વડોદરા જિલ્લાના પાદરામાં IPL ક્રિકેટ મેચોમાં રમાતો સટ્ટો ઝડપાયો
દરોડા દરમ્યાન બુકી ફરાર, 5 લાખ રોકડ અને બીયરનો જથ્થો કબજે
વડોદરા જિલ્લાના પાદરા નગરમાં IPLની ક્રિકેટ મેચો ઉપર સટ્ટો રમાડાતા બુકીના ઘરમાં જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી રૂપિયા 5.39 રોકડ રકમ અને બીયરનો જથ્થો કબજે કર્યો હતો. દરોડા દરમ્યાન બુકી ફરાર થઇ જવામાં સફળ રહ્યો હતો. મોબાઇલ ઉપર આઇ.ડી. દ્વારા ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાની પ્રાથમિક વિગતો પોલીસની તપાસમાં જાણવા મળી છે.
મકાનમાંથી બીયરનો જથ્થો પણ મળી આવ્યો
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, પાદરા નગરમાં આવેલ પ્રમુખ રેસીડેન્સી નજીક આવેલા શ્રી લીલા કોમ્પલેક્ષના ચોથા માળે રહેતા તુષાર ઉર્ફે પપ્પુ ચંદ્રકાંત શાહ મોબાઈલ ઉપર આઇડી આપી તે મારફતે IPL ક્રિકેટ મેચો ઉપર સટ્ટો રમાડતો હતો. LCBની ટીમે દરોડો પાડતાં જ બુકી તુષાર ઉર્ફ પપ્પુ ચંદ્રકાંત શાહ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. તેના મકાનમાં વિગતે તપાસ કરતાં રોકડ રૂપિયા 5,39,210 તેમજ 14 નંગ બીયરની બોટલો મળી કુલ્લે રૂપિયા 5,40,710નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
મળેલ માહિતીને આધારે દરોડો પડાયો
LCBને માહિતી મળી હતી કે,
છેલ્લા એક માસ ઉપરાંતથી IPL ક્રિકેટ મેચ ચાલી રહી છે. સમગ્ર જિલ્લામાં સટ્ટોડીયાઓ માટે ઓનલાઇન જુગાર રમવાની મોસમ ખૂલી ગઇ છે. સટ્ટોડીયાઓ મોબાઇલ ફોન દ્વારા ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યા છે. ત્યારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. કૃણાલ પટેલને બાતમી મળી હતી કે, પાદરામાં તુષાર ઉર્ફ પપ્પુ શાહ નામનો વ્યક્તિ ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યો છે. જે માહિતીની ખાતરી કરાવતા સટ્ટો રમાતો હોવાની હકીકત સાચી સાબિત થતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો.
પાદરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ
LCBની ટીમે દરોડો પાડી મુદ્દામાલ કબજે લઈ, સટ્ટો રમાડનાર તુષાર ઉર્ફ પપ્પુ શાહ સામે પાદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પાદરા પોલીસે જુગાર ધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે. પાદરામાં સટ્ટો રમાડતો તુષાર ઉર્ફ પપ્પુ શાહને ત્યાં દરોડો પડતા સટ્ટો રમનાર તત્વોમાં ચકચાર મચી જવા પામી હતી.
9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.