ગુજરાતી ભાષામાં વિજ્ઞાન-લેખન અંગેની ત્રિદિવસીય કાર્યશિબિર ઇસાર સંસ્થા રાપર ખાતે યોજાઈ - At This Time

ગુજરાતી ભાષામાં વિજ્ઞાન-લેખન અંગેની ત્રિદિવસીય કાર્યશિબિર ઇસાર સંસ્થા રાપર ખાતે યોજાઈ


ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ડીપાર્ટમેન્ટ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગવર્મેન્ટ ઑફ ગુજરાત, ગાંધીનગર, ગુજરાતના સહયોગથી ઈસાર દ્વારા રાપર ખાતે તારીખ 6, 7 અને 8 જાન્યુઆરી ના દિવસ દરમિયાન
ગુજરાતી ભાષમાં વિજ્ઞાન-લેખન કાર્યશિબિરનું આયોજન કરાયું હતું

ઈસાર સંસ્થા રાપર ખાતેના શ્રી સેજલબેન જોષીએ આ વિશે વધુમાં માહિતી આપતાં જણાવ્યું કે

યોજાયેલ કાર્યશિબિરનો મુખ્ય હેતુ ગુજરાતી ભાષામાં વિજ્ઞાન લેખન થઈ શકે અને વિજ્ઞાનનો સમાજમાં પ્રસાર પ્રચાર કરી સમાજમાં ફેલાયેલ અંધશ્રધ્ધા દૂર કરી વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો છે. તે માટે વાગડની શાળા અને કોલેજના વિજ્ઞાન અને સાહિત્યના ૩૫ જેટલા વિધ્યાર્થીઓએ ત્રણ દિવસની શિબિરમાં ઉત્સાહ અને જિજ્ઞાસાભેર ભાગ લીધો હતો
આ કાર્યશિબિરમાં રાપર તાલુકાના ફતેહગઢ, સુવઈ, સેવા સાધના છાત્રાલય, અનુભૂતિ વિદ્યા મંદિર, સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો, સરકારી વાણિજ્ય અને આર્ટસ કોલેજ અને એન. પી, કોલેજ રાપરના ૩૫ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનિઓ આ શિબિરમાં જોડાયા હતા
શિબિરના પ્રથમ દિવસે ખ્યાતનામ સમાજશાસ્ત્રી અને શિક્ષણકાર શ્રી વિદ્યુતભાઈ જોષીએ વિજ્ઞાનિક અભિગમથી કઈ રીતે વિચારતાં થવાય તે માટે સ્વ મૂલ્યાંકનની પધ્ધિતઓ વિષે ઉદાહરણો સાથે વાત કરી. સતત ૩૦ વર્ષથી બાળકો સાથે કાર્યરત અને ઈસારના ટ્રસ્ટી તરીકે શ્રી જયશ્રીબેન જોષીએ આવી શિબિર ૧૫ વર્ષથી જુદા જુદા જિલ્લાઓમાં કરવામાં આવી રહી છે એ અંગે માહિતી આપી. તેમણે વધુમાં જણાવ્યું કે આ શિબિરમાં શરૂઆતના વર્ષોમાં આવેલ સહભાગીઓમાંથી આજે ઘણા ખરા ટોચના વિજ્ઞાન લેખક કે પત્રકાર તરીકે ખ્યાતનામ છે.
પ્રથમ દિવસે સહભાગીઓને વાગડના લાકડાંવાંઢ ડેમની મુલાકાત કરાવવામાં આવી હતી. યુવા પર્યાવરણ પ્રેમી અને ફોટોગ્રાફર શ્રી નીરવભાઈ સોલંકીએ ડેમ પાસેના અને વાગડના સ્થાનિક અને સ્થળાંતરીત પક્ષીઓ વિષે માહિતી આપી અને સાથે ખારસર વાંઢના યુવા કાર્યકર શ્રી ઉમેદભાઈ મકવાણાએ લાકડાંવાંઢ ડેમના ઇતિહાસ વિષે માહિતી આપી હતી.
બીજા દિવસે અમદાવાદથી વિજ્ઞાન પત્રકાર શ્રી કાળુભાઇ ચૌધરીએ ડિજિટલ દુનિયામાં વિજ્ઞાન વાંચન અને લેખન અંગે સમજૂતી આપી. ડૉ. ચિંતનભાઈ ભટ્ટ, ઈસરોના અવકાશ વિજ્ઞાનીએ ખાસ કરીને સહભાગીઓને અવકાશની સફર કરાવી દીધી. વિજ્ઞાન બાળ સાહિત્યકાર શ્રી કિશોરભાઇ પંડયાએ વિજ્ઞાન અને બાળકો સમજી શકે એ પ્રમાણે લેખન કાર્ય કરવા માટે સમજૂતી આપી હતી. ત્રીજા અને અંતિમ દિવસે રાપરના યુવા ખેડૂત શ્રી ઋષભભાઈ ચારલે વિધ્યાર્થીઓને સજીવ ખેતી અને જમીન સુધારણા માટે વિગતે માહિતી આપી હતી. આ ઉપરાંત ભુજથી વન્યજીવના નિષ્ણાંત અને રાષ્ટ્રીય ઇકોલોજી એવોર્ડ વિજેતા લેખક અને પત્રકાર શ્રી રોનકભાઈ ગજ્જરે હાજર રહી સહભાગીઓને વન્યજીવોના સંરક્ષણ માટે સંવેદનશીલ બનવા અપીલ કરી હતી. રિજનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી ડૉ. રાજેન્દ્રભાઈ પટેલ, સહભાગીઓને વિજ્ઞાન પ્રસાર – પ્રચારની માહિતી આપતા સાયન્સ સેન્ટરની મુલાકાત માટે આમંત્રણ આપ્યુ હતું. તેમની સાથે તેમના સહયોગી શ્રી હિરેનભાઈ રાઠોડે વિજ્ઞાનના તેમજ અંધશ્રધ્ધા માટેના પ્રયોગો કરી પ્રત્યક્ષ સમજૂતી આપી હતી. અંતિમ દિવસે કેટલાંક વિધ્યાર્થીઓએ પોતાની કૃતિની રજૂઆત પણ કરી હતી. આમ ઈસાર સંસ્થાના કાર્યકરો નસિમ બલોચ, ખોડા પરમાર, અંજલિ ગૌતમ, મેરીબેન મેઘવાળ વગેરે એ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
મો-9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.