જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં બસ ઊંડી ખીણમાં પડી; દુર્ઘટનામાં 4નાં કમકમાટી ભર્યા મોત - At This Time

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં બસ ઊંડી ખીણમાં પડી; દુર્ઘટનામાં 4નાં કમકમાટી ભર્યા મોત


જમ્મુ અને કાશ્મીરમાં 24 કલાકમાં બીજો મોટો માર્ગ અકસ્માત થયો છે. રાજૌરીમાં ભીમ્બર ગલી નજીક ગુરુવારે ઘણા મુસાફરોને લઈને જતી બસ ઊંડી ખીણમાં પડી જતાં પાંચ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 25 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે.

દુર્ઘટનાની માહિતી મળતા જ સેના, પોલીસ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળ પરથી અત્યાર સુધીમાં પાંચ લોકોના મૃતદેહને કાઢી લેવામાં આવ્યા છે. 

મંજાકોટના તહસીલદાર જાવેદ ચૌધરીએ જણાવ્યું હતું કે, "રાજૌરી જિલ્લાના ભીમ્બર ગલી પાસે આજે સવારે અનેક મુસાફરોને લઈ જતી બસ ઊંડી ખીણમાં પડી જતાં ચાર લોકોના મોત થયા છે." દુર્ઘટના બાદ સ્થાનિકો દ્વારા ઘાયલોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે દુર્ઘટનાની નોંધ લઈને તપાસ હાથ ધરી છે.

જણાવી દઈએ કે આ પહેલા બુધવારે પૂંછમાં સાવજિયાથી મંડી જઈ રહેલી ઝડપી ઓવરલોડ મિનિબસને અકસ્માત નડતાં લગભગ 12 મુસાફરોના મોત થયા હતા અને 28 ઘાયલ થયા હતા. આ માર્ગ અકસ્માત પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી, જ્યારે ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ મૃતકોના આશ્રિતોને 5-5 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.