પર્વતો પર રોનક:એપ્રિલ-મેમાં પર્વતો પર ગત વર્ષ કરતાં દોઢ ગણા વધુ પ્રવાસીઓ - At This Time

પર્વતો પર રોનક:એપ્રિલ-મેમાં પર્વતો પર ગત વર્ષ કરતાં દોઢ ગણા વધુ પ્રવાસીઓ


આ વખતે હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, સિક્કિમ, અરુણાચલ જેવાં પર્વતીય રાજ્યોમાં ગયા વર્ષની સરખામણીમાં દોઢ ગણા વધુ પ્રવાસીઓ આવ્યા છે. જ્યારે કેરળ, કર્ણાટક, તમિલનાડુ, એમપી, ગુજરાતનાં પ્રવાસન સ્થળોએ પારો 40 ડિગ્રીથી ઉપર છે. અહીં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. પહાડોમાં પ્રવાસીઓ વધવાનાં બે મોટાં કારણો છે. પ્રથમ- જાન્યુઆરીથી એપ્રિલની વચ્ચે હિમવર્ષા થઈ, જેના લીધે પર્વતોમાં મેદાનની સરખામણીએ તાપમાન 20 ડિગ્રી સુધી ઓછું રહ્યું. બીજું- માર્ચ અને એપ્રિલમાં 4થી 8 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થયાં. છેલ્લા બે મહિનામાં 2.5 લાખથી વધુ પ્રવાસીઓ કાશ્મીર પહોંચ્યા. ચાર ધામ યાત્રા સિવાય ઉત્તરાખંડનાં અન્ય પ્રવાસન સ્થળો પણ ભરચક રહ્યાં. હિમાચલના લેહ-મનાલી રોડ, સિક્કિમના લાચેન ગામ, થંગુ વેલી અને અરુણાચલના તવાંગમાં બરફ છવાયેલો છે. હિમાચલમાં પારો 22થી 28 ડિગ્રી અને તવાંગ અને લાચેનમાં 1થી 10 ડિગ્રીની વચ્ચે છે. આદિ કૈલાશ પર રેકોર્ડ તૂટશે...2023ના વર્ષમાં આવ્યા તેના ત્રીજા ભાગના માત્ર 20 દિવસમાં
ઉત્તરાખંડની ચારધામ યાત્રાની જેમ આ વખતે પિથોરાગઢ જિલ્લાની આદિ કૈલાશ યાત્રામાં પણ રેકોર્ડ તોડ પ્રવાસીઓ રહ્યા છે. 20 દિવસમાં 4 હજાર લોકોએ 14 હજાર ફૂટ ઉપર આવેલા આદિ કૈલાશ પર્વતની મુલાકાત લીધી છે. ગત વર્ષે 12 હજાર લોકો આવ્યા હતા. નાભિડાંગ સ્થિત ઓમ પર્વતની મુલાકાત લેનારા લોકોની સંખ્યા પણ એટલી જ રહી છે. એસડીએમ ધારચુલા મનજિત સિંહના જણાવ્યા અનુસાર આ વખતે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં 20 હજાર લોકો મુલાકાત લઈ શકે છે. આદિ કૈલાશ યાત્રા ખૂબ જ દુર્ગમ અને મુશ્કેલ છે, કારણ કે હવામાં ઓક્સિજનની માત્રા ઓછી હોવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.