમાંથી ગાયનું શુદ્વ ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં વેજીટેબલ ફેટની હાજરી મળી આવતા નમૂનો આપનાર પેઢીના માલીક વિજયભાઇ મશરીભાઇ જોગલને રૂ.15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.