કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલ નુકસાનનો ગ્રામસેવક દ્વારા સર્વે હાથ ધરાયો, અમુક ખેતરોમાં આડા પડી ગયેલા ઘઉં પણ ફરીથી ઉગવા લાગ્યા
જસદણ પંથકમાં પડેલા કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલ નુકસાનનો ગ્રામસેવક દ્વારા સર્વે હાથ ધરાયો, અમુક ખેતરોમાં આડા પડી ગયેલા ઘઉં પણ ફરીથી ઉગવા લાગ્યા છે.
- ઘઉં, ચણા, ધાણા, જીરૂ, એરંડા સહિતના પાકોને ભારે નુકસાન પહોંચતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા.
- કમોસમી વરસાદના લીધે જસદણ, આટકોટ, જંગવડ, વિરનગર, શિવરાજપુર, પાંચવડા સહિતના અનેક ગામોના ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું હતું
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં બે દિવસ સુધી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. ત્યારે ગ્રામસેવક દ્વારા જસદણ પંથકના જે ગામોમાં કમોસમી વરસાદના લીધે નુકસાન થયું હતું તેવા ગામોમાં પ્રાથમિક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે સર્વેમાં જસદણ શહેર અને પંથકના ખેડૂતોને ઘઉં, ચણા, ધાણા, જીરૂ, એરંડા જેવા પાકોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. હાલ જસદણ પંથકના નુકસાન ગ્રસ્ત ગામોમાં ગ્રામસેવક દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ખેડૂતોના ખેતરોમાં જઈને પાક નુકસાનનો પ્રાથમિક સર્વે કરીને જિલ્લા ખેતી વાડીમાં રીપોર્ટ મોકલશે. કમોસમી વરસાદના લીધે જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના જસદણ, આટકોટ, જંગવડ, વિરનગર, શિવરાજપુર, પાંચવડા સહિતના અનેક ગામોના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. આ વખતે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં હજારો વીઘા જમીનમાં શિયાળુ પાકનું વાવેતર થયું હતું અને ખેડૂતોએ સારું ઉત્પાદન મેળવવા માટે મોંઘા ભાવના દવા-બિયારણ સહિતના અનેક ખર્ચાઓ કર્યા હતા. શિયાળુ વાવેતર કરતી વખતે ખેડૂતોને આશા હતી કે તેમને સારું ઉત્પાદન મળશે અને સારી એવી આવક પણ થશે. જોકે ખેડૂતોની આ આશા પર બે દિવસ વરસેલા કમોસમી વરસાદે પાણી ફેરવી દેતા ખેડૂતોનો તૈયાર પાક માર્કેટિંગ યાર્ડમાં પહોંચે તે પૂર્વે જ વિનાશ તરફ ધકેલાઈ ગયો હતો. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જસદણ શહેર અને પંથકના ખેડૂતોના પાકને થયેલા નુકસાનને લઈને સર્વેની કામગીરી કરવા માટે ગ્રામસેવકને આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ જસદણ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના જંગવડ અને આટકોટ સહિતના ગામોમાં નુકસાન થયેલા પાકોની પ્રાથમિક સર્વે કામગીરી ગ્રામસેવકો દ્વારા હાથ ધરવામાં આવી હતી અને તે નુકસાનીનો તમામ રીપોર્ટ જિલ્લા ખેતી વાડી શાખામાં મોકલશે તેવું જાણવા મળ્યું હતું.
મેં બે દિવસ પહેલા જ રાજકોટ ખેતીવાડી શાખાના અધિકારીને સર્વે કામગીરી કરવા માટે રજૂઆત કરી હતી: ધીરૂભાઈ ભાયાણી-ખેડૂત અગ્રણી,જસદણ.
જસદણ શહેરમાં જે ખેતીની જમીન છે તેમાં ઘઉં અને ચણાને વિપુલ પ્રમાણમાં નુકસાન થયેલું છે. સતત ત્રણ દિવસ કમોસમી વરસાદ પડતા ખેડૂતોના તૈયાર થયેલા ઘઉં, ચણા, જીરૂ સહિતના પાકોનો સોંથ વળી ગયો હતો. જસદણ શહેર અને સીમ વિસ્તારમાં ખાસ કરીને ઘઉં અને ચણાને વધારે નુકસાન થયેલ છે અને ભારે પવન સાથે પડેલા વરસાદના લીધે ઘઉં સહિતના પાકો આડા પડી ગયા હતા. આડા પડેલા ઘઉં પણ અત્યારે જમીનમાં ઉગવા લાગ્યા છે. જેથી ગ્રામસેવક દ્વારા જસદણ શહેરની સીમ જમીનમાં વહેલી તકે સર્વે કામગીરી હાથ ધરી ખેડૂતોને યોગ્ય સહાય ચુકવવામાં આવે એવી માંગ છે. આ અંગે મેં ગત તા.7 ના રોજ રાજકોટ ખેતીવાડી શાખાના અધિકારી સોજીત્રા સાહેબને ટેલીફોનીક રજૂઆત કરેલ એટલે તેઓએ અમે તાત્કાલિક સર્વે કામગીરી કરીશું તેવી ખાતરી આપી હતી.
ચણા, જીરૂ, ઘઉં, લસણ, ધાણા આવા પાકોનું ખેતરોમાં લણવાનું કામ ચાલુ હતું ત્યારે જ વરસાદ પડ્યો: જીતેન્દ્રભાઈ કુવાડીયા-જંગવડ ગામના ખેડૂત.
છેલ્લા ત્રણ-ચાર દિવસથી જે કમોસમી વરસાદનું આગમન થતા ખેડૂતોને મોટાપાયે નુકસાની થઈ છે. જેમાં ચણા, જીરૂ, ઘઉં, લસણ, ધાણા આવા પાકોનું ખેતરોમાં લણવાનું કામ ચાલુ હતું. ત્યાં કમોસમી વરસાદ પડતા જેના કારણે અમારે ઘણી નુકસાની થઈ છે. હાલ અમારા ગામમાં ગ્રામસેવક દ્વારા નુકસાનીના સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. અમારી એવી માંગણી છે કે અમારે જે નુકસાની થઈ છે તેનું સરકાર દ્વારા વહેલી તકે વળતર ચુકવવામાં આવે તો અમારે ખેડૂતોને થોડીક રાહત થાય.
અમુક ગામોમાં વધારે નુકસાની જોવા મળી રહી છે: રમેશભાઈ રોજાસરા-ગ્રામસેવક,ખેતીવાડી વિભાગ.
હાલ અમે છેલ્લા બે દિવસ જે કમોસમી વરસાદ થયેલો તેમાં અમુક ગામોમાં વધારે પડતો વરસાદ પડતા ખેડૂતોના રવી પાક જેવા કે ઘઉં, ચણા, ધાણા વગેરેને વધારે નુકસાની થયેલ હોવાનું ધ્યાને આવેલ છે. હાલ અમારી ટીમ દ્વારા નુકસાનીની સર્વે કામગીરી કરવામાં આવી રહી છે. જસદણ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં કમોસમી વરસાદ થયેલો છે. જેથી અનેક ગામોમાં હાલ સર્વે કામગીરી ચાલુ છે અને આગામી દિવસોમાં અન્ય ગામોમાં પણ સર્વે કામગીરી કરવા માટે જવાના છીએ.
રિપોર્ટર નરૅશ ચૉહલીયા જસદણ
મૉ 9662480148
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.