પોલીસ મથકથી 50 મીટરે આવેલ મંદીરમાંથી ચોરી કરી - At This Time

પોલીસ મથકથી 50 મીટરે આવેલ મંદીરમાંથી ચોરી કરી


મવડી મેઇન રોડ પર માલવીયાનગર પોલીસ સ્ટેશન 50 મીટરના અંતરે આવેલા શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરમાં રાત્રિના તસ્કરે અહીં મંદિરમાં પ્રવેશી દાન પેટીમાંથી રોકડ રૂપિયા 12,000 ની ચોરી કરી હતી. મોઢે રૂમાલ અને ટોપી બાંધી આવેલા આ શખસે મંદિરમાં આવતા જ છે સીસીટીવી કેમેરા બંધ કરી દીધા હતા. બાદમાં તેણે ચોરીના આ બનાવને અંજામ આપ્યો હતો. બનાવ અંગે મંદિરના ટ્રસ્ટી દ્વારા ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી ચોરીના બનાવમાં રીઢા તસ્કરને ઝડપી લીધો હતો. આરોપી અન્ય કોઈ ધાર્મિક સ્થળને આ પ્રકારે નિશાન બનાવ્યું છે કે કેમ? તે અંગે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોટા મવા ગામે જયનાથ પાર્ક શેરી નંબર-1 માં રહેતા દેવેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ. 42) દ્વારા માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની આ ઘટના અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. દેવેન્દ્રસિંહએ જણાવ્યું હતું કે, તેઓ મવડી મેઈન રોડ પર શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિરમાં ટ્રસ્ટી છે. ગત સોમવારે તેમને અહીં મંદિરના પગીએ જાણ કરી હતી કે, દાન પેટીનું પતરૂ થોડું વળેલું હોય જેથી ચોરી થઈ હોય તેવી શંકા ગઈ હતી. બાદમાં ફરિયાદી તથા મંદિરના અન્ય ટ્રસ્ટીઓ અહીં મંદિરે ગયા હતા.
અહીં સીસીટીવી ફૂટેજ ચકાસતા રાત્રિના પોણા ત્રણ વાગ્યે કોઈ શખસે મંદિરમાં પ્રવેશ કર્યા બાદ સીસીટીવી કેમેરાનો પાવર કટ કરી નાખ્યો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ચોરી થયાની શંકા દ્રઢ બની હતી. બાદમાં દાન પેટીમાં તપાસ કરતા તેમાં રહેલી અંદાજિત રોકડ રકમ રૂ.12 હજારની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમણે આ અંગે માલવીયાનગર પોલીસને જાણ કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.
ચોરીના આ બનાવને લઇ માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર. દેસાઈની રાહબરી હેઠળ પી.એસ.આઇ ડી.એસ. ગજેરા તથા ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે મંદિર આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા અગાઉ મંદિર સહિતની ચોરીઓમાં પકડાઈ ચૂકેલો રીઢો તસ્કર નજરે પડતા પોલીસે મેહુલ ધમજી નામના આ શખસને તાકીદે ઝડપી લઇ ચોરીના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મંદિર ચોરીમાં ઝડપાયેલા મેહુલ સામે અગાઉ શહેરના અલગ- અલગ પોલીસ સ્ટેશનમાં મળી 30 થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીએ આ પ્રકારે અન્ય કોઈ ધાર્મિક સ્થળને નિશાન બનાવ્યું છે કે કેમ તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.