વડોદરા નારેશ્વર રોડ પર રેતીના ડમ્પરે વધુ એક મહિલાનો ભોગ લીધો , સાંસદનું પણ તંત્ર સાંભળતું નથી .
વડોદરા જિલ્લાના કરજણ - નારેશ્વર રોડ પર રેતીના ડમ્પરે વધુ એક મહિલાનો ભોગ લેતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે . કરજણમાં નર્મદા નદીમાં રેતીનું ખોદકામ કરી બેફામ ડમ્પર હાંકતા ચાલકોની અડફેટે વારંવાર વાહનચાલકો આવી જતા હોવાના બનાવ બનતા હોવાથી ભારે વિરોધ થયો હતો . રેતી ખનન કરતા ડમ્પરોને કારણે ખેતીને પણ નુકસાન થઇ રહ્યું છે તેમજ રસ્તા પણ તૂટી રહ્યા છે . બે દિવસ પહેલાં કરજણ - નારેશ્વર રોડ પર સારિંગ ગામ પાસે એક ડમ્પરે બાઇકને અડફેટમાં લેતાં સુરેખાબેન વસાવા નામની મહિલાનું મોત નીપજ્યું હતું . જને પગલે પોલીસે ડમ્પર મુકી ફરાર થઇ ગયેલા ડ્રાઇવર સામે ગુનો પણ નોંધ્યો હતો . બેફામ દોડતા ડમ્પરો સામે ખુદ ભરૃચના સાંસદે પણ રજૂઆતો કરી હતી . પરંતુ તેમનું પણ તંત્ર સાંભળતું નથી . થોડા સમય પહેલાં એક યુવકનું મોત નીપજતાં સાંસદે જાહેરમાં મામલતદાર પર હાથ ઉપાડી ઉધડો લીધો હતો અને તેનો વીડિયો વાયરલ થયો હતો . તેમણે ફરી એક વાર કેન્દ્રના મંત્રીને પત્ર લખી રેતીના મોટા ખાડાને કારણે લોકો ડૂબી રહ્યા હોવાની અને અકસ્માતમાં પણ લોકોનો ભોગ લેવાઇ રહ્યો હોવાથી સખ્ત પગલાં લેવાની અને મા નર્મદાને બચાવી લેવા રજૂઆત કરી છે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.