AIના પ્રભાવ વચ્ચે દેશ-દુનિયા સાથે તાલ મિલાવવા યુવાનોમાં વાંચન- સર્જનાત્મકતા જરૂરી : -યુવા- સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમાર - At This Time

AIના પ્રભાવ વચ્ચે દેશ-દુનિયા સાથે તાલ મિલાવવા યુવાનોમાં વાંચન- સર્જનાત્મકતા જરૂરી : -યુવા- સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમાર


*‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમમાં પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ અને જાણીતા લેખક શ્રી ભવેન કચ્છીએ તેમની વાચકથી સર્જક સુધીની યાત્રા સાજા કરી*
..........................
*ગાંધીનગર ખાતે ગુજરાત પ્રેસ અકાદમી- ગ્રંથાલય નિયામકના ઉપક્રમે પ્રથમવાર ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો*
..........................
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AIના પ્રભાવ વચ્ચે સમાજ, દેશ- દુનિયા સાથે તાલ મિલાવવા યુવાનોમાં વિવિધ વાંચન અને સર્જનાત્મકતા જરૂરી છે. AIના યુગમાં આપણે સર્જન શક્તિથી દૂર થઈ રહ્યા છીએ ત્યારે વિવિધ વાંચન જ બાળકો તેમજ યુવાનોને તેમના મૂળ-સંસ્કારો સાથે જોડી રાખશે તેમ, આજે ગાંધીનગર ખાતે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારે જણાવ્યું હતું.

ગુજરાત પ્રેસ અકાદમી અને ગ્રંથાલય નિયામકના સંયુક્ત ઉપક્રમે આજે નવતર પહેલના ભાગરૂપે પ્રથમવાર ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ સરકારી જિલ્લા પુસ્તકાલય, સેક્ટર-૨૧, ગાંધીનગર ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત સાહિત્યકાર - પદ્મશ્રી ડૉ.કુમારપાળ દેસાઈ અને વરિષ્ઠ કોલમિસ્ટ શ્રી ભવેન કચ્છીએ તેમની સર્જક તરીકેની સફળ યાત્રાના અનુભવો સાહિત્યપ્રેમીઓ-શ્રોતાઓ સાથે સાજા કર્યા હતા.
વાંચનનો અનોખો શોખ ધરાવતા અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારે કહ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોમાં વાંચનનો શોખ વધે તેવા ઉમદા હેતુથી વર્ષ ૨૦૧૦માં ગુજરાતમાં પ્રથમવાર ‘વાંચે ગુજરાત’ અભિયાન શરૂ કર્યું હતું. આ સફળ અભિયાનને આગળ વધારતા આગામી સમયમાં રાજ્યમાં ‘વાંચે ગુજરાત અભિયાન’ ૨.૦ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. મોબાઇલની દુનિયામાં વાંચનનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે બાળકો-યુવાનોમાં વાંચનનો શોખ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા મથકોએ આધુનિક ગ્રંથાલયોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ટેકનોલોજીના યુગમાં ઓડિયો દ્વારા પણ સારા પુસ્તકો સાંભળીને વાંચી શકાય છે તેવા તેમના પોતાના અનુભવો પણ આ પ્રસંગે શેર કર્યા હતા. સ્પર્ધાત્મક પરીક્ષામાં વિવિધ વિષયોનું વાંચન જ વિદ્યાર્થીને સફળતા અપાવે છે તેમ, તેમણે જણાવી આ સંવાદના અનોખા આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

માહિતી નિયામક શ્રી કે. એલ.બચાણીએ આ પ્રસંગે એક જ છત નીચે ઉપસ્થિત વાચક, વાહક, સાધક, લેખક અને સર્જકોને આવકારતા કહ્યું હતું કે, ઋગ્વેદમાં પણ ઉલ્લેખ છે કે, ‘હે પ્રભુ ચારેય દિશામાંથી અમારા માટે ઉત્તમ વિચારો વહેતા રહે'. સારા પુસ્તકો પ્રસિદ્ધ થાય છે પણ તેના સર્જક-લેખકને આ સુંદર પુસ્તકો લખવાનો વિચાર ક્યાંથી- કેવી રીતે આવ્યો ? તેના માટે આજે આ ‘સર્જક સાથે સીધો સંવાદ’ સ્વરૂપે આ એક કાર્યક્રમ કરવાની પ્રથમ નવતર પહેલ હાથ ધરી છે. આ સંવાદની સફળતા બાદ આગામી સમયમાં જિલ્લા મથકે પણ આ પ્રકારના ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ યોજવામાં આવશે.

નિયામકશ્રીએ લોકશાહીમાં અખબારનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, યોદ્ધા નેપોલિયન બોનાપાર્ટ પણ કહેતો હતો કે મને ચાર દેશોની સેના સામે જેટલો ડર નથી લાગતો તેટલો ડર એક અખબારથી લાગે છે. આજના યુગમાં સાહિત્ય સર્જનની સાથે તેના સર્જક કોણ છે તેનું પણ વિશેષ મહત્વ હોય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ સાહિત્ય-પત્રકારત્વ ક્ષેત્રે તેમની સર્જકયાત્રાના અનુભવ શેર કરતાં કહ્યું હતું કે, બાળપણથી જ ઘરમાં વાંચન- સર્જનના સંસ્કારો મળ્યા છે. ૧૦-૧૨ વર્ષની બાળ અવસ્થામાં પણ 'ગુજરાત સમાચારના તે વખતના બાળ સાપ્તાહિક 'ઝગમગ'માં ભારતના પ્રતાપી રાજાઓ-શહીદો વિશે રસપ્રદ કથાઓ લખી હતી જેના પરિણામે તે વખતે સામાન્ય રીતે વેચાતી ૧૨,૦૦૦ જેટલી પ્રત સામે તે અંકની ૫૦,૦૦૦ જેટલી પ્રત વેચાઇ હતી. અખબારમાં ઇંટ અને ઈમારત કોલમ, દિવ્યાંગો વિશે, કચ્છી ભૂમિ પરની શૌર્ય ગાથાઓ, રમત ગમત, રાજકીય વ્યક્તિત્વ વિશેષ શહીદ વિવિધ વિષય પર તેમણે લખેલા પુસ્તકો, સાહિત્ય, લેખોના સર્જન પાછળનો તેમણે ટૂંકમાં પરિચય તેમજ મર્મ સમજાવ્યો હતો.
સાહિત્યકાર,કોલમિસ્ટ, સર્જક શ્રી ભવેન કચ્છીએ સાહિત્ય-પત્રકારત્વ ક્ષેત્રે પોતાની સર્જક યાત્રા વિશે કહ્યું હતું કે, વાંચનના શોખીન એવા તેમના પિતાશ્રીએ તે વખતે લાયબ્રેરીમાંથી અલગ અલગ વિષયોના પુસ્તકો લાવવા-લઇ જવાની જવાબદારી તેમને ૧૨ વર્ષની ઉંમરે આપી હતી એટલે બાળપણથી જ પુસ્તકો વાંચનના સંસ્કાર મળ્યા છે. બાળપણમાં તેઓને સૌથી વધુ ઝગમગ પૂર્તિ વાંચવી ગમતી હતી. ૧૨ વર્ષની વયે જ સાહિત્ય ક્ષેત્રે કંઇક નવું સર્જન કરવાનો નિર્ધારના પરિણામે આજે આ મુકામ પર પહોંચ્યો છુ. પત્રકારત્વ તરીકે કારકિર્દીનો પ્રારંભ ગુજરાત સમાચાર અને પછી સંદેશમાંથી થયો હતો. તે વખતે ડૉ. કુમારપાળ દેસાઇના લેખ, વિવિધ સાહિત્ય સર્જન પરથી લખવાની પ્રેરણા મળી હતી. આ સિવાય વિવિધ અખબારોમાં રમત-ગમતનું આખુ પેજ તૈયાર કરવાની તક મળી હતી. ઉપરાંત ગુજરાત સમાચારમાં કરંટ ટોપીક સહિત ‘વિવિધા’ તેમજ ‘હેરોઇઝન’ જેવી ખાસ લેખની શ્રેણી તૈયાર કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. આ યાત્રા આજે પણ અવિરતપણે ચાલી રહી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

આ પ્રસંગે સર્જકો સાથે વાચકો-શ્રોતાઓએ પ્રશ્નો સ્વરૂપે સંવાદ પણ યોજ્યો હતો. જેમાં સર્જકો દ્વારા લખાયેલા વિવિધ પુસ્તકો, તેના નામ, લેખ, તેની પાછળનો હેતુ, વિચાર ક્યાંથી આવ્યો તેનો વિસ્તૃત સંતોષકારક તેમજ રસપ્રદ જવાબો સર્જક શ્રી કુમારપાળ દેસાઇ અને શ્રી ભવેન કચ્છી દ્વારા ઉપસ્થિત સાહિત્ય રસિકોને આપવામાં આવ્યા હતા.

સંવાદના પ્રારંભે ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ શ્રી પુલક ત્રિવેદીએ મહાનુંભાવોનું સ્વાગત કરીને સર્જક પદ્મ શ્રી ડૉ. કુમારપાળ દેસાઇ અને શ્રી ભવેન કચ્છીનો આગવી શૈલીમાં વિસ્તૃત પરિચય કરાવીને તેમના સાથેના અનુભવો શેર કર્યા હતા.
આ કાર્યક્રમમાં ગ્રંથાલય નિયામક શ્રી ડૉ.પંકજ ગોસ્વામી, સાહિત્યકારો સર્વે શ્રી હરિક્રિષ્ણ પાઠક, રાઘવજી માધડ, ડૉ. કેશુભાઇ દેસાઇ, કનૈયાલાલ ભટ્ટ, કલ્પેશ પટેલ, કિશોર જિકાદરા,ડૉ.સુરેશ જોષી, ડૉ.ધૈવત શુક્લ સહિત ગાંધીનગરના વરિષ્ઠ સાહિત્યકારો, લેખકો, સર્જકો, કોલમિસ્ટ, પત્રકારો, વાચક ભાઇ-બહેનો, માહિતી નિયામકશ્રી તેમજ ગ્રંથાલય નિયામકની કચેરીના અધિકારીઓ-કર્મયોગીઓ સહિત મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમી યુવાનો, વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.
જનક દેસાઇ ..........................


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.