બે માસમાં ગટરો છલકાવાની 34318 ફરિયાદો! - At This Time

બે માસમાં ગટરો છલકાવાની 34318 ફરિયાદો!


રાજકોટ, તા.2
મ્યુનિ. કોર્પોરેશનના કોલ સેન્ટરમાં ચોમાસાના જુલાઇ અને ઓગષ્ટ એમ બે મહિનામાં જુદા જુદા વિભાગોની 62 હજાર જેટલી ફરિયાદોનો ઢગલો થયો છે. તેમાં કાયમની જેમ ભૂગર્ભ ગટરો છલકાવવાની ડ્રેનેજ શાખાની 34 હજાર ફરિયાદો ટોચ પર છે તો રોશની અને સફાઇ વિભાગની ફરિયાદો પણ આ સમયમાં ખુબ વધુ નોંધાઇ છે.
સૌથી વધુ વરસાદવાળા જુલાઇ માસની વાત કરીએ તો તા.1-7થી તા.31-7 સુધીમાં ભૂગર્ભ ગટર ચોકઅપ અને ઓવરફલો થવાની 18530 તથા ડ્રેનેજ મેન્ટેનન્સની 1529 ફરિયાદ આવી હતી. આ વિભાગની કુલ ફરિયાદનો આંકડો 20059 પર પહોંચ્યો હતો. આ સિવાય રોશની વિભાગની સ્ટ્રીટ લાઇટ સહિતની પરપર અને સફાઇને લગતી સોલીડ વેસ્ટ શાખાની 3754 ફરિયાદો પણ નોંધાઇ હતી. ભારે વરસાદના મહિનામાં પણ પાણી ન મળવા, ઓછું મળવા, દુષિત સહિતની 1634 ફરિયાદો નાગરિકોએ કરી હતી.
આ સિવાય પશુના ત્રાસની 205, ખાડા સહિત બાંધકામ શાખાની 205, મૃત પશુ ઉપાડવાની 466 ફરિયાદ કોલ સેન્ટર (0281- 2450077)માં આવી હતી. બે દિવસ પહેલા પૂરા થયેલા ઓગષ્ટ માસમાં એકંદરે ફરિયાદનો આંકડો ઘટયો છે. વરસાદ ઘટવા સાથે ડ્રેનેજ સહિતની ફરિયાદોમાં થોડો ઘટાડો નોંધાયો હતો. આ મહિનામાં કુલ નોંધાયેલી 14259 ફરિયાદમાં પણ સૌથી વધુ રાવ ડે્રેનેજ જામ થવાની 13300 અને ડ્રેનેજ મેન્ટેનન્સની 959 આવી હતી.
આ સિવાય સ્ટ્રીટ લાઇટને લગતી 3895, સફાઇને લગતી સોલીડ વેસ્ટ શાખાની 3061, પાણી પુરવઠાને લગતી 1704 ફરિયાદ આવી હતી. જુલાઇ કરતા ઓગષ્ટમાં વોટર વર્કસની ફરિયાદમાં સામાન્ય વધારો થયો હતો. આમ બે માસમાં ભૂગર્ભ ગટરની 34318 ફરિયાદો આવી હતી. જેમાંથી લગભગ તમામ ફરિયાદનો નિકાલ થયો છે. ઓગષ્ટમાં મૃત પશુ ઉપાડવાની 685, બાંધકામ શાખાની 1188, ગાર્ડન શાખાની 219, ટીપી શાખાની 203 ફરિયાદો મનપામાં નોંધાઇ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.