*સંભવિત રોગચાળાની પરિસ્થિતિને પહોંચી વળવા બોટાદ જિલ્લા આરોગ્યતંત્ર સજ્જ - At This Time

*સંભવિત રોગચાળાની પરિસ્થિતિને પહોંચી વળવા બોટાદ જિલ્લા આરોગ્યતંત્ર સજ્જ


*સંભવિત રોગચાળાની પરિસ્થિતિને પહોંચી વળવા બોટાદ જિલ્લા આરોગ્યતંત્ર સજ્જ*
---------------
*બોટાદ શહેર અને ગ્રામિણ વિસ્તારના લોકોને ઘર આંગણે જ આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે માટે જિલ્લાના ૭૩૧ આરોગ્યકર્મીઓ દ્વારા હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરાઈ*
---------------
*હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સ દરમિયાન ઝાડા, તાવ, શરદી-ઉધરસ જેવા લક્ષણો આધારિત જો દરદીઓ મળી આવે તો તેમને સ્થળ પર જ જરૂરી સારવાર ઉપલબ્ધ*
---------------

માહિતી બ્યુરો, બોટાદ ;- જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાની રાહબરી હેઠળ બોટાદ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા બોટાદ શહેર અને ગ્રામિણ વિસ્તારના લોકોને ઘર આંગણે જ આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે માટે જિલ્લાના ૭૩૧ આરોગ્યકર્મીઓ દ્વારા હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરાઈ છે.

આ હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સ દરમિયાન ઝાડા, તાવ, શરદી-ઉધરસ જેવા લક્ષણો આધારિત જો દરદીઓ મળી આવે તો તેમને સ્થળ પર જ જરૂરી સારવાર પુરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત મચ્છર ઉત્પતિ સ્થાનોનો નિકાલ અને સોર્સ રીડક્શનની કામગીરી, એબેટ એપ્લિકેશન દ્વારા પોરાનાશકની કામગીરી, તમામ ગ્રામ પંચાયત અને નગરપાલિકા સાથે સંકલન કરી તેઓ દ્વારા પીવાના પાણીનું નિયમિત ક્લોરીનેશન, સ્વચ્છતા અંતર્ગત કામગીરી કરવામા આવી રહી છે.

ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જયંતભાઇ કનોરીયાએ જણાવ્યું કે, ચાલુ વર્ષે ચોમાસાની ઋતુને ધ્યાને લઇ બોટાદ જિલ્લામા પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળાના નિયંત્રણ માટે અગ્ર સચિવશ્રી (આરોગ્ય), અધિક નિયામકશ્રી (આરોગ્ય) દ્વારા વિડીયો કોન્ફરન્સ અને જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને સંચારી રોગ અટકાયતી માટે જિલ્લાકક્ષાની સર્વેલન્સ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં રોગચાળા નિયંત્રણ અને આરોગ્યલક્ષી સેવાઓની પૂર્વ તૈયારી માટે માર્ગદર્શન પૂરૂ પાડવામા આવ્યું છે. જિલ્લામાં ચાલી રહેલા ડોર-ટુ- ડોર સર્વેલન્સમાં જિલ્લાના ૭૩૧ આરોગ્ય કર્મીઓ સતત કામ કરી રહ્યાં છે.

ડૉ. કનોરીયાએ સંભવિત રોગચાળાની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ આરોગ્ય કેન્દ્રો પર એન્ટી એપીડેમીક દવાઓ તેમજ પાણીના ક્લોરીનેશન માટે બ્લિચિંગ પાઉડરનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. અતિવૃષ્ટિ દરમિયાન સંભવિત વિખુટા પડી જતા ગામો/વિસ્તારની માહિતી સાથે આકસ્મિક પરિસ્થિતિમા લેવાની થતી પૂર્વ તૈયારીના પગલા અંગેનો માઇક્રોપ્લાન તૈયાર કરવાની સાથે ચોમાસાના ચાલુ માસ દરમિયાન સંભવિત તારીખોવાળા સગર્ભા-ડીલીવરી વાળી બહેનોની યાદી તૈયાર કરી અગાઉથી નજીકના આરોગ્ય કેન્દ્રો પર દાખલ કરવાની વ્યવસ્થા કરવા માટેની પૂર્વ તૈયારી પણ કરવામા આવી છે.

જિલ્લાના તમામ ગામો અને વિસ્તારો સાથે ૨૪*૭ સંકલન સાધી શકાય તે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવા ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ જરૂરી દવાઓ અને સાધન સામગ્રી અને એમ્બ્યુલન્સ સાથેની RRT (રેપિડ રીસ્પોન્સ ટીમ) તૈયાર કરવામાં આવી છે. તેમજ જિલ્લા કક્ષાએ કુલ-૦૫ ઇમરજન્સી મેડીકલ ટીમ સ્ટેન્ડ બાય રાખવામા આવી હોવાનું ડૉ.કનોરીયાએ જણાવ્યું હતું.
૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.