જીવન પછી પણ અન્ય લોકોને કામ આવીએ નેત્રદાન કરીને મહાદાનનું ફળ પ્રાપ્ત કરીએ - At This Time

જીવન પછી પણ અન્ય લોકોને કામ આવીએ નેત્રદાન કરીને મહાદાનનું ફળ પ્રાપ્ત કરીએ


નેત્રદાન પખવાડિયાની ઉજવણી: જાણો નેત્રદાન એટલે શું? કોણ કોણ કરી શકે છે નેત્રદાન?

મૃત્યુ બાદ નેત્રદાનની માનવતાભરી ભેટ દ્વારા અંધજનોનાં જીવનને
રોશની તરફ લઈ જવાનું ઉમદા કાર્ય એટલે ચક્ષુદાન

નેત્રદાનને મહાદાન કહેવામાં આવે છે કારણ કે આ દાનથી અંધવ્યક્તિના જીવનમાં પ્રકાશ લાવી શકાય છે. નેત્રદાનનાં મહત્વ વિશે જન જાગૃતિ લાવવા અને મૃત્યુ પછી આંખોનું દાન કરવા માટે લોકોને શપથ લેવા પ્રેરિત કરવાના હેતુથી આપણાં દેશમાં સરકારશ્રી દ્વારા દર વર્ષે 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે આપણે જાણીશું કે નેત્રદાન એટલે શું અને તે કેવી રીતે કરી શકાય?
નેત્રદાન એટલે શું ?

મૃત્યુ બાદ કરવામાં આવતા આંખના દાનને નેત્રદાન કહેવામાં આવે છે. ચક્ષુદાનથી પ્રાપ્ત થયેલા નેત્રનો ઉપયોગ કીકીનાં અંધાપાથી પીડાતા દર્દીઓને કીકી પ્રત્યારોપણનાં ઓપરેશન માટે કરવામાં આવે છે. ચક્ષુદાનની પ્રક્રિયા ફક્ત ૧૫થી ૨૦ મિનિટ માં જ પૂર્ણ થઈ જાય એટલી સરળ છે. જેનાથી દાતાનાં ચહેરા ઉપર કોઈ વિકૃતિ આવતી નથી તેમજ તેથી મૃતદેહની અંતિમ ક્રિયામાં કોઈ અડચણ કે વિલંબ પણ થતો નથી.

ચક્ષુદાન કેવી રીતે કરી શકાય? તે માટે શું કરવું ?

ચક્ષુદાન દાતાનાં મૃત્યુ બાદ લગભગ ૬ કલાકની અંદર થવું જરૂરી છે. મૃત્યુ પછી ચક્ષુદાન માટે ચક્ષુબેંક અથવા નજીકના આંખના ડોક્ટર ને જાણ કરવાથી તુરત ચક્ષુદાન લેવા માટે વ્યવસ્થા થઈ જાય છે. મૃત્યુ બાદ દાતાની બન્ને આંખો કાળજીપૂર્વક બરાબર બંધ કરી, રૂનાં ભીનાં પોતાં મૂકવા. ચક્ષુદાતાનું માથું બે ઓશીકા ઉપર ટેકવી અધ્ધર રાખવું. શક્ય હોય તો ફેમિલી ડોક્ટર પાસેથી મૃત્યુનું પ્રમાણપત્ર તૈયાર રાખવું જેથી આગળની પ્રક્રિયા સરળ બને.
ચક્ષુદાન કોણ કરી શકે ?

જે વ્યક્તિની આંખોનું પારદર્શક પટલ કોર્નિયા સારો હોઈ તે દરેક વ્યક્તિ ચક્ષુદાન કરી શકે છે. કોઈપણ ઉંમરની વ્યક્તિ, બાળકની વૃદ્ધ સુધીનાં બધાં જ લોકો ચક્ષુદાન કરી શકે છે. કોઈપણ વ્યક્તિ ચશ્મા પહેરતી હોય કે મોતિયો ઉતરાવેલો હોય કે તે પ્રકારની અન્ય શસ્ત્રક્રિયા કરાવેલી હોય કે ડાયાબિટીસ કે બ્લડપ્રેશરથી પીડાતી હોય તો તે પણ ચક્ષુદાન કરી શકે છે. ગમે તે બ્લડગ્રુપ ધરાવતી કે ગમે તે ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિ કે જાતિની વ્યક્તિ ચક્ષુદાન કરી શકે છે. ચક્ષુદાન કર્યા બાદ એ ચક્ષુઓ આપનાર અને મેળવનારની ઓળખ ખાનગી રાખવામાં આવે છે.

આ રોગથી પીડાયેલા મૃતકોના ચક્ષુદાન નથી થઈ શકતા:

કેન્સરના રોગી, એચઆઇવી સંક્રમિત અને હિપેટાઇટિસ-બીથી પીડિત મૃતકનાં ચક્ષુઓનું દાન થઈ શકતું નથી.મૃત્યુ પછી નેત્રદાનની માનવતા ભરી ભેટ દ્વારા અંધજનોને દ્રષ્ટિ પ્રદાન કરવાનો મહામંત્ર આપણને વિજ્ઞાને આપ્યો છે. અન્ય જરૂરીયાતમંદ વ્યક્તિના જીવનને અંધકારથી રોશની તરફ લઈ જવા માટે ચક્ષુદાન ઉમદા દાન છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.