લોભામણા વચનોથી વોટ મેળવવા સરળ, પણ શોર્ટ કટથી શોર્ટ સર્કિટ થઈ જાય
દેવધર, તા.૧૨વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઝારખંડના પ્રવાસમાં રૂ. ૧૬,૮૦૦ કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યા. ત્યાર પછી આકરી સુરક્ષા વચ્ચે પીએમ મોદીએ દેવધરમાં ૧૨ કિ.મી. લાંબા રોડ શોમાં ભાગ લીધો અને દેવધરના બાબા વૈદ્યનાથ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા. ભગવાન શિવની આરાધના પછી પીએમ મોદીએ એક જનસભાને સંબોધતા વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, આજે લોભામણા વચનોનું રાજકારણ ચાલી રહ્યું છે, પરંતુ આવા શોર્ટકટથી શોર્ટ સર્કિટ પણ થઈ જાય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવધર કૉલેજના ગ્રાઉન્ડમાં જણાવ્યું કે, એક તરફ બાબાનો આશીર્વાદ અને બીજીબાજુ ઈશ્વરના રૂપમાં જનતા જનાર્દનનો આશીર્વાદ કેટલી મોટી શક્તિ આપે છે, તે તમે પણ જાણો છો અને હું પણ. થોડાક સમય પહેલાં પૂજ્ય બાબાના ચરણોમાં જઈને દર્શન અને પૂજા કરવાની તક મળી. આ પહેલા ઝારખંડના વિકાસ માટે હજારો કરોડ રૂપિયાની યોજનાઓને બાબા અને જનતા જનાર્દનના ચરણોમાં સમર્પિત કરી.વડાપ્રધાને વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, આજે લોભામણા વચનો આપીને શોર્ટકટનું રાજકારણ થઈ રહ્યું છે. જે દેશનું રાજકારણ શોર્ટકટ પર આધારિત છે તે દેશમાં એક દિવસ શોર્ટ સર્કિટ પણ થઈ જાય છે. તેથી શોર્ટકટના રાજકારણમાં જવું જોઈએ નહીં. શોર્ટકટનું રાજકારણ દેશને બરબાદ કરી નાંખે છે. આઝાદી પછીની સરકારે અનેક શોર્ટકટ અપનાવ્યા હતા. આ કારણે આપણી સાથે સ્વતંત્ર થયેલા દેશ આપણાથી આગળ નીકળી ગયા હું દેશવાસીઓને શોર્ટકટના રાજકારણથી બચવા આગ્રહ કરું છું.તેમણે ઉમેર્યું કે, શોર્ટકટનું રાજકારણ કરનારા નવા એરપોર્ટ નહીં બનાવે, આધુનિક હાઈ-વે નહીં બનાવે, એઈમ્સ નહીં બનાવે, દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ માટે મહેનત નહીં કરે. શોર્ટકટવાળા મહેનત નથી કરવી પડતી કે તેમને તેના દૂરગામી પરિણામો અંગે વિચારવું પણ નથી પડતું.વડાપ્રધાને કહ્યું કે પહેલાની સરકારોમાં યોજનાઓની જાહેરાતો થતી હતી. પછી એક-બે સરકાર ગયા પછી એક-બે પથ્થર લાગતા હતા. કોને ખબર કેટલી સરકારોના આવન-જાવન પછી કોઈ પ્રોજેક્ટ પૂરો થઈ શકતો હતો. પરંતુ આજે અમે એવી કાર્ય સંસ્કૃતિ લઈ આવ્યા છી એ કે જેનો શિલાન્યાસ અમે કરીએ છીએ, તેનું ઉદ્ધાટન પણ અમે કરીએ છીએ. મોદીએ તેમના સંબોધનમાં કહ્યું, અમારી સરકાર માટે ખૂબ જ ગર્વની બાબત છે કે ૧૫ નવેમ્બરે ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને અમે જનજાતીય ગૌરવ દિવસ જાહેર કર્યો છે. બાબા બિરસા મુંડાના ઉત્કૃષ્ટ અને આધુનિક સંગ્રહાલયના નિર્માણનું સૌભાગ્ય અમને જ મળ્યું છે.ઝારખંડના પ્રવાસ પછી પીએમ મોદીએ પટનામાં વિધાનસભા ભવનના ૧૦૦ વર્ષ પૂરા થવાના પ્રસંગે ૪૦ ફૂટના શતાબ્દિ સ્મૃતિ સ્તંભનું લોકાર્પણ કર્યું હતું. અઢી ટન વજનના કાંસાના બનેલા સ્તંભના લોકાર્પણ પછી પીએમ મોદીએ કહ્યું કે, બિહારનો એ સ્વભાવ છે કે જે બિહારને પ્રેમ કરે છે તેને આ રાજ્ય અનેક ગણો વધારે પાછો આપે છે. હું વૈશ્વિક મંચ પર જઉં છું ત્યારે ગર્વથી કહું છું કે વિશ્વમાં લોકતંત્રની જનની અમારું ભારત છે. મોદીએ કહ્યું, બિહાર જેટલું સમૃદ્ધ હશે ભારતની લોકતાંત્રિક સંસ્કૃતિ તેટલી જ મજબૂત હશે. બિહારનો ઈતિહાસ તેનું ઉદાહરણ છે. દુનિયાના અન્ય ક્ષેત્રોમાં લોકતંત્ર અંગે સમજ વિકસિત થવાની શરૂ થઈ હતી ત્યારે વૈશાલીમાં લિચ્છવી અને વજ્જી સંઘ જેવા ગણ રાજ્યો તેમના શિખર પર હતા. બિહારનો ગૌરવશાળી વારસો, પાલીમાં હયાત ઐતિહાસિક દસ્તાવેજ તેના જીવંત પ્રમાણ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.