રાજકોટ: માધાપર ચોકડી પાસે બાલાજી વેફર્સના ગોડાઉનમાં લૂંટ - At This Time

રાજકોટ: માધાપર ચોકડી પાસે બાલાજી વેફર્સના ગોડાઉનમાં લૂંટ


ગઇ કાલે મોડી રાત્રીના માધાપર ચોકડી પાસે આવેલા બાલાજી વેફર્સના ગોડાઉનમાં લૂંટ થયાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ શખ્સોએ રાત્રીના ૧:૩૦ વાગ્યે ગોડાઉનમાં પ્રવેશ કરી સિક્યુરિટી ગાર્ડને છરીની અણીએ બંધક બનાવી રૂ.૧.૯૫ લાખની સનસનીખેજ લૂંટ ચલાવી હોવાનુ સામે આવ્યું છે. આ અંગે ઘટનાની જાણ થતા ડીસીપી ઝોન – ૨ સુધીર દેસાઈ અને એસીપી ભાર્ગવ પંડ્યા સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરમાં માધાપર ચોકડી પાસે આવેલા બાલાજી વેફર્સના ગોડાઉનમાં લૂંટની ઘટના સામે આવી છે. જેમાં ગોડાઉનના લોકો દ્વારા જણાવ્યા મુજબ ગત રાત્રીના ૧:૩૦ વાગ્યાની આસપાસ ત્રણ શખ્સો ગેટ ટપીને અંદર પ્રવેશ કરે છે. ત્યાર બાદ આ ત્રિપુટીએ ગોડાઉનમાં સિક્યુરિટી ગાર્ડને છરી બતાવી તેને બંધક બનાવી દિધો હતો.
ત્યાર બાદ આ ત્રણ શખ્સોમાંથી એક શખ્સ છરી સાથે સિક્યુરિટી ગાર્ડ પાસે ઊભો રહે છે. જ્યારે અન્ય બે શખ્સો ઓફિસના તાળા તોડી તેમાં રહેલી રોકડ રકમ રૂ.૧.૯૫ લાખની લૂટ ચલાવી ૨:૩૦ વાગ્યા સુધીમાં દિલધડક લૂંટ ચલાવી નાસી ગયા હતા. આ અંગે જાણ થતાં ડીસીપી સુધીર દેસાઈ, એસીપી ભાર્ગવ પંડ્યા સહિત ગાંધીગ્રામ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. જ્યાં પોલીસે સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસી લુંટારાઓની ભાળ મેળવવા તજવીજ હાથધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટમાં કોઈ જાણભેદુ હોવાની શંકા સેવાઈ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.