USA vs IRE: આયર્લેન્ડ અને અમેરિકાની મેચ વરસાદને કારણે રદ્દ, સુપર-8માંથી બહાર થયું પાકિસ્તાન - At This Time

USA vs IRE: આયર્લેન્ડ અને અમેરિકાની મેચ વરસાદને કારણે રદ્દ, સુપર-8માંથી બહાર થયું પાકિસ્તાન


T20 વર્લ્ડ કપ 2024ની 30મી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ છે. આ મેચ અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચે ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ પર રમાવાની હતી. હવે બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા છે. આ સાથે જ યજમાન અમેરિકાની ટીમ સુપર 8માં પહોંચી ગઈ છે. બીજી તરફ પાકિસ્તાનનું સુપર 8માં પહોંચવાનું સપનું ચકનાચૂર થઇ ગયું છે. જો પાકિસ્તાને સુપર 8માં સ્થાન મેળવવું હોય તો અમેરિકા માટે આજની મેચ હારવી જરૂરી હતી.

ફ્લોરિડામાં સતત વરસાદ પડી રહ્યો છે. પિચ ભીની હોવાને કારણે ટોસમાં વિલંબ થયો હતો. ટોસ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 કલાકે થવાનો હતો. આ પછી અમ્પાયરોએ રાત્રે 8 વાગ્યે મેદાનનું નિરીક્ષણ કર્યું. આ સમય દરમિયાન એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આગામી નિરીક્ષણ રાત્રે 9 વાગ્યે થશે. પરંતુ સતત વરસાદના કારણે મેચ રદ્દ કરવી પડી જેના કારણે પાકિસ્તાનની આશા પર પાણી ફરી વળ્યું છે.

આ રીતે મળી સુપર 8ની ટિકિટ અમેરિકાએ ટૂર્નામેન્ટમાં કુલ 4 મેચ રમી હતી જેમાંથી 2 મેચમાં જીત મેળવી છે. એક મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે એક મેચનું પરિણામ અનિર્ણિત રહી છે. અંકની વાત કરીએ તો અમેરિકાના કુલ 5 અંક છે. બીજી તરફ આયર્લેન્ડે અત્યાર સુધી 3 મેચ રમી છે અને તે હજુ જીતી શકી નથી. આયર્લેન્ડનો 1 પોઇન્ટ છે. આયર્લેન્ડ તેની છેલ્લી ગ્રુપ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ 16 જૂને રમાશે. પાકિસ્તાનના ત્રણ મેચમાં એક જીત અને બે હાર બાદ બે પોઈન્ટ છે. તેણે તેની છેલ્લી મેચ આયર્લેન્ડ સામે રમવાની છે અને જો પાકિસ્તાન આ મેચ જીતી જશે તો પણ તે અમેરિકાના પાંચ પોઇન્ટ સુધી પહોંચી શકશે નહીં. જેના કારણે પાકિસ્તાનનું આગામી રાઉન્ડમાં જવાનું સપનું ચકનાચૂર થઇ ગયું હતું.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.