પાંચ ઓકટોબર વિશ્વ શિક્ષક દિવસ - At This Time

પાંચ ઓકટોબર વિશ્વ શિક્ષક દિવસ


પાંચ ઓકટોબર વિશ્વ શિક્ષક દિવસ

શિક્ષક પોતાના અસરકારક વ્યક્તિત્વની ઊંડી અસર છોડી જાય છે. તેને આપણે આજીવન ભૂંસી નથી શકતા. આવા શિક્ષકો પ્રત્યે આપણો આદરભાવ – અહોભાવ વ્યક્ત કરવાનો ખાસ દિવસ એટલે ‘શિક્ષક દિન’
“ હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરું કે જેમાં વિદ્યાર્થી શીખે. ” આ વાક્યો છે આલ્બર્ટ આઇન્સ્ટાઇનના.જે દરેક શિક્ષકોને રાહ બતાવે છે. આજના ટેકનોલૉજી-સ્માર્ટ યુગમાં દરેક બાળક સ્માર્ટ છે જ અને શિક્ષકે માત્ર એને રાહ ચીંધવાનો છે. આજના વિદ્યાર્થી પાસે અગાધ જ્ઞાન છે પણ તેને યોગ્ય રસ્તે વાપરવા માટે શિક્ષકે માત્ર પથદર્શક જ બનવાનું છે. બાળક ભાવિ નાગરિક કે જેના દ્વારા ભાવિ સમાજ ઘડાય અને એ ભાવિ સમાજનો ઘડવૈયો શિક્ષક છે.

વિશ્વ શિક્ષક દિવસનો ઇતિહાસ

1966માં યુનેસ્કો અને આંતરારાષ્ટ્રીય શ્રમ સંગઠનની એક બેઠક થઇ હતી, જેમાં શિક્ષકોના અધિકારો, જવાબદારીઓ, રોજગાર અને આગળના શિક્ષણની સાથે ગાઇડલાઇન બનાવાની વાત કરવામાં આવી.સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વ શિક્ષક દિવસને આંતરરાષ્ટ્રીય સ્તરે મનાવવા વર્ષ 1994માં 10 દેશોના સમર્થન સાથે યુનેસ્કોના પ્રસ્તાવને પસાર કરવામાં આવ્યો. ત્યાર બાદ 5 ઓક્ટોબર, 1994થી આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ મનાવવામાં આવ્યો. જોકે વિવિધ દેશોમાં અલગ અલગ તારીખે પણ શિક્ષક દિવસ મનાવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસનું મહત્વ

આ દિવસ મનાવવા માટે એક ખાસ ઉદ્દેશ્ય છે કે શિક્ષકોના મહત્વ અને તેના યોગદાનને સન્માન આપવામાં આવે. તે સંપૂર્ણ રીતે સમગ્ર વિશ્વના શિક્ષકોને સમર્પિત છે. આ દિવસનું મહત્વ સમગ્ર દુનિયામાં છે, શિક્ષક છે તો કાલ છે અને કાલ છે તો રાષ્ટ્ર છે, રાષ્ટ્ર છે તો દુનિયા છે. આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસનો ઉદ્દેશ્ય દુનિયા ભરના શિક્ષકોની સરાહના કરવાનો, મૂલ્યાંકન અને સુધાર પર લોકોનું ધ્યાન કેન્દ્રીત કરવાનો છે. વિશ્વમાં શિક્ષકોની જવાબદારી, તેમના અધિકારો અને આગળના ભણતર માટે તેમની તૈયારીને મહત્વ આપવામાં આવે છે.

શિક્ષક દિવસ દરેક દેશમાં અલગ-અલગ દિવસે ઉજવવામાં આવે છેઃ

આજના સમયમાં, શિક્ષક દિવસએ વૈશ્વિક ઉત્સવનું સ્વરૂપ લીધું છે. વિશ્વભરમાં તેને ઉજવવાના દિવસો પણ અલગ અલગ હોય છે. જેમ કે- આપણા દેશમાં 5 સપ્ટેમ્બર, અમેરિકામાં 6 મે, ચીનમાં 10 સપ્ટેમ્બર, ઈરાનમાં 2જી મે. ઈન્ડોનેશિયામાં શિક્ષક દિવસ 25 નવેમ્બરે, સીરિયા, ઈજિપ્ત વગેરે દેશોમાં 28 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે, પરંતુ વિશ્વ શિક્ષક દિવસ આજે એટલે કે 5 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. યુનેસ્કોના જણાવ્યા અનુસાર, આ દિવસોમાં વિશ્વ સારા અને લાયક શિક્ષકોની અછતનો સામનો કરી રહ્યું છે, આપણી ભાવિ પેઢીઓને તેમના શિક્ષણ માટે શિક્ષકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમની અછતને દૂર કરવાની જરૂર છે. શિક્ષકોની સંખ્યામાં થતા ઘટાડાને રોકવાનું અને પછી તે સંખ્યા વધારવાનું શરૂ કરવાનું મહત્વ દર્શાવવાની જરૂર છે.

લેખન
આ પ્રો ડો સચિન જે પીઠડીયા
G.E.S Class 2
સરકારી વિનયન કોલેજ ભેંસાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.