‘હાંસિયામાં રહેલા લોકોના હિતમાં સંવાદ નહીં સધાય તો ન્યાયનું મહત્વ નહીં રહે’
નવી દિલ્હી, તા. 20 ઓગસ્ટ 2022 શનિવારન્યાયને હંમેશા કોર્ટમાં જીત કે હાર અને કાયદાકીય ધોરણોના અમલ દ્વારા માપી શકાતો નથી. ગયા વર્ષે એક સમલૈંગિક કપલ વાળી 'કરવા ચોથ' ની જાહેરાતને પાછી ખેંચવાની ઘટનાનો ઉલ્લેખ કરતા સુપ્રીમ કોર્ટના જજ ધનંજય વાય ચંદ્રચૂડે કહ્યુ કે સુપ્રીમ કોર્ટ દ્વારા 2018માં સમલૈંગિકતાને ગુનાની શ્રેણીમાંથી બહાર કર્યા છતાં આવુ થયુ. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ કે જો લોકો હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂથોના હિત માટે યોગ્ય સંવાદ ચાલુ ના રાખે તો થયેલો ન્યાય પણ ટૂંક સમયમાં તેની પહેલાની સ્થિતિમાં પાછો આવી શકે છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ જજ જસ્ટિસ ચંદ્રચૂડે આઈએલએસ લો કોલેજ, પૂણેમાં જજ વાય વી ચંદ્રચૂડ સ્મારક વ્યાખ્યાનમાં 'ભારતમાં મધ્યસ્થતાનુ ભવિષ્ય' મુદ્દે જોર આપીને કહ્યુ કે કોર્ટની કાર્યવાહી સાર્વજનિક રીતે અધિકારોનો સાર્થક દાવો કરવાની એકમાત્ર રીત નથી. જોકે કોર્ટો હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂથોની રક્ષા માટે બંધારણીય અધિકારોનુ વિસ્તરણ કરે છે. પરંતુ જો લોકો અધિકારોના પક્ષમાં ના રહે તો કરવામાં આવેલો ન્યાય ટૂંક સમયમાં જ પહેલાની સ્થિતિમાં જઈ શકે છે. પ્રશ્ન એ છે કે શુ કોર્ટમાં અધિકારોનો દાવો કરવો જ ન્યાય મેળવવાની એકમાત્ર રીત છે.જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ કે માત્ર નવતેજ સિંહ જોહર મામલે સમલૈંગિકતાના અપરાધીકરણ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય જ એલજીબીટીક્યૂ સમુદાયના સભ્યોને તેમના અધિકારોનો અહેસાસ અપાવવા માટે પૂરતો નથી. તેમણે અફસોસ વ્યક્ત કરતા કહ્યુ કે નિર્ણયના ચાર વર્ષ બાદ કરવા ચોથ મનાવતા એક સમલૈંગિક કપલના ફેરનેસ ક્રીમની જાહેરાત આકરા વિરોધ બાદ હટાવી દેવાઈ. જસ્ટિસ ચંદ્રચૂડ ફેમ ક્રીમ બ્લીચ દ્વારા જારી એક જાહેરાતનો ઉલ્લેખ કરી રહ્યા હતા. જેમાં કરવા ચોથ મનાવતા એક સમલૈંગિક કપલને દર્શાવાયા હતા. સોશિયલ મીડિયા પર જાહેરાત વિરુદ્ધ સાર્વજનિક રોષ બાદ કંપનીએ આને હટાવી લીધી અને જનતાની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ બિનશરતી માફી માગી.તેમણે કહ્યુ મને લાગે છે કે ભારતમાં મધ્યસ્થતામાં સામાજિક પરિવર્તનને તે રીતે પ્રભાવિત કરવાની ક્ષમતા છે, જે કાયદા કરી શકતા નથી. આ હાંસિયામાં ધકેલાયેલા લોકોને સશક્ત બનાવે છે. ભારતમાં મધ્યસ્થતાનુ ભવિષ્ય છે. જસ્ટિસ ચંદ્રચુડે દેશમાં કોર્ટના તમામ સ્તરે મોટા પાયે પેન્ડિંગ કેસનો પણ ઉલ્લેખ કર્યો. ખાસ કરીને જિલ્લા અને તાલુકા કોર્ટમાં 4.1 કરોડ કરતા વધારે કેસ પેન્ડિંગ છે. જેને મધ્યસ્થતાથી ઉકેલી શકાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.