રાજકોટ જી.ટી.શેઠ સ્કુલ ખાતે રોજગાર, શિક્ષણ અને માહિતી કચેરી દ્વારા માર્ગદર્શન સેમિનાર યોજાયો. - At This Time

રાજકોટ જી.ટી.શેઠ સ્કુલ ખાતે રોજગાર, શિક્ષણ અને માહિતી કચેરી દ્વારા માર્ગદર્શન સેમિનાર યોજાયો.


રાજકોટ શહેર તા.૨૩/૮/૨૦૨૪ ના રોજ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારના વિવિધ વિભાગો કાર્યરત છે. અને આ વિભાગો દ્વારા સમયાંતરે કારકિર્દી ઘડતર અંગે સેમિનાર યોજાતા રહે છે. જે અન્વયે રાજકોટની શ્રી જી.ટી.શેઠ સ્કુલ ખાતે પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને રોજગાર નિયામકની કચેરીના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો. વિદ્યાર્થીઓમાં શાળાકીય અભ્યાસની સાથે સાથે કારકિર્દી ધડતર અંગે જાગૃતિ આવે તે હેતુથી આ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી રાજકોટના શાળા સલાહકાર ભાવનાબેન ભોજાણીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી વિદ્યાર્થીઓ પોતાને ગમતા ક્ષેત્રે આગળ વધે તે માટેના અભ્યાસક્રમ પસંદ કરવા જણાવી વિદ્યાર્થીઓએ કલ્પનાશક્તિ, ઈચ્છાશકિત, આત્મવિશ્વાસ, ધીરજ, મહેનત જેવા ગુણો વિકસાવવા જોઈએ તેમ કહ્યું હતું. તેમજ વિવિધ ક્ષેત્રોમાં આગવી સિદ્ધિ હાંસલ કરેલા મહાનુભાવોના ઉદાહરણ થકી વિદ્યાર્થીઓને પ્રેરક માહિતી આપી હતી. રાજકોટ રોજગાર કચેરીના રાજેશભાઈ ચૌહાણે વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પછી શું કરવું? કયા કયા રોજગાર માટે ક્યા ક્ષેત્રો છે ? તેમજ એપ્લોયમેન્ટ કાર્ડ કઢાવવાની પ્રક્રિયા સહીત સરકારની શિષ્યવૃત્તિ સંબધિત માહિતી પી.પી.ટી.ના માધ્યમથી આપી હતી. ઉપરાંત વિદેશમાં અભ્યાસ માટે વિઝા, પાસપોર્ટ વિશે ચર્ચા કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેઓએ UPSC, GPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના માહિતી મદદનીશ રિધ્ધિબેન ત્રિવેદીએ વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્ય ઘડતર અને કારકિર્દી અંગેના જરૂરી પ્રશ્નો પૂછીને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જગાવ્યો હતો. વધુમાં તેઓએ વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી માટે જોયેલા સ્વપ્નોને સાકાર કરવા વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોનો સંતોષકારક જવાબ આપી વિદ્યાર્થીઓને "મનોરંજન સાથે માહિતી" આપી હતી. ઉલ્લેખનીય છે કે, સ્કુલની લાઈબ્રેરી સમૃધ્ધ બને તે માટે ગુજરાતના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા પ્રકાશિત થતું ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર તેમજ આદિવાસી સંસ્કૃતિ, આદિવાસીની ઓળખ, ચાંદો ઉગ્યો ચોકમાં, વંચિતોનો વિકાસ સહિતનું પ્રકીર્ણ સાહિત્ય આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સ્કુલના પ્રિન્સિપાલ ભાવેશભાઈ દવે અને સતીષભાઈ તેરૈયા, રોજગાર કચેરીના કર્મચારી હમીરભાઈ ચૌહાણ, શિક્ષકઓ અને ૩૦૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.