પોલીસની બેરિકેડ કુદીને રસ્તા પર ધરણા કરવા બેસી ગયા પ્રિયંકા ગાંધી, પોલીસે કરી અટકાયત
નવી દિલ્હી,તા.5 ઓગસ્ટ 2022,શુક્રવારમોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા દેખાવો થઈ રહ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા.આ દરમિયાન પોલીસે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની તો અટકાયત કરી જ હતી પણ સાથે સાથે તેમના બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની પણ પોલીસે અટકાયત કરી છે.પ્રિયંકા ગાંધી પ્રદર્શન કરતા પહેલા પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા.ત્યાંથી તેઓ આગળ ના વધી શકે તે માટે પોલીસે બેરિકેડ લગાવી હતી. જોકે પ્રિયંકા ગાંધી બેરિકેડ કુદી ગયા હતા અને આગળ વધવા માંડ્યા હતા.પોલીસે જોકે તેમને ઘેરી લેતા તેઓ રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા. પોલીસે તેમને અટકાયતમાં લેવાનો પ્રયત્ન કર્યો તો કોંગ્રેસના કાર્યકરોએ આ બાબતનો વિરોધ કરતા ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. પ્રિયંકા ગાંધીએ પણ વિરોધ કરવા માટે કાળા કપડા પહેર્યા હતા. જોકે ભારે મથામણ બાદ પોલીસે પ્રિયંકા ગાંધીને પણ અટકાયતમાં લીધા હતા. સાથે સાથે બીજા કોંગ્રેસી નેતાઓ મલ્લિકાઅર્જુન ખડગે, જયરામ રમશે સહિતને અટક કર્યા હતા. આ તમામને તથા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને કિંગ્સવે કેમ્પ પોલીસ લાઈન પર પોલીસ લઈ ગઈ છે.પ્રિયંકા ગાંધીએ અટકાયત પહેલા કહ્યુ હતુ કે, જો કેન્દ્ર સરકારને એવુ લાગતુ હોય કે વિપક્ષનો અવાજ દબાવી શકે છે તો તે તેની ભૂલ છે. અમે પીએમના ઘર સુધી જઈને મોંઘવારી વિરુધ્ધ દેખાવો કરવા માંગીએ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.