સસ્પેન્ડેડ TPO સાગઠિયાની ભરતી જ ગેરકાયદે - At This Time

સસ્પેન્ડેડ TPO સાગઠિયાની ભરતી જ ગેરકાયદે


ઉંમરમાં 10 વર્ષની છૂટ અપાઈ જેથી 10 કરોડનો વહીવટ થઈ શકે

ભરતીનો 45 વર્ષનો નિયમ છતાં 55ના સાગઠિયાને હોદ્દો અપાયો, 8 મનપાને જાણ ન થાય એ માટે જાહેરાત ન અપાઈ

પ્રતિપાલસિંહ ગોહિલ રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની એસીબીએ સોમવારે સત્તાવાર રીતે ધરપકડ કરી તેની પાસેથી વધુ 18 કરોડનો ખજાનો જપ્ત કર્યો છે. ત્યારે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મનસુખ સાગઠિયાને ઈન્ચાર્જ ટીપીઓમાંથી કાયમી ટીપીઓ તરીકે નિમણૂંક આપવામાં તમામ નીતિ નિયમો નેવે મૂકી મહાપાલિકાના પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે કૌભાંડ આચર્યુ છે. મનસુખ સાગઠિયાની ભરતી સંપૂર્ણપણે ગેરકાયદે રીતે કરવામાં આવી તેની તમામ વિગતો સરકારને લેખિતમાં 10 દિવસ પહેલા મળી ગઈ છે આમ છતાં આ અહેવાલ જાહેર શા માટે નથી કરાયો તે પણ સો મણનો સવાલ છે.

રાજકોટ મહાનગરપાલિકામાં મનસુખ સાગઠિયા 01-04-2012થી ઈન્ચાર્જ ટીપીઓ તરીકે ફરજ બજાવતા હતા ત્યારબાદ તેઓને ટીપીઓ તરીકે કાયમી કરવા માટે એક ખેલ શરૂ થયો. આ ભરતીમાં સ્પધર્કો જ ન રહે તે માટે સૌથી પહેલા એવો નિર્ણય લેવાયો હતો કે આ પદ માત્ર ઈનહાઉસ એટલે રાજકોટ મનપાના અધિકારીઓમાંથી ભરતી કરવામાં આવશે. 16મી મેએ મ્યુનિસિપલ કમિશનરે ભરતી જાહેર કરીને ફોર્મ બહાર પાડ્યા હતા પણ તેમાં એકમાત્ર મનસુખ સાગઠીયાની જ દાવેદારી નોંધાઈ હતી. એક ઉમેદવાર હોવા છતાં ભરતી આગળ વધી હતી.

ત્યારબાદ 06-07-2023ના રોજ ઓફિસર્સ સિલેક્શન કમિટી એટલે કે મ્યુનિસિપલ કમિશનર, મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને ચીફ ઓડિટર સહિતના અધિકારી-પદાધિકારીઓએ મનસુખ સાગઠીયાનો ઈન્ટરવ્યુ લીધો હતો. ઈન્ટરવ્યુ બાદ બધાએ પોત પોતાના અભિપ્રાય અને માર્ક્સ આપી કવર મ્યુનિસિપલ કમિશનરને અપાયુ હતું. આ ઈન્ટરવ્યુને આધારે ટીપીઓ તરીકે સાગઠીયાની ભરતી નક્કી થઈ હતી પણ નિયમ મુજબ વર્ગ-1ના ગેઝેટેડ અધિકારી હોવાથી તેમની નિમણુંક જનરલ બોર્ડમાંથી મંજૂર કરાવવી ફરજિયાત હોય છે.

જેને લઈને 10 જુલાઈના એજન્ડા નીકળ્યો હતો જેમાં 19 જુલાઈ 2023ના જનરલ બોર્ડ બોલાવવા માટેની દરખાસ્ત હતી જેમાં 7 નંબરની દરખાસ્ત ટીપીઓની બિનઅનામત જગ્યામાં પસંદ થયેલ ઉમેદવારની આખરી પસંદગી કરવા મ્યુનિસિપલ કમિશનરે તા.16 મેના લખેલો પત્ર નંબર 19 તેમજ તે પરત્વે તા. 6 જુલાઈ 2023ના ઓફિસર્સ સિલેક્શન કમિટીનો ઠરાવ મૂકવામાં આવ્યો હતો જે ઠરાવને 19 જુલાઈ 2023ના મળેલા બોર્ડમાં સર્વાનુમતે મંજૂરી અપાઈ જતા સાગઠીયાની ટીપીઓ તરીકે નિમણૂંક કરી દેવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.