જસદણના નવાગામમાં વધું એક જમીન કૌભાંડ: પોલીસ ફરીયાદ
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણના નવા ગામના બે ભાઇઓએ દબાણવાળી જમીન પોતાના નામ. કરવા ગ્રા.પં.નો ખોટો લેટરપેડ બનાવી બોગસ દસ્તાવેજ ઉભો કર્યાની પોલીસમાં ફરીયાદ થઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ નવાગામના સરપંચ ગંગેવભાઇ ગોવિંદભાઇ ચૌહાણએ તેજ ગામના મનજી ઉર્ફે મનુ રૂપાભાઇ ભોજાણી તથા તેના ભાઇ વલ્લભભાઇ ભોજાણી સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ નવા ગામમાં પંચાયત હસ્તકની સરકારી જમીનમાં ગેરકાયદે દબાણ કરેલ હોય ફરીયાદીએ અવારનવાર દબાણ દુર કરવા માટે નોટીસો આપી હતી. પરંતુ આરોપીઓએ દબાણવાળી જમીન પોતાના નામે કરી લેવા માટે કોઇપણ રીતે નવાગામ ગ્રા.પં.નો ખોટો લેટરપેડ બનાવી કે મેળવી તે લેટરપેડમાં આરોપીઓએ ગ્રા.પં. પાસેથી સદરહું જમીન ખરીદ કરેલ છે. તેમજ ફરીયાદીને ૬ લાખ રૂપિયા આપેલ છે. તેવું લખાણ કરી આ લખાણવાળા લેટરપેડમાં નીચે ખોટી સહી કરી મોટો દસ્તાવેજ ઉભો કરી તે સાચો સાબીત કરવા માટે તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે રજુ કર્યો હતો. જસદણ પોલીસે આ ફરીયાદ અન્વયે ઉકત બંન્ને ભાઇઓ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે અત્રે નોંધનીય છે કે જસદણના નવાગામ સહીત અનેક ગામોની અબજો રૂપિયાની કિંમતની સરકારી જમીનો ભૂમાફિયાઓના કબજામાં છે. સરકારી તંત્ર તેનો વાળ પણ વાંકો કરી શકતા નથી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જમીન બાબતે વીંછિયા પંથકમાં એક હત્યા થઈ તેની હજું પણ શાહી પણ સુકાય નથી ત્યારે ભૂમાફિયા પ્રત્યે સરકારી તંત્રએ કડક બનવું જરૂરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.