આર્થિક ભીંસ દૂર કરવા વફાદાર કર્મચારીએ જ રૂા.8.39 લાખની ચોરી કરી ’તી - At This Time

આર્થિક ભીંસ દૂર કરવા વફાદાર કર્મચારીએ જ રૂા.8.39 લાખની ચોરી કરી ’તી


માધાપર ચોકડી પાસે એમેઝોનના વેર હાઉસમાં થયેલ રૂ.8.39 લાખની ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ગાંધીગ્રામ પોલીસે ઉકેલી ત્યાં કામ કરતાં કર્મચારીને જ પકડી પાડી તમામ મુદામાલ કબ્જે કર્યો હતો. ત્રણ માસથી પગાર ઘરે આપ્યો ન હતો, આર્થિક ભીંસ દૂર કરવા વફાદાર કર્મચારીએ ચોરી કર્યાની કબુલાત આપી હતી.
બનાવ અંગે માધાપર ચોકડી પાસે શેઠનગરની બાજુમાં વર્ધમાન કોમ્પલેક્ષમાં રહેતાં પ્રકાશભાઈ ચંદુભાઈ જોગીયા (ઉ.વ.38) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ જય મુરલીધર નામના ટ્રાન્સપોર્ટમાં મેનેજર તરીકે છેલ્લા છ વર્ષથી નોકરી કરે છે. ટ્રાન્સપોર્ટ એમેઝોન કંપનીનું છે, જે માધાપર ચોકડી પાસે વોરા સોસાયટી સામે શિવ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ છે. રાજકોટમાં એમેઝોનના તમામ પાર્સલ તેઓના ટ્રાન્સપોર્ટમાં આવે છે. ત્યાંથી બધા પાર્સલ ડીલીવરી કરવામાં આવે છે.
ઓફીસ ખોલવાનો સમય સવારે પાંચ વાગ્યે તથા બંધ કરવાનો સમય રાત્રે સાડા અગ્યાર વાગ્યાનો છે. ગઇ તા.11 ના રોજ રાત્રિના આઠેક વાગ્યે તેઓ કામ પૂર્ણ કરી ઓફિસેથી ઘરે નિકળી ગયેલ હતો અને ઓફિસમાં કામ કરતા સુપરવાઇઝર દિપભાઇએ મેઇન શટરને એક બાજુથી લોક કરી તેનો ફોટો પાડી વોટસએપ ગ્રુપમાં ફોટો શેર કરેલ હતો.
ગઈકાલે સવારે દસેક વાગ્યે એમેઝોનના એમ્પ્લોય જીતુભાઇનો ફોન આવેલ કે, બેંક વાળા રૂપિયા લેવા આવેલ અને રૂપિયા તિજોરીની અંદર નથી તમે કોઈને રૂપિયા આપેલ છે, જેથી તેમને કહેલ કે, મેં કોઈને રૂપિયા આપેલ નથી. બાદમાં તેઓ ઓફિસ ખાતે પહોંચેલ અને તિજોરી જોયેલ તેમાં રૂપિયા હતા નહિ અને તિજોરીને પણ કોઇ નુકસાન થયેલ ન હતું. તિજોરી ખોલવા માટે ચાવી અને પાસવર્ડ નાંખવા પડે બાદમાં તિજોરી ખુલે, તેમજ તેની ચાવી ઓફિસમા કાઉન્ટરના ખાનામાં હોય છે. બાદમાં તેઓએ ટ્રાન્સપોર્ટના માલિક હરેશભાઇ ડાંગરને જાણ કરેલ કે, તિજોરીમાં રૂ.8.39 લાખ રોકડા રાખેલ હતા જે કોઇ અજાણ્યો ચોર ચોરી કરી નાસી છૂટ્યો લઇ ગયેલ છે. બાદમાં તેઓએ ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ કે.જે.કરપડાની રાહબરીમાં પીએસઆઇ એસ.એલ.ગોહીલ ટીમ સાથે ગુનો ડિટેકટ કરવાં તપાસમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા, શબ્બીરખાન મલેક અને કોન્સ્ટેબલ રોહીતદાન ગઢવીને મળેલ ચોક્કસ બાતમીના આધારે ગણતરીની કલાકોમાં ચોરીના બનાવનો ભેદ ઉકેલી કમલેશ ઓમપ્રકાશ પ્રજાપતિ ને પકડી પાડી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ રોકડ રૂ.8.39 લાખ કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, વેર હાઉસમાં ચોરી કરનાર કમલેશ એમેઝોનના વેર હાઉસમાં જ વર્ષોથી ડિલેવરી બોય તરીકે નોકરી કરે છે, ઉપરાંત તે વેર હાઉસમાં 70 જેટલાં કર્મચારી કામ કરે છે. તેમાંથી 20 કર્મચારી પાસે ઓફિસમાં રહેલ તિજોરીના ઓટીપી પાસવર્ડ રહેતાં હોય છે. જેમાં તસ્કરી કરનાર શખ્સ પાસે પણ તેના ઓટીપી પાસવર્ડ હતાં. પોતે છેલ્લા ત્રણ માસથી પગાર ઘરે આપ્યો ન હતો. જેથી પૈસાની ખેંચ આવતાં ચોરી કરી હોવાની તસ્કરે કબુલાત આપી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.