કોઠારીયા સોલવન્ટમાં સખી મંડળનાં આશાબેન પર હુમલો : વાહનમાં તોડફોડ
કોઠારીયા સોલવન્ટના ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા અને સખી મંડળ ચલાવતા વિધવા ઉપર લુખ્ખા શખ્સોએ હુમલો કરી વાહનોમાં તોડફોડ કરતાં ઘવાયેલા મહિલા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવની વધુ વિગતો મુજબ કોઠારીયા સોલવન્ટમાં આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા આશાબેન વિનોદભાઈ ગોહેલ નામનાં 42 વર્ષિય વિધવાએ જણાવ્યું હતું કે તેઓ અન્ય મહિલાઓ સાથે ઘર પાસે બેઠા હતા ત્યારે રાત્રિના સમયે યુવરાજ તેમના માણસો સાથે ધસી આવ્યો હતો અને ઘરથી દૂર બેસવાનું કહી બોલાચાલી કરી માર માર્યો હતો. તેમજ વધુ મારથી ઇજા થતાં પોતાને સિવિલ હોસ્પિટલે 108 મારફતે લઇ જતાં હતા ત્યારે પાછળથી તેના ઘર પાસે પાર્ક કરેલી પોતાની ઇકો ગાડી અને એક્ટીવામાં યુવરાજ અને તેના માણસોએ તોડફોડ કરી હતી. આશાબેને આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે યુવરાજ દારુ ઢીંચીને ઘર નજીક ખેલ કરતો હોય તેથી તેમને દૂર જવાનું કહેતા તેમણે માથાકૂટ કરી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે હાલ આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે આશાબેનનનું નિવેદન લેવા તેમજ સત્ય હકીકત જાણવા તજવીજ શરુ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.