એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશ શાહને ભારત સરકારનાં જળ શક્તિ મંત્રાલય દ્વારા ‘જળ પ્રહરી સન્માન’ અર્પણ કરાયું - At This Time

એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશ શાહને ભારત સરકારનાં જળ શક્તિ મંત્રાલય દ્વારા ‘જળ પ્રહરી સન્માન’ અર્પણ કરાયું


એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશ શાહને ભારત સરકારનાં જળ શક્તિ મંત્રાલય દ્વારા ‘જળ પ્રહરી સન્માન’ અર્પણ કરાયું.

 

સમસ્ત મહાજન વૈશ્વિક સ્તરે જળ, જંગલ, જમીન, પ્રાણીઓની સુખાકારી માટે પ્રયત્નશીલ રહે છે. 1996નાં દાયકાના અંતમાં, ચમત્કાર જેવી ઘટનાએ ગિરીશભાઈનાં જીવનનો માર્ગ બદલી નાખ્યો. ગિરીશભાઈને ત્રણ જૈન સાધુઓએ જુદા જુદા પ્રસંગે ગૌરક્ષા અને પશુ કલ્યાણ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવાની સલાહ આપી. સમસ્ત મહાજને ઓગસ્ટ, 2002માં કામ કરવાનું શરૂ કર્યું હતું. સમસ્ત મહાજનનાં મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહે એક સૂત્ર સાથે આગળ વધવાનું શરૂ કર્યું, "સેવા અને રક્ષણ કરો". ૨૨ વર્ષથી વધુ સમયથી સમસ્ત મહાજન પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કાર્યો તરફ અથાગ મહેનત કરી રહ્યું છે. ગિરીશભાઇ શાહ વર્તમાન સમયમાં જીવનનો મહતમ સમય જીવદયા, ગૌસેવા, માનવસેવા, શાકાહાર પ્રચાર પ્રસાર સહિતની પ્રવૃતિઓમાં વ્યસ્ત રહે છે. આવા માનવતાવાદી હેતુ માટે ગિરીશભાઈના નોંધપાત્ર યોગદાનને સમાજ દ્વારા ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તેમને અને સમસ્ત મહાજનને જીવદયા રત્ન, પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ઇન્દિરા પ્રિયદર્શીની વૃક્ષમિત્ર એવાર્ડ, આચાર્ય ચાણક્ય – ૨૦૨૦ સહિત અનેક પુરસ્કારો એનાયત કરવામાં આવ્યાં છે. વર્તમાન સમયમાં જળસમસ્યા દિન પ્રતિદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે. સનાતન સંસ્કૃતિમાં તો  જળને દેવનું રૂપ આપવામાં આવ્યું છે. જળ સમસ્યાઓમાં અછત અથવા દુકાળ, પૂરને કારણે લીલો દુકાળ, પાણીની વહેંચણીમાં થતા વિવાદ, પાણીમાં અશુધ્ધિના કારણે થતા રોગો, વિનાશક ત્સુનામી, જમીનનું ધોવાણ જેવા પ્રશ્નો ઉકેલ માંગી રહ્યા છે. માણસ ભોજન વગર લાંબા સમય સુધી જીવી શકે છે, પરંતુ પાણી વગર બે થી ત્રણ દિવસ પણ જીવવું મુશ્કેલ છે. કચ્છ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં અનેક વિસ્તારોમાં ૩૦૦થી વધુ ગામોમાં તળાવ ઊંડા કરવા, ગૌચર નિર્માણ સહિતનાં કાર્યો માટે સમસ્ત મહાજન સેવારત છે. પાણી એ જીવનનો દોર છે વધતું જતું શહેરીકરણ અને પાણીની અછત માટેનું આયોજન હાલમાં વિશ્વભરમાં ચિંતાઓનું કારણ બની રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને દેશ અને રાજ્યમાં વિવિધ સ્તરે જળ સંચયના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે.  નદીઓ અને નહેરોને અલગ-અલગ સ્તરે ઉંડા કરીને ભૂગર્ભમાં વધુમાં વધુ પાણી કેવી રીતે પંપ કરી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.  

વર્તમાન સમયમાં મુંબઈ ખાતે રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશીર્વાદથી ‘અર્હમ અનુકંપા’ પ્રોજેક્ટ હેઠળ સુપર સ્પેશીયાલીટી એનીમલ એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત સેંકડો જીવોને સ્થળ પર જ સારવાર તેમજ અભયદાન પ્રાપ્ત થયું છે અને તેમની જિંદગીઓ પણ બચી છે. સમગ્ર ભારતમાં આ પ્રકારની એમ્બ્યુલન્સ સરકાર તેમજ સમાજ અને સંસ્થાઓનાં માધ્યમથી થાય તે માટે ગિરીશભાઇ શાહ સતત કાર્યશીલ છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય તરીકે પણ પોતાની સેવા આપી રહ્યા છે. આજે સમસ્ત મહાજનની સેવાભાવી પ્રવૃતિઓ આ વિશ્વને સુંદર બનાવવામાં તેનું યોગદાન આપી રહી છે.

જળ સુરક્ષા માટે, જળ સંરક્ષણ ક્ષેત્રે સમસ્ત મહાજન અને ગિરીશભાઇ શાહનાં અનુકરણીય કાર્યને બિરદાવવા તેમજ દેશનાં અનેક જિલ્લાઓમાં જે જળસંકટ ઘેરી બની રહ્યું છે ત્યારે ગિરીશભાઇ શાહનાં પ્રયાસોથી માત્ર પાણીનું સંરક્ષણ અને બચાવ કરીને આવનારી પેઢીને બચાવવાનાં જે પ્રયાસો થઇ રહ્યા છે તે બદલ ભારત સરકારનાં જળ શક્તિ મંત્રાલય દ્વારા ‘જળ પ્રહરી સન્માન’ આપવામાં આવ્યું હતું. ગિરીશભાઇ શાહે જણાવ્યું હતું કે, “આ સન્માન 22 વર્ષની તપશ્ચર્યાનું પરિણામ છે. સમસ્ત મહાજનનાં માધ્યમથી 850 તળાવોનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં સાડા 6 લાખ જેટલા ગામડાઓ પાણીની બાબતમાં આત્મનિર્ભર બન્યા છે. આ જ અમારો ધ્યેય છે. આ માટે સમગ્ર ટીમ દેવેન્દ્ર જૈન, નુતનબેન દેસાઈ, રવીન્દ્ર કુમાર જૈન, હરનારાયણ સોની, મોતીલાલ સોની, માંગીલાલ પારાસરીયા, નટવરલાલ થાનવી, પુખરાજ જૈન, ખુશાલચંદ જૈન, વિજય પાલીવાલ, હરિરામ ગોદારા, યોગી પુખરાજ, રામજીવન ડાંગા, રામચંદ્ર નેહરા, હરિરામ ડૂક્યા, મોહનલાલ રાઠી સહિતનાઓનો સાથ સહકાર રહ્યો છે. રાજસ્થાનનાં તળાવ નિર્માણ કાર્યોમાં સંત નારાયણદાસ, યોગેશ્વર સુરજનાથ, રાજસ્થાન ગૌસેવા સમિતિ અધ્યક્ષ સંત દિનેશગિરી અને સંત રઘુનાથી ભારતીનાં આશિર્વાદ રહ્યા છે.” આ પ્રસંગે સાંસદ ગોપાલ શેઠી અને ઉમેશ પાટીલ, વોટર મેન રાજેન્દ્ર સિંહ, દેવેન્દ્ર જૈન, રવીન્દ્ર કુમાર જૈન, હરનારાયણ સોની, એડવોકેટ ડૉ. હર્ષ સુરાણા, મિત્તલ ખેતાણી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.