અરવલ્લી જિલ્લા કલેકટર દ્વારા ગંભીરપુરા ખાતે આવેલ ફાયરબટ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. - At This Time

અરવલ્લી જિલ્લા કલેકટર દ્વારા ગંભીરપુરા ખાતે આવેલ ફાયરબટ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.


અરવલ્લી જિલ્લાનાં ભિલોડા તાલુકાના ગંભીરપુરા (માંકરોડા) ગામના સ. નં ૪૮/બ/૨ માં ફાયરીંગ બટ આવેલો છે. સદર બટમાં રા.અ.પો.દળ જૂથ-૧૫, ઓ.એન.જી.સી., મહેસાણા જિલ્લાના પોલીસના અધિકારી/જવાનોનું અને-૨૦૨૩ના વર્ષના બીજા તબક્કાની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ કરવાનું હોઈ ઈન્ચાર્જ કચેરી અધિક્ષકશ્રી, અરવલ્લી મોડાસાએ તા. ૦૬/૧૨/૨૦૨૩ ના પત્રથી મંજૂરી આપેલ છે. સેનાપતિ રા.અ.પો.દળ જૂથ-૧૫, મહેસાણાના ચંદર્ભ-૧ ના પત્રથી આ બટ વિસ્તારની હદમાં રહેતા આજુબાજુના પ્રજાજનોની સલામતી જાળવવા માટે સને ૧૯૫૧ ના ગુજરાત પોલીસ અધિનિયમ અન્વયે તા. ૦૬/૦૧/૨૦૨૪ થી તા. ૩૧/૦૧/૨૦૨૪ સુધી અમલમાં રહે તે રીતે જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખારત કરેલ છે.

આથી હું પ્રશસ્તિ પારીક આઈ.એ.એસ., જિલ્લા મેજીસ્ટ્રેટ, અરવલ્લી જિલ્લો, મોડાસા સને ૧૯૫૧ ના ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૩૭ (૪) થી મને મળેલ સત્તાની રૂએ ફરમાવું છું કે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ગંભીરપુરા (માંકરોડા) ખાતેના બટ ઉપર રા.અ.પો.દળ જૂથ-૧૫, ઓ.એન.જી.સી. મહેસાણા જિલ્લાના પોલીસના અધિકારી/જવાનોનું અને- ૨૦૨૩ના વર્ષના બીજા તબક્કાની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ કરવાનું હોઈ ઉક્ત બટ વિસ્તારની જમીનની આજુબાજુના ૧.૬ કિ.મી.ની ત્રિજયાના વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિએ તા. ૦૬/૦૧/૨૦૨૪ થી તા. ૩૧/૦૧/૨૦૨૪ સુધી સવારના ૭-૦૦ કલાકથી સાંજના ૧૮-૦૦ કલાક સુધી પ્રવેશ કરવો કે કરાવવો નહીં તેમજ ઉકત વિસ્તારમાં દર્શાવેલ દિવસો અને સમયે ઢોર ઢાંખર લઈને પ્રવેશ કરવો કે કરાવવો નહી.

વધુમાં ફરમાવું છું કે આ જાહેરનામાથી સ્થાનિકો અવગત થઈ શકે તથા અકસ્માત નિવારી શકાય તે માટે પોલીસ ખાતા દ્વારા પ્રચાર બોર્ડ મૂકવા તથા ફાયરીંગના સમય દરમિયાન ચોકી/નાકા બંધી કરવી.

આ હુકમનો ભંગ કરનાર ઉકત અધિનિયમની કલમ-૧૩૫ હેઠળ અને ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમનો ભંગ કરનાર સામે ફરીયાદ માંડવા ક્ષેત્રાધિકાર ધરાવતા પોલીસ સબ ઈન્સપેક્ટરના દરજ્જાથી ઉતરતા ન હોય તેવા દરજ્જાના અધિકારીશ્રીને આથી અધિકૃત કરવામાં આવે છે. બિન અધિકૃત પ્રવેશથી જો કોઈ નુકશાન થશે તો કોઈ પણ પ્રકારના વળતરને પાત્ર રહેશે નહીં.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.