દિલ્હીમાં કોમેડિયન મુનવ્વર ફારૂકીના શોને મંજૂરીનો ઈનકાર
નવી દિલ્હી, તા.૨૭ભગવાન રામ અને સીતા અંગે અપમાનજનક ટીપ્પણી કરનાર સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકીને દિલ્હીમાં શો કરવાની મંજૂરી આપવાનો દિલ્હી પોલીસે ઈનકાર કરી દીધો છે. ફારૂકીનો શો ૨૮મીએ દિલ્હીના સિવિક સેન્ટરમાં યોજાવાનો હતો, પરંતુ દિલ્હી પોલીસના લાઈસન્સ યુનિટે ફારૂકીના શોથી સાંપ્રદાયિક સૌહાર્દ પર અસર પડવાની આશંકાએ શોની મંજૂરી નકારી કાઢી હતી.વિશ્વ હિન્દુ પરિષદે દિલ્હી પોલીસને પત્ર લખી મુનવ્વર ફારૂકીનો શો રદ કરવા માગ કરી હતી. તેમણે કહ્યું કે, આ શો થશે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંદ દળના સભ્યો તેની સામે વિરોધ પ્રદર્શન કરશે. વિશ્વ હિન્દુ પરિષદના દિલ્હીના પ્રમુખ સુરેન્દ્ર કુમાર ગુપ્તાએ દિલ્હીના પોલીસ કમિશનરને આ પત્ર આપ્યો હતો.વિહિપે પત્રમાં લખ્યું હતું કે, મુનવ્વર ફારૂકી નામનો કલાકાર દિલ્હીના સિવિક સેન્ટરમાં કેદારનાથ સ્ટેડિયમમાં ૨૮મી ઑગસ્ટે એક શો કરી રહ્યો છે. આ વ્યક્તિ તેના શોમાં હિન્દુ દેવી દેવતાઓની મજાક ઉડાવે છે, જેના કારણે તાજેતરમાં જ ભાગ્ય નગરમાં સાંપ્રદાયિક તણાવ સર્જાયો હતો. આ શો તુરંત રદ કરવામાં આવે.અગાઉ ૨૦૨૧માં મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ભગવાન રામ-સીતા તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અંગે અપમાનજનક ટીપ્પણી કરવા બદલ ફારૂકીની ધરપકડ કરાઈ હતીી. લગભગ એક મહિનો જેલમાં પસાર કર્યા પછી સુપ્રીમ કોર્ટના આદેશને પગલે તેને છોડવામાં આવ્યો હતો. આ વિવાદ પછીથી દેશભરમાં ફારૂકીના અનેક શો રદ થયા છે. તાજેતરમાં જ બેંગ્લુરુમાં પણ ફારૂકીનો શો રદ કરાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.