ઇવીએમ સ્ટ્રોંગ રૂમની સુરક્ષા અખંડ છે : જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી શ્રી ડી.કે. પારેખ - At This Time

ઇવીએમ સ્ટ્રોંગ રૂમની સુરક્ષા અખંડ છે : જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી શ્રી ડી.કે. પારેખ


ભાવનગર, શનિવાર
વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત 1 ડિસેમ્બરના રોજ ભાવનગર જિલ્લામાં મતદાન કરવામાં આવ્યું હતું. જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો પર મતદાન બાદ ઈવીએમ (ઇલેક્ટ્રોનીક વોટિંગ મશીન) ભાવનગર ની સરકારી ઇજનેરી કોલેજ ખાતે સીલ મારી સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. આજરોજ એવી અફવા ફેલાઇ હતી કે સરકારી ઇજનેરી કોલેજ ખાતે ઇવીએમ જ્યાં રાખવામાં આવ્યા છે તે સ્ટ્રોંગરુમ સલામત નથી અને તેના સીલ સાથે ચેડાં થયા છે. જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડી.કે. પારેખ દ્વારા આ અફવાનું ખંડન કરવામાં આવ્યું છે.

કલેક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સ્ટ્રોંગ રૂમની જિલ્લા કલેકટર તેમજ રિટર્નિંગ ઓફિસર દ્વારા સમયાંતરે મુલાકાત લેવામાં આવી રહી છે. સ્ટ્રોંગરૂમ ની સિક્યુરિટીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ રાખવામાં આવી નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારી કોલેજ ખાતે રાખવામાં આવેલા ઇવીએમ સહી સલામત છે તેમજ દિવસ રાત 24 કલાક સશસ્ત્ર સુરક્ષા દળોનો પહેરો લગાવવામાં આવ્યો છે આ ઉપરાંત 24 કલાક તેની વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે. સ્ટ્રોંગરૂમ 24 કલાક સીસીટીવી સર્વેલંસ હેઠળ છે. આ સર્વેલંસના ફૂટેજ ઉમેદવારો અને તેમના માન્ય પ્રતિનિધિ કંટ્રોલરૂમમાં બેસી જોઈ શકે તેવી પણ વ્યવસ્થા છે. ભારતીય ચૂંટણી પંચના પ્રોટોકોલ પ્રમાણે જ ઇવીએમની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અહીં ઇવીએમ રાખવામાં આવ્યા એ સમયે તમામ ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ સીલ કરવામાં આવ્યા હતા. સ્ટ્રોંગ રૂમ અખંડ છે આથી કોઈપણ વ્યક્તિ આવી અફવાથી ભરમાવું નહીં.

રીપોટર-અશોક ચૌહાણ

જેસર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.