કસીનો આઈડીના બાકી રૂા.64.50 લાખ કઢાવવા સ્મિત સખીયા અને રવિ વેકરીયાએ યુવાનના લમણે બંદૂક રાખી ધમકી આપી - At This Time

કસીનો આઈડીના બાકી રૂા.64.50 લાખ કઢાવવા સ્મિત સખીયા અને રવિ વેકરીયાએ યુવાનના લમણે બંદૂક રાખી ધમકી આપી


પેડકરોડ પર રહેતા ચાંદીના ધંધાર્થી યુવાનને ઉતમ વિરડીયા નામના મોબાઈલ શોરૂમના સંચાલકે રૂપિયા કમાવવાની લાલચ આપી મોબાઈલ ફોનમાં એપ મારફતે કસીનો ગેમ રમાડી રૂપિયા 1.37 કરોડની હારજીત કરી યુવાનની જીંદગી બગાડી નાંખી હતી. બાદમાં ઉતમ વિરડીયાએ કસીનો ગેમની એપના મૂળ સંચાલક સ્મિત સખીયા અને રવિ વેકરીયાને બાકી રૂપિયા 64.50 લાખનો હવાલો આપ્યો હતો.
બાદમાં બંને શખ્સોએ વેપારી યુવાન અને તેના પિતાને મોકાજી સર્કલ પાસે આવેલ ઓફિસે બોલાવી યુવાનને લમણે બંદૂક રાખી પૈસા તો આપવા જ પડશે નહીતર જીવથી હાથ ધોઈ બેસશો તેમ ધમકી આપી હતી. પોલીસ શરણે ગયેલા યુવાનને ક્રાઈમ બ્રાંચે ફરિયાદ લઈ ત્રણેય શખ્સોની ધરપકડ કરી હતી.
બનાવ અંગે પેડકરોડ પર શ્રીજી આઈસ્ક્રીમની બાજુમાં રહેતા પ્રિન્સ મનોજભાઈ ઠુમર (ઉ.વ.24) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ઉતમ અશોક વિરડીયા (રહે.પ્રણાલી પાર્ક શેરી નં.2, 40 ફુટ રોડ, ઓમનગર સર્કલ) સ્મિત કીશોર સખીયા (રહે. ન્યુ માયાણીનગર શેરી નં.2, મવડી મેઈન રોડ) અને રવિ રમેશ વેકરીયા (રહે. સરદારનગર-2, મવડી મેઈન રોડ)નું નામ આપતા ક્રાઈમ બ્રાન્ચે આઈપીસી કલમ 386, 506(2), 114 અને આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમના માતા-પિતા સાથે રહે છે અને આર્યનગર શેરી નં.14માં ખોડીયાર સિલ્વર નામે આવેલ દુકાનમાં પિતા સાથે ચાંદીકામ કરે છે. દોઢેક વર્ષ પહેલા અમીન માર્ગ પર આવેલ આઈફોન એરા નામના શોરૂમમાં તેમના મિત્ર નૈવિક બાસીડા સાથે મોબાઈલ ફોન લેવા માટે ગયો હતો. જેથી તેને દોઢેક વર્ષથી તે ઓળખે છે.
ઉતમ પાસેથી ત્રણ થી ચાર મોબાઈલ લીધેલ જેથી તેમની સાથે ઓળખાણ થઈ ગયેલ અને નવેક મહિના પહેલા તેમની પાસેથી એક આઈફોન લીધેલ હતો. થોડા દિવસ પછી આઈફોનની ડિસ્પ્લેમાં પ્રોબ્લેમ થયેલ જેથી તેમની દુકાને મોબાઈલ ફોન રિપેર કરાવવા માટે મુકીને આવેલ બાદ મોબાઈલ ફોન લેવા ગયેલ હતો.

ઉત્તમે જાળ બિછાવવાની શરૂઆત કરી
ત્યારે ઉતમે કહેલ કે તુ મોબાઈલમાં ગેમ રમ તને તેમા રૂપિયા મળશે તેમ કહી તેના મોબાઈલ માં કસીનો ગેમ રમવાનું કહેલ અને તેમાં રૂપિયા મળશે. તેમ સમજાવેલ બાદમાં તેમના મોબાઈલમાંથી આઈડી અને પાસવર્ડ સ્નેપચેટ મારફતે મોકલેલ અને તે યુવાને પોતાના ફોનમાં આઈડી ખોલેલ હતી.
ત્યારે ઉતમે કહેલ કે હું તને અત્યારે પાંચ લાખની બેલેન્સ નાંખી આપુ છું અને તેમાં તું રમશે અને તેમાં હાર-જીત થાય તેનો હિસાબ દર અઠવાડીયે કરીશું તેમ કહી આઈડી આપેલ હતી. બાદમાં યુવાને ગેમ રમવાનું શરૂ કરતા પહેલા અઠવાડીયામાં જ રૂા.પાંચ લાખ હારી ગયેલ હતો. જેથી તે રૂપિયા યુવાને કારખાનાના હિસાબમાંથી તેમના પિતાની જાણ બહાર કાઢીને ઉતમને કુવાડવા રોડ પર રોકડા આપેલ હતા. બાદમાં યુવાને ગેમ રમવાની ના પાડેલ હતી.
બાદમાં ઉતમે કહેલ કે હું તને બીજી આઈડી આપુ છું તેમાં રમજે જેથી તું જે રૂપિયા હારી ગયેલ છો તે રીકવર થઈ જશે જેથી વિશ્ર્વાસમાં આવી ગયેલ અને ઉતમે બીજી આઈડી રૂપિયા 5 લાખની આપેલ હતી. બાદમાં ફરિવાર યુવાને કસીનો ગેમ્સ રમવાનું શરૂ કરેલ અને દર અઠવાડીયે હાર-જીતનો હિસાબ કરતા હતા. યુવાને આઈડીમાં ચારથી પાંચ મહિના દરમ્યાન રૂા.1.37 કરોડની હારજીત થયેલ હતી. જેમાં ઉતમને રૂા.71.50 લાખ આપેલ હતા.
જેમાં રોકડા રૂપિયા 47 લાખ કટકે કટકે ઉતમને કુવાડવા રોડ પર આપેલ હતા. તેમજ રૂા.23.50 લાખ ઉતમના કહેવાથી તેમના માણસ આશીષ બાબરીયાના નામથી પાર્થ સખીયાને આંગડીયા મારફતે આપેલ હતા.
તેમજ અગાઉ ઉતમના કહેવાથી તા.28-11-23ના રૂા.1 લાખ અનિલ કોટક નામના શખ્સને ગુગલ પે કરેલ હતા. તેમજ યુવાન રૂપિયા જીતેલ હતો તે ઉતમે કટકે કટકે કુલ રૂા.36 લાખ પરત આપેલ હતા. તેમજ આઈડીમાં તે હારી ગયેલ રૂા.29.50 લાખ ઉતમને આપવાના બાકી હતા. બાદમાં યુવાને ગેમ્સ રમવાની ના પાડેલ છતાં કહેલ કે તુ રમવાનું ચાલુ રાખ તું જીતીશ એટલે તારે રૂપિયા આપવા નહી પડે તેમ કહી ફરીવાર વિશ્ર્વાસમાં લીધો હતો.
આ સમય દરમ્યાન ઉતમે આઈડી આપેલ હતી જેમાં તેઓએ કસીનો ગેમ્સ રમેલ તેમાં કટકે કટકે રૂા.35 લાખ હારી ગયેલ હતા. જે બાબતના ઉતમને કુલ રૂા.71.50 લાખ આપેલ હોય તેમ છતાં યુવાન પાસે રૂા.64.50 લાખની કડક ઉઘરાણી કરતો હતો. બાદમાં રૂા.11 લાખ ઉતમને રોકડા આપેલ હતા તે અંગે તેનો ફોન આવેલ હતો કે એક બંડલમાં રૂા.12 હજાર ઓછા છે.
જેથી તેને મોબાઈલ ફોનમાંથી રૂપિયાના બંડલનો વિડીયો મોકલેલ અને એક બંડલમાં રૂપિયા ઓછા દેખાતા હોય તેવું જોવા મળ્યું હતું. યુવાન કસીનો આઈડીમાં હારી ગયેલ રૂા.64.50 લાખ ઉતમને આપવાના બાકી હતા તે ઉઘરાણી કરતો હોય જેથી તેને કહેલ કે હાલ મારી પાસે કોઈ રૂપિયા નથી તેમ કહેતા ઉતમે કહેલ કે વાંધો નહી હું રવિ વેકરીયાને લઈને કારખાને આવુ છુ તેમ કહીને ધમકી આપી હતી.
જેથી સમગ્ર બનાવ અંગે યુવાને તેમના પિતાને જાણ કરેલ હતી. બાદમાં તેમના પિતાએ ઉતમ સાથે ફોન કરીને વાત કરેલ ત્યારે તેને રૂપિયા તો આપવા જ પડશે તેમ વાત કરેલ હતી. ગઈ તા.25/1/24ના રાત્રીના સમયે યુવાન કારખાને હતો ત્યારે તેમના પિતા મનોજભાઈ અને કૌટુંબિક મામા ખોડાભાઈ કારખાને આવેલ અને તેના પિતાએ કહેલ કે ઉતમ અને રવિ વેકરીયા આવેલ હતા અને ઉતમે કહેલ કે હવે તમારે રૂપિયા 64.50 લાખ રવિ વેકરીયા અને સ્મિત સખીયાને આપવાના છે.
જેથી તેને યુવાનના પિતાએ કહેલ કે મારા દિકરાને ગેમ્સ રમવા માટે આઈડી તમે આપેલ હતી જે કાંઈ વહીવટ થયેલ છે તે તમારી સાથે થયેલ છે. રવિને અમે ઓળખતા નથી તો રવિએ કહેલ કે ભલે મારી સાથે વહીવટ થયેલ ન હોય પરંતુ તે રૂપિયાનો હવાલો હવે મે અને સ્મિત સખીયાએ લીધેલ છે અને અમે જેનો હવાલો લઈએ છીએ તેને મુકતા નથી.
તમારે રૂપિયા આપવા જ પડશે તેમ કહી ધમકી આપેલ અને કહેલ કે તમે રૂપિયા નહી આપો તો બજારમાં રહેવું અઘરુ પડી જશે. તમને ત્રણ દિવસનો સમય આપુ છું. અમારી ઓફિસ મોકાજી સર્કલ, શાશ્વત કોમ્પ્લેકસમાં ચોથા માળે આવેલ છે ત્યાં રૂપિયા લઈને આવી જજો તેમ કહી ધમકી આપી જતા રહ્યા હતા.
બે દિવસ બાદ યુવાન અને તેના પિતા રવિ વેકરીયાની ઓફીસે ગયેલ જયાં રવિ અને સ્મિત સખીયા હાજર હતા જેમને કહેલ કે અમારી પાસે આ રૂપિયાની કોઈ સગવડતા થઈ શકે તેમ નથી. તેમ કહેતા રવિ ઉશ્કેરાઈ ગયેલ કે તમે અમને ઓળખતા નથી. અમે જેનો હવાલો લઈએ છીએ તે રૂપિયા કઢાવીને રહીએ છીએ. તમારે પણ રૂપિયા આપવા જ પડશે તેમ કહી ધમકી આપી હતી. તે દરમ્યાન ઉતમ ચા લઈને આવેલ અને ચા આપીને જતો રહેલ હતો.
દરમ્યાન ત્યાં હાજર સ્મિત સખીયાએ તેની પાસે લાયસન્સવાળી રિવોલ્વર હોય તે કાઢીને યુવાનના માથા પર રાખેલ અને ધમકી આપેલ હતી કે જો રૂપિયા નહી આપે તો જાનથી મારી નાખશું આટલી વાર લાગશે તેમ ધમકી આપેલ હતી. જેથી ભયભીત થયેલ યુવાનના પિતાએ કહેલ કે બે-ચાર દિવસનો સમય આપવા આજીજી કરતા કહેલ કે બે-ત્રણ દિવસમાં સગવડતા કરીને રૂપિયા આપી જવાનું કહ્યું હતું.
ત્યારબાદ યુવાનના પિતાએ સમાજના આગેવાનને વાત કરતા તેઓએ હિંમત આપેલ અને આરોપીઓની વિરુદ્ધમાં ફરિયાદ કરવાનું કહેતા ગઈ તા.9-4ના તાલુકા પોલીસ મથકમાં અરજી આપેલ હતી અને તે અરજીની તપાસ પીએસઆઈ ગઢવી અને જમાદાર મહેશ મંઢને સોંપવામાં આવેલ હતી. ત્યારબાદ ગઈ તા.12-5ના અમીનમાર્ગ પર આવેલ સંતોષ લોન્ડ્રીએ યુવાન તેના ભાઈ અને મિત્ર સાથે બેઠો હતો.
ત્યારે કાળા કલરની ફોર્ચ્યુનર ગાડી નં.જી.જે.03-એનએફ-1 લઈને સ્મિત સખીયા આવેલ અને ધમકી આપેલ કે અમારી વિરુદ્ધમાં અરજી કરેલ છે પણ તારે રૂપિયા તો આપવા જ પડશે તમને છોડવાના નથી અને બજારમાં રહેવા નહી દઈએ તારા બાપને પણ કહી દેશે કે રૂપિયા અમારા નહી આપો તો જીવતા નહી રહેવા દઈએ તેમ ધમકી આપીને જતો રહ્યો હતો જેથી તેને ભય લાગતા કોઈ ફરિયાદ કરેલ ન હતી. બાદમાં તેમને જાણવા મળેલ કે તેમના પિતા અને અરજીની તપાસ કરતા પોલીસકર્મી વિરુદ્ધ આરોપીએ પોલીસ કમિશ્નરને અરજી કરેલ હતી.
જેથી કુખ્યાત બન્ને શખ્સથી કંટાળીને ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગોંડલીયા અને ટીમે મોડીરાત્રે સ્મિત સખીયા, રવિ વેકરીયા અને ઉતમ વિરડીયાની ધરપકડ કરી સરભરા કરી હતી.
સ્મિત સખીયા અને રવિ વેકરીયાનો ભોગ બનનાર પ્રિન્સ ઠુમર રાજકોટના પુર્વ ધારાસભ્ય અને પુર્વ મંત્રી અરવિંદભાઈ રૈયાણીનો કૌટુંબિક ભાણેજ થાય છે જે મામલે અરવિંદભાઈ રૈયાણીએ પણ મધ્યસ્થી કરી હતી ત્યારે બેલડીએ તેમને પણ ધમકાવી દબાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે નેતાએ જણાવ્યું હતું કે યુવાનને બચાવવા માટે મારે કરોડો રૂપિયા વાપરવા પડશે તો વાપરીશ પણ યુવાનોની જીંદગી બગડવા નહી દઉ અને પોલીસ કમિશ્નરને બનાવની વાસ્તવિકતા જણાવી બેલડી વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવવા મદદ કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.