“સ્વસ્થ બાળ સ્વસ્થ કાલ”ની દિશામાં ગુજરાતનાં નક્કર પગલાંઓ
રાજ્ય સરકારશ્રી દ્વારા બાળકો, સગર્ભા મહિલાઓ , ધાત્રી માતાઓ અને કિશોરીઓને
સૂક્ષ્મ પોષકતત્વોયુક્ત અને સ્વાસ્થ્યપ્રદ “રેડી ટુ કૂક” ટેક હોમ રેશનનો લાભ
રાજ્યનાં સર્વાંગી વિકાસમાં મહિલા અને બાળ કલ્યાણનું યોગદાન દેશ માટે ઉલ્લેખનિય રહ્યું છે. આપણાં રાજ્યની મહિલાઓ, કિશોરીઓ તેમજ માતા અને બાળકનાં પોષણ, દેખભાળ અને કાળજી માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ સદૈવ કાર્યરત છે. રાજ્ય સરકારશ્રી દ્વારા માતા, બાળક અને કિશોરીઓને જરૂરી પોષણ મળી રહે તે હેતુસર અનેકવિધ યોજનાઓનાં અમલીકરણ થકી ગુજરાત “સ્વસ્થ બાળ સ્વસ્થ કાલ”ની દિશામાં નક્કર પગલાંઓ ભરી રહ્યું છે. બાળકો, કિશોરીઓ તથા સગર્ભા તેમજ ધાત્રી માતાઓનાં પોષણ, તંદુરસ્તી અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં નવતર પહેલ થકી ગુજરાતે અનેક રાજ્યોને નવી રાહ ચીંધી છે.
બાળકો, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને સૂક્ષ્મ પોષક તત્વોયુક્ત અને સ્વાસ્થ્યપ્રદ “રેડી ટુ કૂક” ટેક હોમ રેશનનો લાભ:
રાજ્ય સરકારશ્રી દ્વારા મહિલા અને બાળલક્ષી શ્રેણીબદ્ધ યોજનાઓ પૈકી મહિલા અને બાળ વિકાસનાં સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ હેઠળ 6 માસથી 3 વર્ષ સુધીનાં તમામ બાળકો ઉપરાંત સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને પણ પૂરક પોષણ આહારનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ યોજના અન્વયે બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિ ટેક હોમ રેશન તરીકે લાભાર્થીઓને આપવામાં આવે છે. આ પ્રિમિક્સમાં તંદુરસ્ત શારીરિક વિકાસ માટે જરૂરી તમામ પ્રકારનાં પ્રોટીન, આયર્ન, વિટામીન, કેલ્શિયમ, ફોલિક એસિડ સહિતનાં પોષકતત્વોનો સમાવેશ કરવામાં આવે છે. જેનાં પરિણામે માતા-બાળક, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સ્વાસ્થ્યપ્રદ જીવન જીવી શકે છે. આ યોજના હેઠળ 6 માસથી 3 વર્ષ સુધીનાં બાળકોને બાલશક્તિનાં 7 પેકેટ્સ, અતિઓછાં વજનવાળાં બાળકોને 10 પેકેટ્સ તથા 3થી 6 વર્ષનાં અતિઓછાં વજનવાળાં બાળકોને 4 પેકેટ્સ આપવામાં આવે છે. સગર્ભા તેમજ ધાત્રી માતાઓને ટેક હોમ રેશન તરીકે માતૃશક્તિનાં 4 પેકેટ્સ આપવામાં આવે છે જ્યારે કિશોરીઓનાં શારીરિક અને પોષણક્ષમ વિકાસ માટે તેમને પૂર્ણાશક્તિનાં 4 પેકેટ્સ આપવામાં આવે છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.